અમદાવાદઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ ફરી એકવાર પ્રચંડ બહુમતી સાથે સરકાર બનાવતી જોવા મળી રહી છે. ભાજપ રાજ્યમાં ઐતિહાસિક જીત તરફ આગળ વધી રહ્યું છે ત્યારે કોંગ્રેસ તેના રાજકીય ઈતિહાસમાં સૌથી ખરાબ પ્રદર્શન તરફ ધકેલાઈ રહી છે. ગુજરાતમાં કોંગ્રેસને છ દાયકામાં ક્યારેય આટલી ઓછી બેઠકો નહીં મળી હોય એવી હારના એંધાણ જોવા મળી રહ્યા છે. રામમંદિર મુદ્દો અને ઈમરજન્સી દરમિયાન પણ કોંગ્રેસને ગુજરાતમાં ક્યારેય આટલી કારમી હારનો સામનો કરવો પડ્યો નહોતો.
ADVERTISEMENT
કોંગ્રેસના વોટ શેરમાં ધરખમ ઘટાડો..
ગુજરાતમાં વિધાનસભાની કુલ 182 બેઠકો છે. રાજ્યની 182 બેઠકોમાંથી ભાજપ 150થી વધુ બેઠકો પર અત્યારે આગળ છે. જ્યારે કોંગ્રેસ માત્ર 20 બેઠકો પર આગળ છે. (આ આંકડા બપોરે 12 વાગ્યા સુધીના છે.) બીજી બાજુ આમ આદમી પાર્ટી સાત બેઠકો પર આગળ છે, જ્યારે અન્યના ખાતામાં ત્રણ બેઠકો આવી રહી છે. જો આ બેઠકો કોંગ્રેસના ખાતામાં આવશે તો તે ગુજરાતના ઈતિહાસની સૌથી ખરાબ હાર હશે. એટલું જ નહીં કોંગ્રેસના વોટ શેરમાં પણ ઘણો ઘટાડો થયો છે.
તમને જણાવી દઈએ કે દેશની આઝાદી પછી ગુજરાત બોમ્બે પ્રદેશનો એક ભાગ હતું. 1 મે, 1960ના દિવસે મહારાષ્ટ્ર અને ગુજરાત બોમ્બેમાંથી બે નવા રાજ્યો બન્યા. ત્યારપછી હવે અત્યારે 2022 ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસ ગુજરાતના રાજકીય ઈતિહાસની સૌથી ખરાબ હારનો સામનો કરવા ઉભી રહી ગઈ હોય એમ લાગી રહ્યું છે.
જાણો કોંગ્રેસના સૌથી ખરાબ પ્રદર્શન વિશે..
કોંગ્રેસનું સૌથી ખરાબ પ્રદર્શન ગુજરાતમાં 1990ની વિધાનસભા ચૂંટણી દરમિયાન જોવા મળ્યું હતું. ત્યારે પાર્ટી માત્ર 33 સીટો જીતવામાં સફળ રહી હતી. આ પછી કોંગ્રેસની બેઠકો અમુક અંશે વધી હતી. કોંગ્રેસને 2002માં 50 બેઠકો મળી હતી, જ્યારે 2007માં તેને 59 બેઠકો મળી હતી. 2017માં પાર્ટીએ 77 બેઠકો જીતી અને ભાજપને સખત ટક્કર આપી હતી. 2017માં કોંગ્રેસનું બે દાયકામાં સર્વશ્રેષ્ઠ પ્રદર્શન નોંધાયું હતું.
1962થી 1976 સુધી, કોંગ્રેસે ગુજરાત પર એકલા હાથે શાસન કર્યું, પરંતુ કટોકટી દરમિયાન તેને પ્રથમ આંચકો લાગ્યો અને કોંગ્રેસની બેઠકો ઘટીને 75 થઈ ગઈ હતી. અગાઉ કોંગ્રેસ 100થી વધુ સીટો જીતતી આવતી હતી. ત્યારપછી, કોંગ્રેસ 1980માં પ્રચંડ બહુમતી સાથે ફરીથી વાપસી કરી અને 51 ટકા મતો સાથે 141 બેઠકો જીતવામાં સફળ રહી હતી. ત્યારપછી 1985ની વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસે શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું હતું. કોંગ્રેસ 55.55 ટકા મતો સાથે 149 બેઠકો જીતવામાં સફળ રહી હતી.
કોંગ્રેસ ગુજરાતમાં સતત નબળી પડતી રહી..
આ ચૂંટણી પછી કોંગ્રેસ ગુજરાતમાં સતત નબળી પડી રહી છે અને છ દાયકામાં અત્યાર સુધીનું સૌથી ખરાબ પ્રદર્શન 1990ની ચૂંટણીમાં કોંગ્રેસનું રહ્યું હતું. કોંગ્રેસ 30.75 ટકા મતો સાથે માત્ર 33 બેઠકો જીતી શકી હતી, પરંતુ હવે કોંગ્રેસ વધુ ખરાબ હાર તરફ આગળ વધી રહી હોય તેવું લાગી રહ્યું છે. કોંગ્રેસની માત્ર બેઠકો જ નહીં પરંતુ વોટ શેર પણ ઘણો ઘટી જવાના એંધાણ જણાઈ રહ્યા છે.
ADVERTISEMENT