અમદાવાદ: ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી નજીક છે ત્યારે દિલ્હીથી મોટા નેતાઓના પ્રવાસ વધ્યા છે. આવતીકાલે કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ (Amit Shah) ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. તેમની ગુજરાત મુલાકાત દરમિયાન તેઓ અમદાવા તથા ગાંધીનગરમાં વિવિધ વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત તથા લોકાર્પણ કરશે. ઉપરાંત નવરાત્રીમાં પણ તેઓ પોતાના વતન માણસા ખાતે માતાજીની આરતીમાં સામેલ થશે.
ADVERTISEMENT
શું હશે અમિત શાહનો કાર્યક્રમ?
કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ આવતીકાલે 25 સપ્ટેમ્બરે ગુજરાત આવી રહ્યા છે. 26મી સપ્ટેમ્બરે તેઓ પોતાના મતવિસ્તાર એવા વિરોચન નગર ખાતે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનું લોકાર્પણ કરશે. આ બાદ બપોરે તેઓ બાવળા APMCના સંમેલનમાં હાજરી આપશે. ત્યારે બાદ ખારીકટ ફતેવાડી કેનાલના પિયત વિસ્તારને સરદાર સરોવર યોજનામાં સમાવવાના આભાર કાર્યક્રમમાં હાજરી આપશે.
માણસામાં માતાજીની આરતીમાં સામેલ થશે
27મી સપ્ટેમ્બરના રોજ અમિત શાહ ગાંધીનગરના કલોલમાં રાજ્ય કામદાર વીમા યોજનાની 150 બેડની હોસ્પિટલનું ખાતમુહૂર્ત કરશે. આ સાથે જ તેઓ પોતાના વતન માણસાની પણ મુલાકાત લેશે. નોંધનીય છે કે દરવર્ષે કેન્દ્રિય ગૃહમંત્રી પોતાના પરિવાર સાથે માણસા જતા હોય છે ત્યારે આ વર્ષે પણ તેઓ માણસામાં નવરાત્રિ માતાજીની આરતીમાં સામેલ થશે.
PM મોદી પણ 29 અને 30 સપ્ટેમ્બરે ગુજરાત મુલાકાતે
બીજી તરફ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ સપ્ટેમ્બરના અંતમાં 29 અને 30 તારીખે ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. તેઓ સુરત, ભાવનગર, અમદાવાદ તથા અંબાજી ખાતે વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપશે. આ ઉપરાંત અમદાવાદમાં થલતેજથી વસ્ત્રાલ ગામ સુધીના મેટ્રો રૂટનો લીલીઝંડી આપીને તેઓ પ્રારંભ કરાવશે.
ADVERTISEMENT