શેરબજાર (Stock Market)માં રોકાણ કરનારા રોકાણકારો માટે બુધવારનો દિવસ ઘણો ખરાબ સાબિત થયો. એક તરફ સેન્સેક્સ 1600 પોઈન્ટ્સથી વધુ તૂટ્યો, જ્યારે બીજી તરફ નિફ્ટીમાં પણ 450 પોઈન્ટથી વધુનો ઘટાડો નોંધાયો. માર્કેટમાં આવેલા આ ભૂકંપની વચ્ચે રોકાણકારોના 4 લાખ કરોડથી વધુ સાફ થઈ ગયા છે. સૌથી વધારે નુકસાન દેશની સૌથી મોટી ખાનગી ક્ષેત્રની બેંક HDFC બેંકને થયું છે, કારણ કે બેંકે ત્રણ મહિનામાં જેટલી કમાણી કરી, તેના કરતા પાંચ ગણાથી વધુ એક જ ઝાટકે સાફ થઈ ગયા. ચાલો જાણીએ કેવી રીતે?
1600 પોઈન્ટથી વધુ તૂટ્યો સેન્સેક્સ
સૌથી પહેલા વાત કરીએ શેરબજારમાં આવેલા ભૂકંપ (Share Market Crash)ની તો તમને જણાવી દઈએ કે બોમ્બે સ્ટોક એક્સચેન્જનો 30 શેરવાળો સેન્સેક્સ (Sensex) સવારે 9.15 કલાકે ઘટાડા સાથે 71,988ના સ્તરે ખુલ્યો હતો અને બજાર બંધ થયું ત્યારે સેન્સેક્સ 1628.02 પોઈન્ટ અથવા 2.23 ટકા ઘટીને 71,500.76ના સ્તરે બંધ રહ્યો હતો. બીજી તરફ નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 460.35 પોઈન્ટના ઘટાડા સાથે 21,571.95ના સ્તરે બંધ થયો. શેરબજારમાં આવેલા ભૂચાલથી રોકાણકારોની 4 લાખ કરોડ રૂપિયાથી વધુની સંપત્તિ સાફ થઈ ગઈ.
HDFC બેંકના રોકાણકારોને નુકસાન
આજે સૌથી વધુ નુકસાન HDFC બેંકના રોકાણકારોને થયું છે. હકીકતમાં, કંપનીના શેરમાં 8 ટકાથી વધુનો ઘટાડો થયો છે. ટ્રેડિંગના છેલ્લા કલાકમાં HDFC બેંકના શેરમાં તીવ્ર ઘટાડો નોંધાયો અને તે BSE પર 8.57 ટકાના ભારે ઘટાડા સાથે રૂ. 1535ના સ્તરે આવી ગયો હતો. તમને જણાવી દઈએ કે, HDFCના શેર દિવસભર લાલ નિશાન પર ટ્રેડ થયા હતા. તે સવારે 9.15 વાગ્યે રૂ. 1570ના સ્તરે ખૂલ્યો હતો અને રૂ. 1528ના નીચલા સ્તરને સ્પર્શ્યો હતો. બેંકના શેરમાં આ ઘટાડાને કારણે તેના રોકાણકારોને રૂ.100,000 કરોડનું નુકસાન થયું છે.
એક ઝાટકે રૂ. 100,000 કરોડ ઘટી માર્કેટ કેપ
HDFC બેંકના શેરમાં આ ઘટાડો આશ્ચર્યજનક પણ છે કારણ કે મંગળવારે જ કંપનીએ પોતાના ડિસેમ્બર ક્વાર્ટરના પરિણામો જાહેર કર્યા હતા, જે ખૂબ જ શાનદાર હતા. HDFC Bank Q3 Results પર નજર કરીએ તો ડિસેમ્બર ક્વાર્ટરમાં બેંકના નેટ પ્રોફિટમાં 34 ટકાનો વધારો થયો હતો. આ હિસાબે HDFC બેંકે ત્રણ મહિનામાં 16,372 કરોડ રૂપિયાનો નફો કર્યો છે. જ્યારે એક જ દિવસના ટ્રેડિંગમાં કંપનીની માર્કેટ કેપ રૂ. 100,000 કરોડ ઘટી છે.