ગાંધીનગર: ગુજરાત પંચાયત સેવા મંડળની પરીક્ષાનું જુનિયર ક્લાર્કનું પેપર લીક થયા બાદ સરકારે હવે IPS હસમુખ પટેલને તેના અધ્યક્ષ બનાવ્યા છે. પેપર લીક થયા બાદ 9.53 લાખ ઉમેદવારો સાથે અન્યાય થયો હતો. ત્યારે સરકારે આગામી 100 દિવસમાં ફરીથી પરીક્ષા યોજવાની જાહેરાત કરી હતી. ત્યારે અધ્યક્ષ બનતા જ હસમુખ પટેલે જુનિયર ક્લાર્કની પરીક્ષા હવે ક્યારે યોજાશે તે વિશે મોટી જાહેરાત કરી દીધી છે. તેમણે આ માટે ઉમેદવારોને પણ અત્યારથી ફરીથી તૈયારીમાં લાગી જવા માટે સૂચન કર્યું છે.
ADVERTISEMENT
પરીક્ષા ક્યારે યોજાશે?
ગુજરાત પંચાયત સેવા મંડળની જવાબદારી સોંપાયા બાદ હસમુખ પટેલે આજે પત્રકારોને સંબોધિત કર્યા હતા. જેમાં પ્રેસ કોન્ફરન્સ દરમિયાન તેમણે આગામી એપ્રિલ મહિનામાં જુનિયર ક્લાર્કની પરીક્ષા લેવાશે તેવો દાવો કર્યો હતો. તેમણે કહ્યું કે, ઉમેદવારો જુનિયર ક્લાર્કની પરીક્ષાની તૈયારી શરૂ કરી દે, વહેલી તકે પરીક્ષા લેવી અને સ્વચ્છ પરીક્ષા લેવી તે અમારી પ્રાથમિકતા છે. જોકે તેમણે તારીખ અંગે કોઈ ફોડ પાડ્યો નહોતો. પરંતુ ટુંક દિવસોમાં જ પરીક્ષાની તારીખ જાહેર થાય તેવી સરકારની પ્રાથમિકતા હોવાનું જણાવ્યું હતું.
પારદર્શક રીતે પરીક્ષા યોજવા પર ફોકસ
આ સાથે જ તેમણે આગામી પરીક્ષામાં મહત્વપૂર્ણ મુદ્દા પર ભાર અપાશે તેમ જણાવ્યું હતું. જે મુજબ પરીક્ષામાં પેપરલીક ન થાય તેનું ખાસ ધ્યાન રખાશે. પરીક્ષાની અંદર ચોરી ડામવા પર ફોકસ રાખવામાં આવશે અને પરિણામ પારદર્શક રીતે આપવામાં આવે તેવો પ્રયાસ કરવામાં આવશે. સાથે જ ઉમેદવારો સાથે યોગ્ય કોમ્યુનિકેશન કરીને તેમને અપડેટ રાખવામાં આવે તેવો પ્રયાસ કરાશે.
તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…
ADVERTISEMENT