અમદાવાદ: રાજ્યભરમાં લાયસન્સ વગર ચાલતી ચિકન અને મટનની દુકાનો મામલે હાઈકાર્ટેમાં જાહેર હિતની અરજી કરવામાં આવી હતી. જેની સુનાવણી દરમિયાન હાઈકોર્ટે રાજ્ય સરકારની ઝાટકણી કાઢી છે અને આવી દુકાનો કેમ બંધ નથી કરાવાતી તેવો સવાલ પૂછ્યો હતો.
ADVERTISEMENT
હાઈકોર્ટે સરકારની કાઢી ઝાટકણી
રાજ્યભરમાં લાઈસન્સ વગર ગેરકાયદેસર ધમધમતી ચિકન-મટનની દુકાનો તથા કતલખાના અંગે કરવામાં આવેલી અરજી પર ચીફ જસ્ટિસ અરવિંદ કુમારની ખંડપીઠે સુનાવણી કરી હતી. દરમિયાન કોર્ટે સરકારને ટકોર કરી હતી કે, આ એક ગંભીર મુદ્દો છે. તમારા અધિકારીઓ પાસેથી આવી રીતે કામ લો છો? ન કરી શકો તો ચીફ સેક્રેટરીને હાજર કરો. આ સાથે જ કોર્ટે દરેક જિલ્લાની લીગલ સર્વિસ ઓથોરિટીને તેમના જિલ્લા અને તાલુકામાં ધમધમતા ગેરકાયદેસર કતલખાનાની વિગતો રજૂ કરવા માટે આદેશ કર્યો છે.
રાજ્યમાં 2600 દુકાનો પાસે લાઈસન્સ નથી
એક ખાનગી સર્વે મુજબ, રાજ્યમાં 4200થી વધુ દુકાનો અને કતલખાના સરકારી ચોપડે તો નોંધાયા છે. જ્યારે 2600 જેટલી દુકાનો પાસે લાઈસન્સ જ નથી. અને 3600 દુકાનો સ્ટેમ્પ વગરનું મટન અને ચિકન વેચે છે. બીજી તરફ ખુલ્લામાં વેચાતા ચીકન-મટન સામે પણ ખંડપીઠે સરકાર સામે નારાજગી વ્યક્ત કરી છે અને આ અંગે સ્ટેટ કમિટીની કાર્યવાહી અંગે રિપોર્ટ માગ્યો છે.
ADVERTISEMENT