અમદાવાદ: ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીને લઈને ગુજરાત યુનિવર્સિટીની વિવિધ કોર્ષની પરીક્ષાઓની તારીખમાં ફેરફાર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.રાજ્યમાં 1 અને 5 ડિસેમ્બરે મતદાન છે અને 8 ડિસેમ્બરે ચૂંટણીની મતગણતરી યોજાશે. ત્યારે મોટા ભાગનો કોલેજ સ્ટાફ ચૂંટણી સંબંધિત પ્રક્રિયામાં જોડાયેલો છે. ઉપરાંત કોલેજ કેમ્પસમાં પણ ચૂંટણીનું મતદાન યોજાવાનું હોવાથી પરીક્ષાની તારીખો પાછળ ખસેડવામાં આવી છે.
ADVERTISEMENT
ક્યારે લેવાશે પરીક્ષા?
ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન કોમર્સ, સાયન્સ, લૉ સહિતના વિવિધ કોર્ષની પરીક્ષાઓ ચૂંટણીના લીધે પાછળ ખસેડવામાં આવી છે. જેમાં 22 નવેમ્બરે શરૂ થનારી પરીક્ષાને 13 ડિસેમ્બર અને 8 ડિસેમ્બરથી શરૂ થનારી પરીક્ષાને 27મી ડિસેમ્બરે યોજવાનો નિર્ણય ગુજરાત યુનિવર્સિટી દ્વારા લેવામાં આવ્યો છે. આ મુદ્દે યુનિવર્સિટી દ્વારા સંલગ્ન કોલેજોના પ્રિન્સિપાલને પત્ર લખીને જાણ કરવામાં આવી છે.
કર્મચારીઓ ચૂંટણીની કામગીરીમાં વ્યસ્ત હોવાથી પરીક્ષા પાછી ઠેલાઈ
નોંધનીય છે કે, ચૂંટણીની કામગીરીમાં મોટા ભાગના સરકારી કર્મચારીઓ ફરજ બજાવતા હોય છે. ત્યારે કોલેજના પ્રોફેસરો સહિતનો ઘણો સ્ટાફ પણ આ કામગીરીમાં જોડાતો હોય છે. ઉપરાંત મતદાનની પ્રક્રિયા પણ મોટાભાગે શૈક્ષણિક સંસ્થાઓમાં રાખવામાં આવતી હોય છે. એવામાં પરીક્ષાનું આયોજન શક્ય ન હોવાથી પરીક્ષાને પાછળ ખસેડવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
ADVERTISEMENT