ગાંધીનગરઃ ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીની જાહેરાત થઈ ચૂકી છે. 1 અને 5 ડિસેમ્બરે બે તબક્કામાં મતદાનનું આયોજન થવા જઈ રહ્યું છે. ત્યારે ભાજપ પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે કેન્દ્રીય ગૃહ અને સહકારમંત્રી અમિત શાહની અધ્યક્ષતામાં પ્રેદશ ચૂંટણી પસંદગી કમિટિની બેઠક શરૂ થઈ ચૂકી છે. આ દરમિયાન રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ હાજર રહ્યા છે. નોંધનીય છે કે ચૂંટણી જાહેર થયા પછી હવે ભાજપ દ્વારા ઉમેદવારોની પસંદગીનો ધમધમાટ પણ શરૂ થઈ ગયો છે. તેવામાં ચૂંટણીલક્ષી વિવિધ તૈયારીઓ અને પસંદગીને લઈને અહીં મંથન થઈ શકે છે.
ADVERTISEMENT
પ્રાપ્ત થતી માહિતી પ્રમાણે આ બેઠકમાં પ્રદેશ સહ પ્રભારી સુધીર ગુપ્તા, પ્રદેશ સંગઠન મહામંત્રી રત્નાકર, કેન્દ્રીય મંત્રી પરશોત્તમ રૂપાલા, મનસુખભાઈ માંડવિયા સહિત પ્રદેશ ચૂંટણી સમિતિના સભ્યો ઉપસ્થિત રહ્યાં છે. રિપોર્ટ્સના આધારે આ બેઠકમાં 33 જિલ્લા દીઠ ભાજપમાં ઉમેદવારી પસંદગી અંગે ચર્ચા થઈ શકે છે.
બેઠકોનો ધમધમાટ, અમિત શાહ ગુજરાત મુલાકાતે
ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી પહેલા અમિત શાહે પણ મોટી જવાબદારી સંભાળી લીધી છે. તેઓ અત્યારે ગુજરાત પ્રવાસે આવ્યા છે. આ દરમિયાન બેઠકોમાં ઉમેદવારોની પસંદગી પ્રક્રિયામાં પણ તેઓ મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવશે એવા અહેવાલો મળ્યા છે. ઉલ્લેખનીય છે કે ગુજરાતના ગઢ જીતવા માટે નરેન્દ્ર મોદી અને અમિત શાહની જોડી ફરીથી મેદાનમાં ઉતરી ગઈ છે અને ભાજપને ચોક્કસ વિજયનીતિ સાથે મેદાનમાં ઉતરાવા સજ્જ છે.
ગુજરાત સરકારનો માસ્ટર સ્ટ્રોક
ગુજરાતમાં ચૂંટણી જાહેર થાય તેની બરોબર પહેલા એટલે કે ગણતરીની મિનિટો પહેલા જ ગુજરાત સરકાર દ્વારા જૂનિયર ક્લાર્ક અને તલાટી કમ મંત્રીની ભરતીની જાહેરાત કરી દેવામાં આવી હતી. જૂનિયર ક્લાર્ક ભરતી પરીક્ષા 8 જાન્યુઆરીએ થશે. જ્યારે તલાટી કમ મંત્રીની પરીક્ષા 29 જાન્યુઆરીએ આયોજીત થશે. અત્રે ઉલ્લેખનીય છે કે ,ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ પાસે લાંબા સમયથી વિદ્યાર્થીઓ દ્વારા પરીક્ષાની માંગણી કરવામાં આવી હતી.
ADVERTISEMENT