અમદાવાદ: પાટીદાર અનામત આંદોલનના ચહેરા અને આંદોલનથી રાજનીતિમાં આવેલા હાર્દિક પટેલ આ વખતે ભાજપમાંથી વિરમગામ બેઠકથી ચૂંટણી લડી રહ્યા છે.ગઈકાલે હાર્દિકે શક્તિ પ્રદર્શન સાથે વિરમગામ બેઠકથી ફોર્મ ભર્યું. ઉમેદવારી સાથે હાર્દિક પટેલે પોતાના ભણતર, તેમની સામેના કેસો તથા સંપત્તિ સહિતની વિગતોને દર્શાવી હતી. ત્યારે આવો જાણીએ 2015માં પાટીદાર અનામત આંદોલનનો ચહેરો રહેલા હાર્દિક પટેલ કેટલી સંપત્તિના માલિક છે અને તેમના પર કેટલા ગુનાઓ છે?
ADVERTISEMENT
હાર્દિકની વર્ષ 2021-22માં 4.90 લાખની આવક
હાર્દિક પટેલના સોગંદનામા મુજબ તેમણે વર્ષ 2021-22નું રિટર્ન જ ભર્યું છે આ પહેલા કોઈ રિટર્ન ભર્યુ નથી. વર્ષ 2021-22 દરમિયાન તેમણે 4.90 લાખની વાર્ષિક આવક થઈ જ્યારે તેમના પત્ની કિંજલ પટેલ પણ આ દરમિયાન 4.79 લાખની વાર્ષિક આવક દર્શાવી છે. હાર્દિક પાસે હાલ 88 હજાર રોકડ તથા પત્ની કિંજલ પાસે 24 હજાર રોકડ છે. હાર્દિકના એક્સિસ બેંક એકાઉન્ટમાં 970 રૂપિયા છે જ્યારે અમદાવાદ ડિસ્ટ્રીક્ટ બેંકમાં 1100 રૂપિયા છે. જ્યારે તેના પત્નીના PNB એકાઉન્ટમાં 11,055 તથા મહેસાણા અર્બન ડો.ઓ.બેંકમાં 47,354 રૂપિયા છે.
દાગીના અને જમીન
હાર્દિક પટેલ પાસે 4.68 લાખની કિંમતનું 9 તોલા સોનાના દાગીના છે જ્યારે 1.50 લાખની કિંમતની 2.50 કિલો ચાંદી છે. કિંજલ પાસે 11.44 લાખની કિંમતના 22 તોલા સોનું અને 1.08 લાખનું 1.8 કિલો ચાંદી છે. હાર્દિક પટેલ પાસે કુલ 4.25 વિઘા ખેતીની જમીન છે. જેની બજાર કિંમત 38 લાખ રૂપિયા થાય છે. ઉપરાંત તેણે ચંદ્રનગર ગ્રુપ સે.સ મંડળીમાંથી રૂ.2 લાખની લોન પણ લીધેલી છે. હાર્દિક પટેલે સોગંદનામા મુજબ અમદાવાદની સહજાનંદ કોલેજમાંથી બી.કોમ સુધીનો અભ્યાસ કર્યો છે. જે 2013માં પૂરો થયો હતો.
હાર્દિક પટેલ સામે કેટલા કેસ?
હાર્દિક પટેલે એફિડેવિટમાં આપેલી માહિતી મુજબ તેમની સામે કુલ 9 જેટલા ગુનાઓ નોંધાયેલા છે. જેમાં કડીમાં ધમકી આપવા અંગે, વસ્ત્રાપુર, અમરોલીમાં ઉશ્કેરણી જનલ સલાહ આપવા, અમદાવાદ ડી.સી.બી પોલીસ સ્ટેશનમાં સરકાર પ્રત્યે અનાદર ફેલાવવા અને સરકારી મિલકતને નુકસાન પહોંચાડવાનો, પાટણ બી. ડિવિઝન પોલીસ સ્ટેશનમાં IPCની કલમ 395, 427, 323, 504, 506 (2) મુજબ ગુનો નોંધાયો છે, વરાછા પોલીસ સ્ટેશનમાં ગેરકાયદેસર રેલી કાઢવાનો, ગાંધીનગરમાં IPCની કલમ 452, 504, 192, 114, 193ની કમલ હેઠળ, નિકોલ પોલીસ સ્ટેશનમાં IPCની કલમ 143, 147, 149, 353, 188, 186, 120 (B), 294(B), 34, 506(1)ની કલમો તથા કામરેજ પોલીસ સ્ટેશનમાં કલેક્ટરના જાહેરનામાનો ભંગ, તેમજ જાહેર મિલકતને નુકસાન કરવાના કેસ નોંધાયેલા છે. જેમાં એક કેસમાં હાર્દિક પટેલને રૂ. 50 હજારનો દંડ તથા 2 વર્ષની કોર્ટની સજા સંભળાવવામાં આવેલી છે.
ADVERTISEMENT