અમદાવાદ: શહેરમાં દિન-પ્રતિદિન લૂંટ અને ચોરીના બનાવો વધી રહ્યા છે. ત્યારે ફરી એકવાર આંગડિયા પેઢીના કર્મચારીને લૂંટી લેવાનો બનાવ બન્યો છે. શહેરના અખબારનગર વિસ્તારમાં રાત્રે રૂ.27 લાખના સોનાના દાગીના ભરેલી બેગ લઈને જતા આંગડિયા પેઢીના કર્મચારીને બાઈક પર આવેલા કેટલાક લૂંટારૂઓએ લઈને ફરાર થઈ ગયા હતા. ઘટનાની જાણ થતા જ વાડજ પોલીસનો કાફલો સ્થળ પર પહોંચી ગયો હતો અને વધુ તપાસ હાથ ધરી છે.
ADVERTISEMENT
મસાલો ખાવા ગલ્લે ઊભા હતા કર્મચારીઓ
વિગતો મુજબ, શહેરના અખબાર નગર પાસેથી રાતના સમયે પટેલ અમૃત કાંતિલાલ આંગડિયા પેઢીના બે કર્મચારી રૂ.27 લાખના દાગીના ભરેલી બેગ લઈને માણેકચોક ખાતેની પેઢીએ જઈ રહ્યા હતા. દરમિયાન તેઓ ચાર રસ્તા પાસે મસાલો ખાવા માટે ઊભા રહ્યા હતા. આ સમયે બાઈક પર આવેલા બે લૂંટારૂ એક્ટિવાનો આગળનો થેલો ઉતારીને ફરાર થઈ ગયા હતા. બાઈક પર આવેલા કેટલાક શખ્સોએ કર્મચારીના હાથમાં બેગ ઝૂંટવીને ફરાર થઈ ગયા હતા. લૂંટનો બનાવ બનતા જ વાડજ પોલીસ દોડતી થઈ ગઈ હતી અને ઘટનાસ્થળે પહોંચીને તપાસ હાથ ધરી હતી.
પોલીસે CCTVના આધારે તપાસ શરૂ કરી
લૂંટનો બનાવ બનતા જ પોલીસે અખબાર નગરથી મેઈન રોડ તેમજ લૂંટારૂઓ જે રસ્તેથી ભાગ્યા તે તમામ રસ્તાઓ પર ચેકિંગ હાથ ધર્યું છે. તેમજ રસ્તામાં આવતી દુકાનોના સીસીટીવીના આધારે લૂંટારૂઓને પકડવાની તજવીજ હાથ ધરી છે. પોલીસ દ્વારા શકમંદો વ્યક્તિઓની ઓખળ કરવામાં આવી રહી છે. ત્યારે લોકોની ચહલ-પહલથી ભરેલા રોડ પર આ રીતે લૂંટનો બનાવ બનતા ભારે ચકચાર મચી જવા પામી હતી.
ADVERTISEMENT