Indian Navy Former Officers Returned India: કતારની જેલમાંથી મુક્ત થયા બાદ ઈન્ડિયન નેવીના પૂર્વ જવાનો વતન પરત ફર્યા છે. તમામ 8 પૂર્વ જવાનોને મુક્ત કરવામાં આવ્યા છે. તેમાંથી સાત આજે સવારે ભારત પહોંચ્યા છે. કતારથી પરત ફરેલા પૂર્વ નૌસૈનિકોમાંથી એક નૌસૈનિકે ભારતની ધરતી પર પગ મુક્યો ત્યારે તેઓ ભાવુક થઈ ગયા હતા.
ADVERTISEMENT
PM મોદીના અમે આભારીઃ પૂર્વ નૌસૈનિક
તેમણે કહ્યું કે, અમે વતનમાં પરત ફરવા માટે લગભગ 18 મહિના સુધી રાહ જોઈ. અમે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ખૂબ જ આભારી છીએ. તેમના વ્યક્તિગત હસ્તક્ષેપ અને કતાર સાથેના તેમના ગાઢ સંબંધોને કારણે જ આ શક્ય બન્યું છે. અમે ભારત સરકાર દ્વારા કરવામાં આવેલા દરેક પ્રયાસો માટે ખૂબ જ આભારી છીએ. તેમના પ્રયત્નો વિના આ દિવસ જોવો અમારા માટે શક્ય ન હોત.
વિદેશ મંત્રાલયે કર્યું સ્વાગત
કતારથી પૂર્વ નૌસૈનિકોની વતન વાપસી થયા બાદ ભારતીય વિદેશ મંત્રાલય (MEA)એ આજે સવારે એક નિવેદન બહાર પાડ્યું હતું. એક નિવેદન જાહેર કરીને પૂર્વ નૌસૈનિકોનું તેમના વતન પરત સ્વાગત કરવામાં આવ્યું હતું. વિદેશ મંત્રાલય વતી કહેવામાં આવ્યું કે, કતારની જેલમાંથી મુક્ત થયા બાદ ભારત આવેલા નૌસૈનિકોનું સ્વાગત છે. ભારત કતારના નિર્ણયનું પ્રશંસક છે કે ત્યાંની સરકારે ભારત સરકારની વિનંતી સ્વીકારી.
ભારતની સૌથી મોટી રાજદ્વારી જીત
ભારતના પૂર્વ નૌસૈનિકોની ફાંસીની સજાને પહેલા ઉંમરકેદમાં બદલી દેવામાં આવી અને હવે તેમને મુક્ત કરીને સુરક્ષિત ભારત પહોંચાડવામાં આવ્યા છે. ભારત માટે આ એક મોટી રાજદ્વારી જીત છે. આઠ ભારતીયોના પરિવારોએ મળીને વડાપ્રધાન મોદી સાથે આ બાબતે ચર્ચા કરી હતી અને ત્યારપછી કરાયેલા પ્રયાસો પ્રશંસનીય છે.
આ 8 ભારતીયોને કતારમાં થઈ હતી સજા
- કેપ્ટન નવતેજ સિંહ ગિલ
- કેપ્ટન બિરેન્દ્ર કુમાર વર્મા
- કેપ્ટન સૌરભ વશિષ્ઠ
- કમાન્ડર અમિત નાગપાલ
- કમાન્ડર પૂર્ણેન્દુ તિવારી
- કમાન્ડર સુગુણાકર પાકલા
- કમાન્ડર સંજીવ ગુપ્તા
- નાવિક રાગેશ
શું હતો સમગ્ર મામલો?
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ઓક્ટોબર 2022માં કતાર પોલીસે 8 ભારતીય પૂર્વ મરીનની ધરપકડ કરી હતી અને તેમને જેલમાં ધકેલી દીધા હતા. કતાર પોલીસે તેના પર કતારના સબમરીન પ્રોજેક્ટની જાસૂસી કરવાનો આરોપ લગાવ્યો હતો. 25 માર્ચ 2023ના રોજ ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી અને કતારના કાયદા હેઠળ તેમની સામે કેસ શરૂ કરવામાં આવ્યો હતો. 26 ઓક્ટોબર 2023ના રોજ કતારની કોર્ટે આઠ ભારતીયોને ફાંસીની સજા સંભળાવી હતી.
પરિવારે PM મોદી સાથે કરી હતી મુલાકાત
જે બાદ આઠ ભારતીયોના પરિવારજનોએ વડાપ્રધાન મોદી સાથે મુલાકાત કરી હતી. તેમણે તેમના પરિવારજનોને બચાવવાની માંગ કરી હતી. આ પછી દુબઈમાં આયોજિત COP28 સમિટમાં વડાપ્રરધાન નરેન્દ્ર મોદીએ કતારના અમીર શેખ તમીમ બિન હમદ અલ-થાની સાથે મુલાકાત કરી, જેમાં આ મુદ્દા પર ચર્ચા થઈ. કાયદાકીય પ્રક્રિયા હેઠળ અપીલ કરવામાં આવી હતી.
ADVERTISEMENT