ચૂંટણી પહેલા મહીસાગર ભાજપમાં આંતરિક જૂથવાદ, પાર્ટીના જ આગેવાનોએ MLA સામે મોરચો માંડ્યો

વિરેન જોશી/મહીસાગર: ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી પહેલા રાજકારણ ગરમાયું છે. ટિકિટ મુદ્દે રાજકીય પાર્ટીઓમાં જૂથવાદ સામે આવી રહ્યો છે. ત્યારે મહીસાગર જિલ્લાના સંતરામપુર ભાજપમાં આંતરિક જૂથવાદ…

gujarattak
follow google news

વિરેન જોશી/મહીસાગર: ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી પહેલા રાજકારણ ગરમાયું છે. ટિકિટ મુદ્દે રાજકીય પાર્ટીઓમાં જૂથવાદ સામે આવી રહ્યો છે. ત્યારે મહીસાગર જિલ્લાના સંતરામપુર ભાજપમાં આંતરિક જૂથવાદ સામે આવ્યો છે. જેમાં રાજ્યકક્ષાના મંત્રી અને સંતરામપુર ધારાસભ્ય કુબેર ડીંડોર સામે રોષ વ્યકત કરતો વીડિયો થયો વાયરલ થયો છે.

ધારાસભ્ય કુબેરભાઈ ડીંડોર સામે રોષ
ચૂંટણી પહેલા સંતરામપુરના ધારાસભ્ય કુબેરભાઈ ડીંડોર સામે રોષ જોવા મળી રહ્યો છે. કડાણા અને સંતરામપુરના આગેવાનોમાં ધારાસભ્યો સામે નારાજગી જોવા મળી રહી છે. કડાણા તાલુકા પંચાયત ભાજપ પૂર્વ પ્રમુખ અને અન્ય સામાજિક આગેવાનો દ્વારા ધારાસભ્યના વિરોધનો એક વીડિયો હાલ સામે આવ્યો છે.

ધારાસભ્ય વિરુદ્ધ બોલતો વીડિયો વાઈરલ
મહીસાગર જિલ્લા પંચાયત પ્રમુખ રમીલાબેનના સસરા કે જે બે ટર્મ કડાણા તાલુકા પંચાયતના પ્રમુખ, એક ટર્મ જિલ્લા પંચાયતમાં ન્યાય સમિતિના ચેરમેન તેમજ કડાણાના ભાજપના કદાવર નેતા વાઘા કાળુ ડામોર વિરોધ કરતા જોવા મળ્યા. આદિજાતિના પ્રમાણપત્ર માટે ચાલતા ધરણાંના કાર્યક્રમમાં દરમ્યાન સંબોધનમાં સંતરામપુર ધારાસભ્યનો વિરોધ કરતો વીડિયો વાયરલ થયો છે.

વીડિયોમાં શું કહેવાઈ રહ્યું છે?
વીડિયોમાં કહેવાઈ રહ્યું છે કે, આપણા સમાજના હોવા છતાં સમાજના છોકરાઓ માટે કોઈ કામ નથી કર્યું. વિકાસ કર્યો આપણી સરકારે અને જશ લે છે રાજયકક્ષાના મંત્રી એવા સંતરામપુરના ધારાસભ્ય. વીડિયોમાં દેખાય છે કે, ધરણાં કાર્યક્રમમાં એકત્રિત થયેલા લોકો સમાજના લોકોને સોગંદ લેવાનું કહી રહ્યા છે કે બીજો કોઇપણ ઉમેદવાર ચાલશે પણ આ ધારાસભ્ય ના જોઇએ. તેમણે સમાજ માટે કોઈ કામ નથી કર્યું, ફક્ત સાયરન વાગતી ગાડીમાં ફરવું એ જ એમનું કામ છે. સાયરન વગાડતી ગાડીમાં આપણા લીધે ફરવા મળે છે. આપણે મત આપ્યા ત્યારે મંત્રી બન્યા. હવે સમાજની ફિકર નથી.

    follow whatsapp