અમદાવાદ: ગુજરાતમાં આજે વિધાનસભાની ચૂંટણીની મતગણતરી યોજાવાની છે. અમદાવાદ જિલ્લાની સાણંદ, વિરમગામ, ધોળકા, ધંધુકા તથા દસ્ક્રોઈ વિધાનસભા બેઠક માટેની મતગણતરી અમદાવાદ પોલિટેકનિક ખાતે સવારે 8 વાગ્યાથી શરૂ થશે. આ પહેલા આ મતવિસ્તારના ઉમેદવારો ત્યાં પહોંચી ગયા છે. ત્યારે વિરમગામથી ચૂંટણી લડી રહેલા હાર્દિક પટેલ પણ સવારે મતગણતરી સેન્ટર બહાર પહોંચી ગયા હતા.
ADVERTISEMENT
મતગણતરી પહેલા અમદાવાદ પોલિટેકનિક પહોંચ્યા હાર્દિક પટેલ
Gujarat Tak સાથે વાતચીતમાં હાર્દિક પટેલે જણાવ્યું હતું કે, સમગ્ર ગુજરાતમાં અમારી સરકાર બની રહી છે. જીતનો દાવો તો નિશ્ચિત છે અને તમામ એક્ઝિટ પોલમાં પણ ભાજપને જીતનો વિશ્વાસ આપી દીધો છે. એટલે નિશ્ચિત રૂપે સરકાર બનશે. વિરમગામ સીટ પર ટફ ફાઈટ વિશે હાર્દિક કહ્યું કે, જ્યારે પરિણામ આવશે ત્યારે વધારે ખબર પડશે. ગુજરાતમાં ત્રિકોણીય મુકાબલામાં નિશ્ચિત રૂપથી ભાજપને જ ફાયદો થવાનો છે. ગુજરાતે ભાજપ પર વિશ્વાસ કર્યો છે અને તેના આધારે જ વોટ પડ્યા છે.
જીતે તો ભાજપમાંત્રી મંત્રી પદ મળશે?
જ્યારે હાર્દિક પટેલ વિરમગામ બેઠક પરથી જીતી જાય તો શું ભાજપમાંથી તેમને મંત્રી પદ મળશે કે કેમ? તે સવાલના જવાબમાં હાર્દિકે કહ્યું કે, પહેલા પરિણામ તો આવવા દો. પહેલાથી જ સોપારી લઈને રાખી છે કે શું?
નોંધનીય છે કે, અલ્પેશ ઠાકોરે કોંગ્રેસ છોડી અને બાદમાં લીલીપેનથી સહી કરવાની વાત કરતા ભાજપમાં જોડાયા હતા અને રાધનપુરથી જ ચૂંટણી લડ્યા હતા. પરંતુ ધારાસભ્ય બનીને મંત્રી બની લીલીપેનથી સહી કરવાના અભરખા તે વખતે અધૂરા રહી ગયા અને તેઓ ચૂંટણી હારી ગયા હતા, ત્યારે હાર્દિક પટેલ પણ પહેલાથી આ વાત પર કોઈ પ્રતિક્રિયા આપવા ઈચ્છતા નથી.
1600થી વધુ ઉમેદવારોના ભાવી EVMમાં કેદ
ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીમાં બંને તબક્કાનું મતદાન પૂર્ણ થઈ ગયું છે. ત્યારે અહીં ત્રિપાંખીયો જંગ જોરદાર જામ્યો હતો. તેવામાં આજે 8 વાગ્યાથી મતગણતરીની સાથે આ જંગના પરિણામો પણ સ્પષ્ટ થતા જશે. ચૂંટણીના બંને તબક્કામાં કુલ મળીને 64.30 ટકા મતદાન થયું છે. આ દરમિયાન ગુજરાતની 182 બેઠકો પરની વાત કરીએ તો 1600થી વધુ ઉમેદવારોના ભાવી અત્યારે EVMમાં કેદ થઈ ગયા છે.
ADVERTISEMENT