અમદાવાદ: મોરબીમાં ઝુલતો બ્રિજ તૂટી પડવાની ઘટના બાદ ગુજરાત હાઈકોર્ટે સુઓમોટો દાખલ કરીને સરકાર પાસે રિપોર્ટ માગ્યો હતો. આજે આ કેસની સુનાવણી દરમિયાન હાઈકોર્ટે રાજ્ય સરકારનો ઉધડો લીધો હતો અને મૃતકોના પરિજનો તથા ઈજાગ્રસ્તોને અપાયેલું વળતર ખૂબ ઓછું હોવાની ટકોર કરી હતી. સાથે જ હાઈકોર્ટે ગુજરાતમાં તમામ બ્રિજનો સર્વે કરવાનો અને તેમની સ્થિતિ વિશેનો રિપોર્ટ 10 દિવસમાં જમા કરાવવાનો આદેશ કર્યો છે.
ADVERTISEMENT
રાજ્યના તમામ બ્રિજનું ઈન્પ્સેક્શન કરવાનો આદેશ
ચીફ જસ્ટીસ અરવિંદ કુમારે કહ્યું કે, રાજ્યમાં જે પણ અધિકારીઓ આ પ્રકારના બ્રિજનું મોનિટરિંગ, મેનેજિંગ કે કન્ટ્રોલિંગ કરે છે તેઓ સુનિશ્ચિત કરે તે તેમના વિસ્તારના બ્રિજ યોગ્ય સ્થિતિમાં હોય. બ્રિજ કાર્યક્ષમ સ્થિતિમાં હોય તેની ખાતરી કરો અને કોઈપણ દુર્ઘટનાને અટકાવવા માટે જરૂરી પગલા લો. હાઈકોર્ટે આ સાથે જ સરકાર પાસેથી ગુજરાતમાં રહેલા બ્રિજનો આંકડો, તેમની સ્થિતિનું એન્જિનિયર પાસેથી ઈન્સ્પેક્શન કરાવી સર્ટિફિકેટ 10 દિવસની અંદર જમા કરવાનો આદેશ કર્યો છે.
મૃતકોના પરિજનોને આપેલું વળતર પણ ઓછું હોવાની ટકોર
આ સાથે જ હાઈકોર્ટે મોરબી દુર્ઘટનામાં મૃતકોના પરિજનો અને ઈજાગ્રસ્તોને અપાયેલા વળતર મુદ્દે પણ સરકારને ટકોર કરી હતી. હાઇકોર્ટે કહ્યું કે, ગંભીર રીતે ઈજાગ્રસ્તોને આપવામાં આવેલું વળતર ખૂબ જ ઓછું છે. વળતર અત્યારના સમયની જરૂરિયાત મુજબનું હોવું જોઈએ. આ માટે સરકારને વળતરની પોલિસીનું વિગતવાર એફિડેવિટ રજૂ કરવા કહ્યું છે. કોર્ટે કહ્યું કે, મોરબી દુર્ઘટનામાં અનાથ બાળકોને મહિને 3 હજારનું વળતર કંઈ નથી. માત્ર સ્કૂલના યુનિફોર્મ અને પુસ્તકોનો ખર્ચ 3 હજારથી વધુ થાય છે. અમે આ ચૂકવેલા વળતરથી સંમત નથી, તે ડબલ અથવા 10 લાખ સુધી હોવું જોઈએ.
મૃતકોની યાદીમાં જાતિના ઉલ્લેખથી પણ હાઈકોર્ટ નારાજ
નોંધનીય છે કે, મોરબી દુર્ઘટનામાં 7 બાળકોએ માતા-પિતા બંને ગુમાવી દીધા હતા, જ્યારે 12 બાળકોએ માતા અથવા પિતા ગુમાવી દીધા છે. ઉપરાંત કોર્ટે મૃતકોની યાદીમાં તેમની જાતિ દર્શાવવાનો પણ વિરોધ કર્યો હતો. હાઇકોર્ટે મોરબી દુર્ઘટનામાં જીવ ગુમાવનારા તમામ 135 મૃતકોના આશ્રિતોની સંપૂર્ણ વિગતો સાથેની યાદી માગી છે.
(રિપોર્ટ: અનિષા માથુર)
ADVERTISEMENT