જયપુર: જયપુરમાં સવાઈ માનસિંહ સ્ટેડિયમમાં રમાતી મેચમાં લખનૌ સુપર જાયન્ટ્સની ટીમે રાજસ્થાન રોયલ્સને 10 રને હરાવ્યું છે. લખનૌની ટીમે પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં 154 રન બનાવ્યા હતા. જવાબમાં રાજસ્થાનની ટીમે 20 ઓવરમાં 6 વિકેટે માત્ર 144 રન જ બનાવી શકી હતી. સીઝનમાં આ રાજસ્થાન રોયલ્સની પ્રથમ હાર છે.
ADVERTISEMENT
રાજસ્થાનની બેટિંગ
155 રનના લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી રાજસ્થાન રોયલ્સે સારી શરૂઆત કરી હતી. યશસ્વી જયસ્વાલ અને જોસ બટલરે પ્રથમ વિકેટ માટે 11.3 ઓવરમાં 87 રનની ભાગીદારી નોંધાવી હતી. 12મી ઓવરમાં માર્કસ સ્ટોઇનિસે યશશ્વી જયસ્વાલને અવેશ ખાનના હાથે કેચ આઉટ કરાવીને આઉટ કર્યો હતો. યશસ્વીએ 35 બોલમાં 44 રનની ઇનિંગ રમી જેમાં ચાર ચોગ્ગા અને બે છગ્ગાનો સમાવેશ થાય છે. ત્યારબાદ સંજુ સેમસન અમિત મિશ્રાના થ્રો પર રનઆઉટ થયો હતો.
આ પછી સ્ટોઇનિસે તેની આગલી ઓવરમાં જોસ બટલરને આઉટ કરીને લખનૌને મોટી સફળતા અપાવી હતી. બટલર પુલ શોટ રમતા ડીપ મિડ-વિકેટ પર રવિ બિશ્નોઈના હાથે કેચ આઉટ થયો હતો. બટલરે 41 બોલમાં કુલ 40 રન બનાવ્યા જેમાં ચાર ચોગ્ગા અને એક છગ્ગાનો સમાવેશ થાય છે. આ પછી રાજસ્થાનને ચોથો ફટકો શિમરોન હેટમાયરના રૂપમાં લાગ્યો હતો, જે અવેશ ખાનના બોલ પર કેએલ રાહુલના હાથે કેચ આઉટ થયો હતો. હેટમાયર આઉટ થયો ત્યારે રાજસ્થાનનો સ્કોર 15.1 ઓવરમાં 104 રન હતો. બાદમાં પડ્ડીકલે 21માં 26 રન બનાવીને આઉટ થયો. છેલ્લી ઓવરમાં જીત માટે 19 રનની જરૂર હતી. જેની સામે રાજસ્થાનની ટીમ માત્ર 9 રન જ બનાવી શકી.
લખનૌ સુપર જાયન્ટ્સની બેટિંગ
ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરવા આવેલી લખનૌ સુપર જાયન્ટ્સે ધીમી શરૂઆત કરી હતી. ઇનિંગની પહેલી ઓવર મેડન હતી અને બોલ્ટ સામે રાહુલ બિલકુલ રન કરી શક્યો નહીં. પાવરપ્લેમાં લખનૌએ એકપણ વિકેટ ગુમાવી ન હતી, પરંતુ માત્ર 37 રન જ બનાવી શકી હતી. આ પછી, આગામી ચાર ઓવરમાં રાહુલ અને કેએલ મેયર્સે ગતિ થોડી વધારી અને 42 રન ઉમેર્યા. 11મી ઓવરમાં કેએલ રાહુલ જેસન હોલ્ડરની બોલ પર મોટો શોટ મારવાની પ્રયાસમાં લોંગ-ઓન પર બટલરના હાથે કેચ આઉટ થયો હતો. રાહુલે 32 બોલમાં માત્ર 39 રન બનાવ્યા જેમાં ચાર ચોગ્ગા અને એક છગ્ગાનો સમાવેશ થાય છે.
આ બાદ આયુષ બદોની બોલ્ડ થયો. કાયલ મેયર્સે યુઝવેન્દ્ર ચહલની ઓવરમાં સતત બે ચોગ્ગા ફટકાર્યા બાદ સિંગલ લઈને પોતાની ફિફ્ટી પૂરી કરી. જોકે તે પછીની ઓવરમાં અશ્વિનનો શિકાર બન્યો હતો. દીપક હુડ્ડા (2) પણ રન બનાવીને આઉટ થઈ ગયો. જ્યારે મેયર્સે 42 બોલમાં 51 રન બનાવીને આઉટ થયો. જેમાં ચાર ચોગ્ગા અને ત્રણ છગ્ગાનો સમાવેશ થાય છે.
104 રનમાં ચાર વિકેટ પડી ગયા બાદ, માર્કસ સ્ટોઇનિસ અને નિકોલસ પૂરને 34 બોલમાં 45 રનની ભાગીદારી કરીને લખનૌને 150 રનને પાર પહોંચાડવામાં મદદ કરી હતી. સ્ટોઇનિસે 21 અને પુરને 28 રનનું યોગદાન આપ્યું હતું. લખનૌએ સંદીપ શર્માની છેલ્લી ઓવરમાં ત્રણ વિકેટ ગુમાવી હતી, જેમાં પૂરન અને યુદ્ધવીર સિંહ રન આઉટ થયા હતા.
ADVERTISEMENT