દે.બારીયામાં બુટલેગર-પોલીસ વચ્ચે 11 રાઉન્ડ ફાયરિંગ, આરોપીઓની કારમાં ભાજપના ખેસ મળ્યા

ગોધરાઃ દેવગઢ બારિયાના પાંચીયાશાળા બોર્ડર પર બુટલેગર અને વિજીલન્સની ટીમ વચ્ચે ઘર્ષણ થયું હતું. પ્રારંભીક રીતે મળતી વિગતો પ્રમાણે મંગળવારે રાત્રે પાંચીયાશાળા બોર્ડર પર આ…

gujarattak
follow google news

ગોધરાઃ દેવગઢ બારિયાના પાંચીયાશાળા બોર્ડર પર બુટલેગર અને વિજીલન્સની ટીમ વચ્ચે ઘર્ષણ થયું હતું. પ્રારંભીક રીતે મળતી વિગતો પ્રમાણે મંગળવારે રાત્રે પાંચીયાશાળા બોર્ડર પર આ ઘટના બની હતી જેમાં બુટલેગર દ્વારા વિજીલન્સની ટીમ પર ગાડી ચઢાવી દેવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. ઉપરાંત વિજીલન્સની ટીમ પર બુટલેગર દ્વારા ફાયરિંગ કરાયાની વિગતો મળતા તાબડતોબ સ્થાનીક પોલીસ સ્થળ પર દોડી ગઈ હતી.

 

સામ સામે થયું ફાયરિંગ પછી આરોપીઓ રવાના
દેવગઢ બારિયાના પાંચીયાશાળા બોર્ડર પર વિજીલન્સની ટીમ પર હુમલો થયાની ઘટનના બની હતી. જે મામલે સાગટાળા પોલીસ મથકે ગુનો પણ નોંધવામાં આવ્યો છે. પોલીસે બુટલેગરની સામે રાયોટિંગથી લઈને આર્મ્સ એક્ટ, હત્યાના પ્રયાસ સહિતની ગંભીર કલમોને આધારે ગુનો નોંધ્યો છે. આ ઘટનામાં સામ સામે 11 રાઉન્ડ ફાયરિંગ થયું હતું. 7 રાઉન્ડ ફાયરિંગ બુટલેગર દ્વારા કરવામાં આવ્યું હતું જ્યારે 4 રાઉન્ડ ફાયરિંગ વિજીલન્સ દ્વારા કરવામાં આવ્યું હતું. પોલીસે 23 લોકો સામે ગુનો નોંધ્યો છે. અને આખી રાત્રી સર્ચ ઓપરેશન હાથ ધરીને ત્રણ કાર અને એક બાઈક ડિટેઈન કર્યું છે. જોકે હાલ આ લખાય છે ત્યાં સુધી કોઈ આરોપી પોલીસના હાથે લાગ્યો નથી. પોલીસ માટે અહીં સૌથી મોટું ચેલેન્જીંગ ટાસ્ક એ બની ગયું હતું કે પોતાના જીવ પણ બચાવવાના હતા અને આરોપીઓ સામે કાર્યવાહી પણ કરવાની હતી. જોકે હવે સ્થાનીક પોલીસ પણ વિજીલન્સ પર થયેલા આ હુમલાને પગલે બુટલેગર્સ પર કાર્યવાહી કરવા દોડી રહી છે.

બુટલેગરની કારમાં ભાજપના ખેસ
આ ઘટનામાં ચોંકાવનારી બાબત ત્યારે સામે આવી કે, પાંચીયાસળામાં વિજીલન્સ પર થયેલા હુમલામાં બુટલેગરની કારમાંથી ભાજપના ખેસ મળી આવ્યા હતા. બુટલેગરની Xuv, બોલેરો કારમાં ભાજપના ખેસ મળી આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે પોલીસે આ કેસમાં ત્રણ કાર જપ્ત કરી છે. બે કારમાંથી ભાજપના ખેસ મળી આવતા વિવિધ ચર્ચાઓએ જોર પકડ્યું છે. શું બુટલેગર ભાજપના કોઈ સભ્યો જ છે કે પછી બુટલેગર ભાજપના ખેસની આડમાં આ પ્રકારના ગેરકાયદે ધંધા કરતા હતા. હવે આગામી સમયમાં નક્કી જો આ કેસમાં વધુ સચોટ અને પ્રામાણિક તપાસ થાય તો કેટલીક વધારે ચોંકાવનારી બાબતો સામે આવી શકે છે.

કેવી રીતે બની સમગ્ર ઘટના
પોલીસને કેટલાક બુટલેગર કાર મારફતે ગેરકાયદે દારુ દેવગઢ બારિયા તાલુકાના પાંચીયાસળ ગામેથી ગુજરાતમાં દારુ ઠાલવવાના છે. જેના આધારે પોલીસે તુરંત કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે પોતાની સાથે બે ખાનગી વાહનો લીધા અને તેના ચાલક હર્ષદ પટેલ અને સુનિલ બજાણિયાને સાથે રાખ્યા અને તેમની સાથે પાચીયાસળ જવા રવાના થયા હતા. દરમિયાન રાત્રે બે શંકાસ્પદ કાર આવતી દેખાતા તેને થોભાવી હતી. તેની નંબર પ્લેટ ન હતી. જેમાંથી દારુનો જથ્થો મળી આવ્યો હતો. જોકે તે જ દરમિયાન કારમાં ડ્રાઈવર હતો. તે તરફનો દરવાજો ખોલવા જતા જ પાછળથી છથી સાત કાર ફિલ્મી ઢબે ત્યાં આવી ચઢી અને બાર બોરની બંદુક તથા 20થી 22 લોકો ત્યાં જ પોલીસની સામે આવીને ઊબા રહી ગયા. હાથમાં ધારિયા, તલવાર, પાળિયા સહિતના તિક્ષણ હથિયારો પણ. તેમાંથી એક ભીખાભાઈ નામના શખ્સે એક રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. આમ એક તરફ પોલીસને જીવ બચાવવાનો હતો ત્યાં બુટલેગરોની સંખ્યા પણ વધારે હતી અને તેમના હથિયારોની સામે પોલીસે તુરંત વળતો પ્રહાર કર્યો બંને પક્ષે સામ સામું 11 રાઉન્ડ ફાયરિંગ થયું હતું. જેમાંથી 7 રાઉન્ડ ફાયરિંગ બુટલેગરો દ્વારા કરવામાં આવ્યું હતું. પકડાયેલો આરોપી પણ તે સમયની તક લઈને વિજીલન્સની કારને ભટકાડી દીધી. પોલીસે હવામાં ફાયરિંગ કરીને ભીખાને કહ્યું કે સરન્ડર કરી દે પણ તેના બદલામાં પોલીસ પર હુમલો ચાલુ રહ્યો. જે પછી પોલીસે ત્રણ રાઉન્ડ ફાયર કરતા આ શખ્સો ત્યાંથી ફરાર થઈ ગયા હતા.

(વીથ ઈનપુટઃ શાર્દૂલ ગજ્જર, ગોધરા)

    follow whatsapp