અમદાવાદ: ગુજરાતમાં નવનિર્માણ આંદોલનની યાદ તાજી કરાવનાર પાટીદાર આંદોલને પાટીદાર મુખ્યમંત્રી આનંદીબેન પટેલની ખુરશીના પાયા હચમચાવી દીધા હતા. આ આંદોલનનો મુખ્ય ચહેરો એટલે હાર્દિક પટેલ. સપ્ટેમ્બર 2015માં ગુજરાતમાં વર્ષો બાદ એક આંદોલન થયું હતું. પાટીદાર અનામત આંદોલનના નામથી શરુ થયેલ આ આંદોલન અચાનક એટલું આક્રમક બની ગયું કે ગુજરાતમાં અનેક જગ્યાએ હિંસાના દ્રશ્યો સર્જાયા હતા. અનેક લોકો વિરુદ્ધ પોલીસ કેસ નોંધાયા હતા. ગુજરાતમાં કર્ફયુ લદાવવામાં આવ્યું હતું. ઈન્ટરનેટ સેવા પણ બંધ કરી દેવામાં આવી હતી. પોલીસને આંદોલન પર કાબુ મેળવવા માટે શસ્ત્ર પ્રયોગ કરવાની ફરજ પડી હતી. જેમાં ગુજરાતના 14 યુવાનોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. આ આંદોલને ગુજરાતના રાજકારણનું સમીકરણ બદલી નાખ્યું. પરંતુ આ આંદોલનને વેગ આપનાર હાર્દિક પટેલ આજે હાંસિયામાં ધકેલાયો છે.
ADVERTISEMENT
હું રાજકારણમાં નહિ જોડાવ: હાર્દિક
આ આંદોલનનો મુખ્ય ચેહરો હાર્દિક પટેલે રાજકારણમાં જોડાવા અંગે નિવેદન આપ્યું કે હું રાજકારણમાં ક્યારે પણ નહિ જોડાવ. અમદાવાદનું GIDC ગ્રાઉન્ડ હાઉસફુલ કરનાર હાર્દિક પટેલ અચાનક યુવા ચેહરો બની ગયો અને ગુજરાતમાં આનંદીબેન પટેલની સરકારનો ભોગ પાટીદાર અનામત આંદોલને લીધો. વર્ષ 2017માં ગુજરાતમાં 14મી વિધાનસભાની ચૂંટણી જોરશોરથી તૈયારી શરુ થઇ ચુકી હતી અને તે સમયે ભાજપ પોતાની કોઈ પણ પત્રિકા કે બેનરમાં હાર્દિક સ્વાગત લખવા પણ તૈયાર ન હતા. આ હદ સુધી હાર્દિક પટેલનો વિરોધ કરવા લાગ્યા હતા. પાટીદાર સમાજના આંદોલન બાદ ઠાકોર સમાજ અને દલિત સમાજ પણ આંદોલનના માર્ગે ચાલ્યા હતા. આ આંદોલનની અસર સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં જોવા મળી હતી. ડિસેમ્બર 2015માં યોજાયેલી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં કોંગ્રેસને લોકોનું સમર્થન મળ્યું અને ભાજપ આ પરિણામથી આશ્ચર્યચકિત રહી ગયું.
કોંગ્રેસમાં હાર્દિકને ઉચ્ચ સ્થાન મળ્યું
ગુજરાતમાં વર્ષ 2017માં વિધાનસભાની ચૂંટણી યોજવા જઈ રહી હતી અને ભાજપ માટે આ ચૂંટણી કપરા ચડાન બરાબર હતી. આ સમયે હાર્દિક પટેલે ભાજપને ચૂંટણીમાં હારનો સ્વાદ ચખાડવા પ્રયત્નો શરુ કર્યા. હાર્દિક પટેલના પ્રયત્નોની ભારે અસર જોવા મળી. ભાજપને 99 સીટ મળી જયારે કોંગ્રેસને 77 સીટ મળી. એક આંદોલનથી અચાનક પાટીદાર ચહેરો બનેલા હાર્દિક પટેલની રાજકીય સફરે પણ વેગ પકડ્યો. 2019ની લોકસભાની ચૂંટણી પહેલા રાહુલ ગાંધીની ઉપસ્થિતિમાં વિધિવત રીતે કોંગ્રેસનો હાથ પકડ્યો. કોંગ્રેસે હાર્દિક પટેલને સ્ટાર પ્રચારક પણ બનાવ્યો. વર્ષ 2020માં ગુજરાત કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ પદ્દ પર હાર્દિક પટેલની નિમણુંક કરવામાં આવી.
સાથીદારોએ મૂક્યો હાર્દિકનો સાથ
એક તરફ રાજકીય ક્ષેત્રે હાર્દિક હરણફાળ ભરી રહ્યો હતો તો બીજી તરફ સાથીદારો અલગ થતા ગયા. ગુજરાતના રાજકારણનું સમીકરણ બદલનાર અને પાટીદાર અનામત આંદોલનનો પાયો નાખનાર તથા આનંદીબેન પટેલની સરકાર ઉથલાવનાર હાર્દિક પટેલના સાથીદારો એક પછી એક હાર્દિકનો સાથ છોડતા ગયા. હાર્દિક પટેલને સાથ આપનાર રેશ્મા પટેલ, કેતન પટેલ, અમરીશ પટેલ, મહેશ સવાણી, અશ્વિન પટેલ, મુકેશ પટેલ, દિનેશ બાંભણિયા, વરુણ પટેલ, ચિરાગ પટેલ, અતુલ પટેલ સહિતના લોકોએ હાર્દિક પટેલનો સાથ મુક્યો. હાર્દિક પટેલને છતાં પણ લોકોનું સમર્થન મળતું રહ્યું હતું અને કોંગ્રેસ પક્ષનો સાથ મળતો રહ્યો.
હાર્દિક પટેલ સાથે ઓબીસી નેતા અલ્પેશ પટેલ અને જીગ્નેશ મેવાણીની ત્રિપુટીએ વર્ષ 2017ની વિધાન સભાની ચૂંટણીમાં ભાજપને ધોળે દિવસે તારા દેખાડી દીધા હતા. ચૂંટણી પછી અલ્પેશ ઠાકોરે પક્ષ પલટો કર્યો અને તે ભાજપમાં જોડાયો. હાર્દિક પટેલ પણ 2022ની ચૂંટણી પહેલા કોંગ્રેસથી નારાજ થયો અને ભાજપમાં જોડાયો. 25 ઓગસ્ટ 2015માં GIDC ગ્રાઉન્ડ હાઉસફૂલ કરનાર હાર્દિક પટેલ ભાજપમાં જોડાયા બાદ કોઈ પણ જાહેર કાર્યક્રમમાં હાર્દિક પટેલ દેખાયો નથી. હાર્દિક પટેલની તાકાત હવે ફક્ત સોશિયલ મીડિયા પૂરતી સીમિત થઇ ચુકી છે? તેમ લાગી રહ્યું છે. હાર્દિક પટેલ ભાજપમાં જોડાયા પછી એક પણ જાહેર કાર્યક્રમમાં આવ્યા નથી. એક સમયે કોંગ્રેસમાં આગલી હરોળમાં બેસનાર હાર્દિક પટેલને હવે બેસવા સોફો પણ ફાળવવામાં નથી આવતો.હાર્દિક પટેલ હવે સોશિયલ મીડિયા પર જ એક્ટિવ રહે છે. હાર્દિકને ભાજપ ટિકિટ આપશે કે તેમનું રાજકીય કરિયર સમાપ્ત થશે તે જોવાનું રહ્યું
ADVERTISEMENT