ભરુચ: ટીમ ઈન્ડિયાના પૂર્વ ક્રિકેટર અને ભરૂચના ઈખર ગામના રહેવાસી મુનાફ પટેલ મોટા વિવાદમાં સપડાયા છે. યુપી રેરા (UP Rera) દ્વારા રિકવરી સર્ટિફિકેટ પર કાર્યવાહી કરતા મુનાફ પટેલના બેંક ખાતાને ફ્રીઝ કરીને 52 લાખ રૂપિયા વસૂલ કરવામાં આવ્યા છે. 2011ના વર્લ્ડકપ ટીમમાં મહત્વપૂર્ણ ખેલાડી મુનાફ પટેલની કંપની પર છેતરપિંડીના આક્ષેપ લાગ્યા છે.
ADVERTISEMENT
શું હતો સમગ્ર મામલો?
મુનાફ પટેલ ઉત્તર પ્રદેશના નોઈડામાં બિલ્ડર કંપની ‘નિવાસ પ્રમોટર્સ પ્રાઈવેટ લિમિટેડ’ના ડિરેક્ટર છે. આ કંપનીનો વનલીફ ટ્રોય નામનો પ્રોજેક્ટ છે, જે સમય પર પૂરો ન થતા રોકાણકારોએ યુપી રેરામાં ફરિયાદ કરી હતી. જેના પર સુનાવણી બાદ યુપી રેરાએ બિલ્ડર વિરુદ્ધ આદેશ કર્યો હતો અને તેનું પાલન ન થતા યુપી રેરાએ રિકવરી સર્ટિફિકેટ જારી કર્યા છે. હાલમાં યુપી રેરા પાસે બિલ્ડર વિરુદ્ધ 10 કરોડની રમકના 40 જેટલા રિકવરી સર્ટિફિકેટ છે. અધિકારીઓ રિકવરી કરી રહ્યા છે પરંતુ બિલ્ડર પૈસા નથી આપી રહ્યો.
હજુ પણ વસૂલાતની કાર્યવાહી ચાલુ રહેશે
અધિકારીઓએ જણાવ્યું કે, ક્રિકેટર મુનાફ પટેલ પણ કંપનીમાં ડાયરેક્ટર છે. નોઈડા અને ગુજરાતમાં એક્સિક બેંકની બે બ્રાન્ચમાં તેમના એકાઉન્ટ છે. બંને ખાતાને જપ્ત કરીને રિકવરી સર્ટિફિકેટની રકમ વસૂલવામાં આવી છે. બંને બેંક એકાઉન્ટમાંથી લગભગ 52 લાખ રૂપિયા જપ્ત કરવામાં આવ્યા છે. અધિકારીઓએ જણાવ્યું કે, બિલ્ડર વિરુદ્ધ આગળ પણ વસૂલાતની કાર્યવાહી ચાલુ રહેશે.
ADVERTISEMENT