અમદાવાદ: ઠંડી જતા જ રાજ્યભરમાં ધીમે ધીમે તાપમાનનો પારો વધી રહ્યો છે. અમદાવાદમાં રવિવારે પણ દરમિયાન તાપમાનનો પારો 38.2 ડિગ્રીએ પહોંચી જતા અંગ દજાડતી ગરમીનો અનુભવ થઈ રહ્યો છે. છેલ્લા 50 વર્ષમાં પહેલીવાર અમદાવાદમાં ફેબ્રુઆરી મહિનામાં આટલી ગરમી નોંધાઈ છે. ત્યારે હવામાન વિભાગે આજથી બે દિવસ રાજ્યમાં હિટવેવની આગાહી કરી છે. આ દરમિયાન સૌરાષ્ટ્ર અને કચ્છમાં તાપમાનનો પારો 40 ડિગ્રીને પણ પાર જવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.
ADVERTISEMENT
આ જિલ્લાઓમાં તાપમાનનો પારો 40 ડિગ્રી વટાવી શકે
રાજ્યભરમાં હાલ બેવડી ઋતુનો અનુભવ થઈ રહ્યો છે. રાત્રે અને વહેલી સવારે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે અને બપોર દરમિયાન કાળઝાળ ગરમીનો. એવામાં હવામાન વિભાગે આજથી 2 દિવસ માટે સૌરાષ્ટ્ર અને કચ્છમાં હિટવેવની આગાહી કરી છે. હવામાન વિભાગ મુજબ, કચ્છ, રાજકોટ અને સુરેન્દ્રનગરમાં તાપમાન 40 ડિગ્રીને પણ વટાવી શકે છે. જ્યારે મધ્ય ગુજરાતમાં તાપમાનનો પારો 39 ડિગ્રી આસપાસ રહેશે અને બપોર દરમિયાન ગરમ પવન ફૂંકાશે.
9 શહેરોમાં તાપમાન 38 ડિગ્રીથી વધુ
બીજી તરફ રવિવારે અમદાવાદ સહિત 9 શહેરોમાં તાપમાનનો પારો 38 ડિગ્રીને પાર કરી જતા ઘરો અને ઓફિસોમાં ફરી પંખા-AC ચાલું થઈ ગયા છે. રવિવારે અમદાવાદનું તાપમાન સામાન્ય કરતા 7.4 ડિગ્રી વધીને 38.2 ડિગ્રી નોંધાયું હતું. જે 50 વર્ષમાં ફેબ્રુઆરી મહિનામાં નોંધાયેલું સૌથી વધુ તાપમાન છે. બીજી તરફ રાજકોટમાં 39.8, અમરેલીમાં 39.4, સુરેન્દ્રનગરમાં 39, કેશોદમાં 39, સુરતમાં 38.4, કંડલા એરપોર્ટે 38.4 તથા વલસાડમાં 39 ડિગ્રી તાપમાન નોંધાયું હતું.
તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…
ADVERTISEMENT