IPL 2024: ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની 17મી સિઝન માટે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)ની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. ટૂર્નામેન્ટ માટે ખેલાડીઓની હરાજી થઈ ચૂકી છે અને હવે તમામની નજર તારીખો પર છે. બીસીસીઆઈએ હજુ સુધી IPLની નવી સિઝન ક્યારે અને ક્યાં યોજાશે તેની જાહેરાત કરી નથી. તો વુમન્સ પ્રીમિયર લીગની બીજી સિઝનનું પણ શેડ્યુલ જાહેર કરવામાં આવ્યું નથી.
ચૂંટણીની જાહેરાત બાદ શેડ્યુલ જાહેર કરાશે
હવે એવા સમાચાર સામે આવી રહ્યા છે કે IPLની નવી સિઝન 22 માર્ચથી શરૂ થશે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, મહિલા પ્રીમિયર લીગની શરૂઆત ફેબ્રુઆરીના અંતમાં શરૂ થઈ શકે છે. આ વર્ષે દેશમાં લોકસભાની ચૂંટણી પણ યોજાવાની છે. આવી સ્થિતિમાં BCCI ઈચ્છે છે કે IPL મેચો ચૂંટણીની તારીખો સાથે વિરોધાભાસી ન હોવી જોઈએ. બીસીસીઆઈએ આ વાતનો સંકેત આપ્યો હતો કે ચૂંટણીની જાહેરાત બાદ જ આઈપીએલનું શેડ્યુલ જાહેર કરવામાં આવશે. 2019માં સામાન્ય ચૂંટણીઓ યોજાવાની હતી, છતાં તમામ મેચો માત્ર ભારતમાં જ યોજાઈ હતી. આ વખતે પણ બોર્ડ એવું જ ઈચ્છે છે.
વિદેશમાં રમાઈ ચૂકી છે IPLની મેચ
2009 અને 2014માં સામાન્ય ચૂંટણીના કારણે IPLનું આયોજન વિદેશમાં થયું હતું. 2009માં તમામ મેચ દક્ષિણ આફ્રિકામાં રમાઈ હતી. જ્યારે 2014માં શરૂઆતી 20 મેચ UAEમાં યોજાઈ હતી. જે પછીની મેચો ભારતમાં રમાઈ હતી.
BCCIએ મહિલા પ્રીમિયર લીગ માટે બનાવ્યો પ્લાન
BCCIએ ગયા વર્ષે મહિલા પ્રીમિયર લીગનું આયોજન કર્યું હતું. ત્યારે તમામ મેચો એક જ શહેરમાં યોજાઈ હતી. મુંબઈના અલગ-અલગ મેદાનો પર મેચો રમાઈ હતી. બોર્ડ ટુર્નામેન્ટને રોમાંચક બનાવવા અને વધુને વધુ લોકો સુધી પહોંચવા માટે અલગ જ પ્લાન બનાવી રહ્યું છે. રિપોર્ટ અનુસાર આ વખતે વુમન્સ પ્રીમિયર લીગનું આયોજન બે શહેરોમાં કરવામાં આવશે. આ માટે દિલ્હી અને બેંગલુરુની પસંદગી કરવામાં આવી છે.