દર્શન ઠક્કર, જામનગર: શહેરના રણજીતસાગર રોડ પરના અને સોનલનગર વિસ્તારમાં આવેલ ગૌવંશ માટેના ઢોર ડબ્બામાં પકડાયેલા ગૌવંશોની હાલત કફોડી બની છે. રણજિતસાગર રોડ પર આવેલ ઢોર ડબ્બામાં ચિક્કાર ભરેલા ઢોરના દરરોજ સરેરાશ 5 થી 6 ગૌવંશોનું મૃત્યુ થાય છે. જેને લઈને તંત્ર દ્વારા હવે ગૌવંશને અન્ય જગ્યાએ ખસેડવા માટેની પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે. તો બીજી બાજુ વિપક્ષે તંત્ર અને શાસકોને જવાબદાર ગણાવી કામગીરી પર આક્ષેપો કર્યા છે.
ADVERTISEMENT
જામનગર શહેરમાં એક બાજુ ઢોરના ત્રાસે માઝા મૂકી રહ્યો છે. ત્યારે તેને પકડવા માટે મહાનગરપાલિકા પણ પોતાનાથી બનતી મહેનત કરી રહી છે. બે દિવસમાં 50 થી વધુ ઢોર પકડ્યા બાદ મહાનગરપાલિકા ગૌવંશને રણજીતસાગર ખાતે અને સોનલનગર ખાતેના ઢોર ડબ્બામાં મોકલી આપે છે. મોટાભાગે સોનલનગર ખાતે ગાયો માટેનો ઢોર ડબ્બો ખાલી રહે છે. કારણ કે, ઢોર માલિકો ગાયો છોડાવી જાય છે. પરંતુ ગૌવંશને છોડાવવા કોઈ આવતું નથી જેના કારણે ડબ્બામાં ભારે ગૌવંશોનો ભરાવો થઈ જાય છે.
અધિકારીઓએ કર્યો લૂલો બચાવ
રણજીતસાગર ખાતે આવેલા ઢોર ડબ્બામાં ચિક્કાર 900 જેટલા ઢોર ભરેલા હોવાથી પગ મૂકવાની પણ જગ્યા નથી રહેતી. જ્યારે સોનલનગર ખાતે આવેલ ઢોર ડબ્બામાં 300 જેટલી ગાયો રાખવામાં આવી છે. તેમજ 5થી 7 ગૌવંશના મૃતદેહો રણજિત સાગર ખાતેના ઢોર ડબ્બા માં આજુબાજુ પડેલા હોવાના દ્રશ્યો સામે આવ્યા હતા. બીજુ ગૌવંશની લડાયક વૃત્તિના કારણે પણ તેઓ ઈજાગ્રસ્ત બનતા હોવાનું અને પ્લાસ્ટિક આરોગી જવાથી ગૌ વંશના મૃતયુ થતા હોવાનું અધિકારી જણાવે છે. દિવસમાં એક વખત ડોક્ટર પણ ઢોર ડબ્બાની મુલાકાતે આવે છે. હવે રહી રહીને તંત્ર દ્વારા ગૌવંશને અન્યત્ર મોકલવાની વ્યવસ્થા કરવામાં આવી રહી છે.
આ પણ વાંચો: અરવલ્લીમાં ગામના જમાઈના બેસણામાં જતા સમયે આઈસર પલટી, 50થી વધુ મુસાફરો ઈજાગ્રસ્ત
વિપક્ષ આકાર પાણીએ
જામનગર મહાનગરપાલિકા દ્વારા ઢોર પકડવાની કામગીરી કરવામાં આવે છે તેમાં ગૌવંશ તેમજ ગાયોને પકડવામાં આવે છે. ગાયોને તો તેમના માલિકો ફટાફટ છોડાવી જાય છે તેમજ દંડ પણ ભરી દે છે. પરંતુ ગૌવંશને કોઈ છોડાવવા આવતું નથી અને જેના કારણે તેની સંખ્યા ઢોર ડબ્બામાં વધી જાય છે. ગૌવંશને તેના માલિકો પણ ખૂલ્લા મૂકી દે છે. જે મહાપાલિકા માટે મોટો પ્રશ્ન છે અને અમૂક સંસ્થાઓ સિવાય ગૌવંશને કોઈ સ્વીકારવા પણ તૈયાર થતું નથી. રણજીતસાગર ખાતેના ઢોર ડબ્બામાં રાખવામાં આવેલા ગૌવંશોને દરરોજ સંખ્યા પ્રમાણે 12થી 13 કિલો ચારો આપવામાં આવે છે. તેમજ હાલ સંખ્યા વધી જતા તેમને અમદાવાદ ખસેડવાની કામગીરી ચાલી રહી છે. 40 જેટલા ગૌવંશોને તો મોકલી પણ દેવામાં આવ્યા છે. બાકી શિયાળામાં નાના ગૌવંશનું મૃત્યુનું પ્રમાણ વધી જાય છે. જો કે ઢોર ડબ્બા માં પશુઓની સાર સંભાળ માટે જરૂરી સ્ટાફ અને પૂરતો ઘાસચારો ન મળતો હોવાનો વિપક્ષે આક્ષેપ કરી, તંત્ર અને શાસકો આગામી સમયમાં પોતાની જવાબદારી યોગ્ય નહિ કરે તો ઉગ્ર આંદોલન ની ચીમકી મનપાના વિપક્ષનેતા ધવલ નંદાએ ઉચ્ચારી છે.
તંત્રની વધી ચિંતા
આમ, જામનગરમાં એક તરફ રખડતા પશુઓનો ત્રાસ અને બીજી બાજુ પકડાયેલા પશુઓને ઢોર ડબ્બામાં પૂરતી વ્યવસ્થા ના અભાવને લઈને હવે ગૌવંશના દરરોજ થતા મૃત્યુ ને લઈને ગૌ પ્રેમીઓમાં આક્રોશ જન્મ્યો છે. તો વિપક્ષે પણ તંત્ર અને સરકાર સામે બાયો ચડાવી છે. ત્યારે આગામી સમયમાં તંત્ર અને શાસકો કઈ દિશામાં યોગ્ય કામગીરી કરે છે તે જોવું રહ્યું.
તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…
ADVERTISEMENT