યુપીના ગાઝિયાબાદમાં એક મહિલાના પતિનું હાર્ટ એટેકથી મોત થયું હતું. પતિના મૃત્યુનો આઘાત પત્ની સહન ન કરી શકી. આ આઘાતથી પત્નીએ સાતમા માળેથી કૂદીને આત્મહત્યા કરી લીધી. આ બનાવથી વિસ્તારમાં સનસનાટી ફેલાઈ ગઈ છે. આ ઘટનાની જાણ થતાં પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસે પત્નીના મૃતદેહનો કબજો મેળવીને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો.
ADVERTISEMENT
બે અર્થી ઉઠતા જ પરિવારજનો હીબકે ચડ્યા
જણાવી દઈએ કે, આ આખો મામલો ગાઝિયાબાદના કૌશાંબી પોલીસ સ્ટેશન વિસ્તારનો છે, જ્યાં વૈશાલી ચોકી સેક્ટર 3માં આવેલા એલકોન એપાર્ટમેન્ટના સાતમા માળેથી એક નવપરિણીતાએ પતિના હાર્ટ એટેકથી મોત બાદ છલાંગ લગાવી દીધી. થોડા જ કલાકોમાં એક ઘરમાંથી બે અર્થી ઉઠતા જ પરિવારજનો હીબકે ચડ્યા હતા.
પતિને હાર્ટ એટેક, પત્ની સાતમા માળેથી કૂદી
જાણકારી અનુસાર, મહિલાના 3 મહિના અગાઉ (30 નવેમ્બર)એ લગ્ન થયા હતા. ગત સોમવારે તે તેના પતિ સાથે દિલ્હીના પ્રાણી સંગ્રહાલય ખાતે ફરવા ગઈ હતી. ત્યાં પતિને અચાનક છાંતીમાં દુખાવો ઉપડ્યો હતો. જેની જાણ પરિવારજનોને કરવામાં આવી હતી.
સારવાર દરમિયાન મોત
પરિવારના સભ્યો તાત્કાલિક પતિને હોસ્પિટલ લઈ ગયા હતા. જ્યાં તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો. મોડી સાંજે પતિનો મૃતદેહ ઘરે પહોંચ્યો હતો, જે બાદ તેની પત્નીને પણ ભારે આઘાત લાગતાં સાતમા માળની બાલ્કનીમાંથી છલાંગ લગાવી દીધી હતી. ઘાયલ પત્નીને નજીકની મેક્સ હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી, જ્યાંથી તેને ગંભીર હાલતમાં દિલ્હીની સફદરગંજ હોસ્પિટલમાં રિફર કરવામાં આવી હતી. ત્યાં સારવાર દરમિયાન પત્નીનું પણ મોત થયું હતું.
ADVERTISEMENT