અમદાવાદ: ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીને લઈને ભાજપે ઉમેદવારો નક્કી કરવાની પ્રક્રિયા હાથ ધરી છે. જેમાં નિરીક્ષકો દ્વારા ત્રણ દિવસ વિવિધ જિલ્લાઓમાં ફરીને ઉમેદવારોને સાંભળવામાં આવી રહ્યા છે. ત્યારે આજે ભાજપના નિરીક્ષકો દ્વારા વિરમગામ અને સાણંદ બેઠક પર સેન્સ લેવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. જેમાં હાર્દિક પટેલના સમર્થકો દ્વારા તેમના નામે દાવેદારી નોંધાવવામાં આવી હોવાની વિગતો પ્રાપ્ત થઈ રહી છે.
ADVERTISEMENT
હાર્દિક પટેલના સમર્થકોએ ટિકિટ માટે દાવેદારી નોંધાવી
વિરમગામની વિધાનસભા બેઠક પરથી ટિકિટ માટે ભાજપમાંથી હાર્દિક પટેલે પણ દાવેદારી નોંધાવી છે. આજે હાર્દિક પટેલના સમર્થકો નિરીક્ષકોને મળ્યા હતા અને હાર્દિકના નામની દાવેદારી નોંધાવી હતી. જોકે વિરમગામની બેઠક પરથી તેજશ્રીબેન પટેલ સહિત ત્રણ પૂર્વ ધારાસભ્યો સહિત 10થી વધુ લોકો ભાજપમાંથી ટિકિટ માટે દાવેદારી નોંધાવી ચૂક્યા છે.
તાજેતરમાં જ હાર્દિક પટેલની અમિત શાહ સાથે મુલાકાત થઈ હતી
તાજેતરમાં જ હાર્દિક પટેલની કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ સાથે મુલાકાત થઈ હતી. ભાજપમાં જોડાયા બાદ હાર્દિક પટેલની અમિત શાહ સાથેની મુલાકાતની આ પહેલી તસવીર સામે આવી હતી. જે બાદ એવી અટકળો લગાવાઈ રહી હતી કે ભાજપ વિરમગામમાંથી હાર્દિક પટેલને ટિકિટ આપી શકે છે. બીજી તરફ હાર્દિક પટેલ પણ લાંબા સમયથી વિરમગામ વિધાનસભામાં સતત સામાજિક અને સેવાકિય કાર્ય કરી રહ્યો છે. ઉપરાંત ભાજપની ગૌરવ યાત્રામાં પણ તે જોડાયો હતો.
હાર્દિકની નિકટ મતાના ચિરાટ પટેલે પણ મેદાનમાં
હાર્દિક પટેલના નિકટ મનાતા તથા પાટીદાર અનામત આંદોલનનો ભાગ રહી ચૂકેલા ચિરાગ પટેલે પણ ચૂંટણીની ટિકિટ માટે દાવેદારી નોંધાવી છે. આ સાથે જ વિરમગામ બેઠક પરથી 3 પૂર્વ ધારાસભ્યો સહિત કુલ 10થી વધુ લોકોએ ચૂંટણીની ટિકિટ મેળવવા માટે નોંધાવી છે. એવામાં હવે જોવાનું રહેશે કે પાર્ટી આ તમામ નામોમાંથી કોના પર પસંદગીની મહોર મારે છે.
ADVERTISEMENT