કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય, ગૃહ મંત્રાલયનો ટેરર લિંકના આરોપમાં PFI સહિત 9 સંગઠનો પર પ્રતિબંધ

નવી દિલ્હી: કેન્દ્ર સરકારે પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઈન્ડિયા (PFI) પર પ્રતિબંધ લગાવી દીધો છે. PFIને પ્રતિબંધિત કરવાની માગણી ઘણા રાજ્યોમાં હતી. પરંતુ હાલમાં જ NIA…

gujarattak
follow google news

નવી દિલ્હી: કેન્દ્ર સરકારે પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઈન્ડિયા (PFI) પર પ્રતિબંધ લગાવી દીધો છે. PFIને પ્રતિબંધિત કરવાની માગણી ઘણા રાજ્યોમાં હતી. પરંતુ હાલમાં જ NIA અને તમામ રાજ્યોની પોલીસ અને એજન્સીઓએ PFIના સ્થાનો પર દરોડા પાડીને સેંકડો લોકોની ધરપકડ કરી હતી. ગૃહ મંત્રાલયે પણ PFIને 5 વર્ષ માટે પ્રતિબંધિત સંગઠન જાહેર કર્યું છે. PFI ઉપરાંત 9 સહયોગી સંગઠનો પર પણ કાર્યવાહી કરવામાં આવી છે.

આ સંગઠનો પર પણ પ્રતિબંધ
PFI ઉપરાંત રિહેબ ઈન્ડિયા ફાઉન્ડેશન (RIF), કેમ્પસ ફ્રન્ટ ઓફ ઈન્ડિયા (CFI), ઓલ ઈન્ડિયા ઈમામ કાઉન્સિલ (AIIC), નેશનલ કોન્ફેડરેશન ઓફ હ્યુમન રાઇટ્સ ઓર્ગેનાઈઝેશન (NCHRO), નેશનલ વુમન ફ્રન્ટ, જૂનિયર ફ્રન્ટ, એમ્પાવર ઈન્ડિયા ફાઉન્ડેશન અને રિહેબ ફાઉન્ડેશન, કેરળ જેવા સહયોગી સંગઠનો પર પણ પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે.

ગુજરાતમાંથી મળ્યું PFIનું કનેક્શન
SDPIના સક્રિય સદસ્ય અબ્દુલ કાદિર સૈયદ PFI સાથે જોડાયેલો હોવાનો ઘટસ્ફોટ થયો છે. નવસારી પોલીસ તેની વિરુદ્ધ સોશિયલ મીડિયામાં પોસ્ટ કરવા પર કેસ દાખલ કરી ચૂકી છે. PFIની કેરળમાં થયેલી પરેડમાં તે સામેલ હોવાની જાણકારી ગુજરાત ATSને મળી હતી. હાલમાં તેની પૂછપરછ કરવામાં આવી રહી છે.

તપાસ એજન્સીઓની ભલામણ પર ગૃહ મંત્રાલયની કાર્યવાહી
22 સપ્ટેમ્બર અને 27 સપ્ટેમ્બરે NIA, ED અને રાજ્યોની પોલીસે PFI પર દરોડા પાડ્યા હતા. પહેલા રાઉન્ડના દરોડામાં 106 PFI સાથે જોડાયેલા લોકોની ધરપકડ થઈ હતી. બીજા રાઉન્ડના દરોડામાં 247 PFI સાથે જોડાયેલા લોકોને કસ્ટડીમાં લેવામાં આવ્યા હતા. તપાસ એજન્સીઓને PFI વિરુદ્ધ પૂરાવા મળ્યા હતા. આ બાદ તપાસ એજન્સીઓએ ગૃહ મંત્રાલયને કાર્યવાહીની માગણી કરી હતી. તપાસ એજન્સીઓની ભલામણ પર ગૃહ મંત્રાલયે PFI પર પ્રતિબંધ લગાવવાનો નિર્ણય લીધો છે.

15 રાજ્યોમાં એક્ટિવ છે PFI
PFI હાલમાં દિલ્હી, આંઘ્ર પ્રદેશ, અસમ, બિહાર, કેરળ, ઝારખંડ, પશ્ચિમ બંગાળ, ઉત્તર પ્રદેશ, કર્ણાટક, રાજસ્થાન, હરિયાણા, તમિલનાડુ, તેલંગાણા, મધ્ય પ્રદેશમાં એક્ટિવ છે.

    follow whatsapp