હેતાલી શાહ, આણંદ: શહેરમાં સિનીયર સિટીઝન ને ટાર્ગેટ કરીને સીએનજી રીક્ષામા પેસેન્જર તરીકે બેસાડી સોનાના ચેઈન, અછોડા ચોરતી સક્રીય ગેંગના 7 આરોપીઓને આણંદ એલસીબીની ટીમે ઝડપી પાડયા છે. ઝડપાયેલા તમામ આરોપીઓ અન્ય જિલ્લામાં પણ ચોરીઓને અંજામ આપી ચૂક્યા છે.મહત્વની બાબત એ છે કે આ ગેંગ માં ઝડપાયેલ આરોપીઓ પૈકી ઇમરાનમિંયા ઉર્ફે મેમ્બર સફિમિંયા મલેક કે જે ખેડા જિલ્લા ની મહેમદાવાદ નગરપાલિકાના અપક્ષ કાઉન્સિલર છે.
છેલ્લા ઘણા સમયથી આણંદ જિલ્લામાં સિનિયર સિટીઝનો મહિલાઓને ટાર્ગેટ કરી CNG રિક્ષામાં પેસેન્જર તરીકે બેસાડી સોનાના અછોડા ચોરવાની ઘટનાં બની રહી હતી. જેને લઇ આણંદ જિલ્લા પોલીસ આ ઘટનાઓ અટકાવવા માટે તપાસનો ધમધમાટ તેજ કર્યો હતો. દરમ્યાન પોલીસને બાતમી મળી હતી કે અગાઉ પણ આ પ્રકારની ઘટનાઓ અને મોડેસ ઓપરેન્ડીથી ઘટનાને અંજામ આપતા મહેમદાવાદના અજય દિનુભાઈ વાઘરી અને રવિ ઉર્ફે કાળુ વિનુભાઈ વાઘેલા તથા તેમના સાગરીતોની ટીમ સક્રિય છે. અને આ ગુનામાં પણ સંડોવાયેલી છે. અને તેઓ દિલ્હી છે. જેના આધારે પોલીસે એક ટીમ દિલ્હી મોકલી હતી. જ્યાંથી આરોપીઓને પકડીને પરત આવી રહ્યા હતા દરમ્યાન રસ્તામાં અન્ય સાગરીતોના નામ પણ જણાઇ આવતાં પોલીસની બીજી ટીમ મહેમદાવાદ જઈ અન્ય સાગરીતોને ઝડપી પાડયા હતાં. આ તમામ આરોપીઓને આણંદ એલસીબી કચેરીએ લાવી વધુ પૂછપરછ કરતાં છેલ્લા 2 મહિનાથી અત્યાર સુધી માં વિવિધ 10 જેટલી સોનાનો અછોડો, ચેઇન ની ચોરી કરી હોવાનું બહાર આવ્યું.
અપક્ષ કાઉન્સિલર સહિત ચલાવતા હતા લુંટ
પોલીસે મહેમદાવાદના રહેવાસી ગેંગના 7 સાગરીતો ઝડપી પાડ્યા છે . જેમાં ઇમરાનમિંયા ઉર્ફે મેમ્બર સફીમિંયા મલેક, રવિ ભાઇ ઉર્ફે કાળુ વિનુભાઈ વાઘેલા , જૈમિન ગોવિંદભાઈ ભોઈ , વિનુભાઈ ઉર્ફે ભુવાજી રજનીભાઇ દેવીપૂજક , રાજુભાઈ બનાભાઈ દેવીપૂજક, અજયભાઈ દિનુભાઈ વાઘરી, ગીતાબેન શૈલેષભાઈ વિનુભાઈ વાઘેલા છે. આ પૈકી ઇમરાનમિંયા ઉર્ફે મેમ્બર સફિમિયા મલેક મહેમદાવાદ નગરપાલિકા વોર્ડ નબર 4 ના અપક્ષ કાઉન્સિલર છે. અને આ તમામ મહેમદાવાદના કુંભારખાડ તળાવ પાસે રહે છે. જેને લઇને મહેમદાવાદ માં પણ આ ઘટના ચર્ચાનો વિષય બની છે.
આ હતી મોડેસ ઓરેન્ડી
આ ઘટનામાં આરોપીઓની મોડેસ ઓરેન્ડી પર નજર કરીએ તો, આરોપીઓ ભાડાની રિક્ષા કરી શહેરી વિસ્તારમાં જાહેર જગ્યાએથી મહિલા સિનિયર સિટીઝનોને પોતાની રીક્ષામાં પેસેન્જર તરીકે બેસાડી કૃત્રિમ ભીડ ઉભી કરી થેલાની આડમાં નજર ચૂકવી કટરથી સોનાના દોરા કાપી ચોરી કરતા હતા. આ ગેંગમાં મહિલા આરોપી મહત્વનો રોલ ભજવતી હતી. જેમાં રિક્ષામાં મહિલા બેઠેલી હોય અન્ય મહિલા આરામથી રિક્ષામાં બેસી જતી અને આરોપી મહિલા અન્ય પેસેન્જર મહિલાની નજર ચૂકવીને કટરથી સોનાની દોરી કે ચેન કાપીને પોતાનું સ્ટેશન પાછળ રહી ગયું છે તેમ જણાવી ભોગ બનનાર પેસેન્જરને અધ વચ્ચે ઉતારીને જતા રહેતા હતા. એટલું જ નહીં રીક્ષા નો નંબર પ્લેટ નેત્રમ સીસીટીવી કેમેરામાં ન આવે તે માટે રીક્ષાની નંબર પ્લેટ પર હાર કાતો કાદવ લગાવી દેતા.
છેલ્લા 2 માસમાં આટલી ચલાવી લુંટ
આ આરોપીઓએ છેલ્લા બે મહિનામાં આણંદ ગ્રીડ ચોકડી પાસે, અમદાવાદ મણીનગર રેલ્વે સ્ટેશન પાસેથી, તારાપુર નાની ચોકડી પાસેથી, બારેજા બજાર પાસેથી, ધોળકા શાક માર્કેટ પાસેથી, રઘવાનજ ટોલનાકા પાસેથી, વલાસણ નહેર આગળના ગામ પાસેથી, વિદ્યાનગર ઓવર બ્રિજ પાસેથી, આણંદ બોરસદ ચોકડી પાસેથી, વિદ્યાનગર રોડ અનુસુમ્ભુ કોમ્પલેક્ષ પાસેથી ઉંમરલાયક મહિલાઓને રીક્ષામાં બેસાડી ગળામાં સોનાનો દોરો કે અછોડો તોડીને ચોરી કરી હોવાની કબુલાત કરી છે. જોકે ૩ જેટલીજ ઘટનાઓ માં પોલીસ ફરિયાદ નોંધાઈ છે. પોલીસે આરોપીઓ પાસેથી 9 મોબાઈલ ફોન, cng રિક્ષા, એક્ટિવા, કટર, અંગઝડતી માંથી મળી આવેલ રોકડ રૂપિયા 48,000 મળી કુલ 3,84,600રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
આ તમામ આરોપીઓ પૈકી ઝડપાયેલ આરોપી અજય આણંદ ટાઉન, અમદાવાદ શહેરના માધવપુરા, નરોડા, નારણપુરા, ઇસનપુર સહિતની જગ્યાએ ડઝન બંધ ગુનાઓમાં ઝડપાયેલો છે. તથા અન્ય આરોપીઓ પણ આણંદ તથા વિદ્યાનગર સહિત ધંધુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં સોનાના દોરા ચોરીના ગુનાઓમાં પણ ઝડપાયો છે.