ગાંધીનગરઃ ગુજરાતમાં ભ્રષ્ટાચાર ક્યાં ક્યાં ફેલાઈ ચુક્યો છે તેનું લીસ્ટ એટલું લાંબુ છે કે ક્યાં નથી તે આંગળીએ ગણી શકાય તેમ છે. ગુજરાતમાં સતત ભ્રષ્ટાચાર સામે લડવા માટે લાંચ રુશવત વિરોધી બ્યૂરો દ્વારા કામગીરી કરવામાં આવે છે પરંતુ આ કામગીરી પણ કેટલી કારગર છે તે કેટલીક આંકડાકીય વિગતો સાથે સામે આવી રહ્યું છે. એસીબી દ્વારા વર્ષ 2021-22માં કરવામાં આવેલી કામગીરીમાં સૌથી વધુ ભ્રષ્ટાચારીઓ સામે કેટલા કેસ નોંધવામાં આવ્યા અને કયા વિભાગમાં નોંધાયા તે પણ આપણે જોઈશું. હાલમાં જ એસીબીએ જાહેર કરેલા આંકડાઓ પ્રમાણે વર્ષ 2022માં માંડ મહિને 0થી લઈ 5 સફળ ટ્રેપ થઈ શકી છે. આ એવી ટ્રેપ છે જેમાં ટોલફ્રી નંબર 1064 પર આવેલા કોલની સામે કરવામાં આવી છે.
ADVERTISEMENT
ગુજરાતમાં ACBથી માંડ-માંડ પકડાય છે ભ્રષ્ટાચારીઓઃ ટોલ ફ્રી 1064 પર 14700 કોલ સામે 26માં સફળ
ટોપ થ્રી વિભાગ જ્યાં લાલચુઓ સૌથી વધારે- સૌથી ઓછા
ગુજરાતમાં એસીબીએ વર્ષ દરમિયાન કુલ 176 કેસ નોંધ્યા છે, જેમાં સત્તાનો દુરુપયોગ કરવા મામલે 3, ડીકોય 12, ટ્રેપ 156 અને ડીએ 5 થઈ છે. જેમાં સૌથી વધુ ભ્રષ્ટ લોકો ગૃહ વિભાગમાંથી પકડાયા છે. જેમાં 44 ગુનાઓ નોંધ્યા છે. પંચાયત, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગમાં 32 ગુનાઓ નોંધાયા છે. મહેસુલ વિભાગમાં જ્યાં સૌથી વધારે ભ્રષ્ટાચારના આક્ષેપો થતા રહ્યા છે તે વિભાગમાં 25 ગુનાઓ નોંધાયા છે. તે પછી નંબર આવે છે શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગનો જેમાં 13 ગુના નોંધાયા છે. આ હતા ટોપ થ્રી ડિપાર્ટમેન્ટ જેમાં સૌથી વધારે કેસ નોંધાયા છે. જ્યારે કાયદા વિભાગ, ક્લાઈમેટ ચેન્જ વિભાગ, વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી વિભાગ. વૈધાનિક અને સંસદીય બાબતોનો વિભાગ, રમતગમત, યુવા, સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ, આદિજાતિ વિકાસ વિભાગ અને સામાન્ય વહીવટ વિભાગમાંથી વર્ષ દરમિયાન એક પણ ભ્રષ્ટાચારી સામે કેસ થયો નથી અથવા કહીએ કે એક પણ કેસ નોંધાયો નથી.
કયા મહિને કેટલી સફળ ટ્રેપ માત્ર આંગળીના વેઢે ગણાય
1064 ટોલ ફ્રી નંબરનો વધુને વધુ ઉપયોગ કરી ભ્રષ્ટાચારીઓને તેમની અક્કલ ઠેકાણે લાવવામાં આગળ આવવા સતત એસીબી તેનો પ્રચાર કરતી રહી છે. જોકે આ તરફ આંકડાઓનું ગણીત કોઈ અલગ ચિત્ર દોરી રહ્યું છે. હાલમાં જ જોઈએ તો વર્ષ 2022માં ટોલ ફ્રી નંબર 1064 પર કુલ 14,757 કોલ મળ્યા છે જેમાંથી ભ્રષ્ટાચારને લગતી કુલ 132 રજૂઆતો મળી હતી. આ પૈકી 26 કેસમાં સફળ ટ્રેપ કરી શકાઈ હતી. વર્ષ 2022માં જાન્યુઆરી, સપ્ટેમ્બર અને ઓક્ટોબરમાં દર મિહને 3-3 ટ્રેપ, ફેબ્રુઆરી, મે, જુલાઈ અને નવેમ્બરમાં 1-1 ટ્રેપ, માર્ચમાં 4 ટ્રેપ, એપ્રીલમાં એક પણ ટ્રેપ નહીં, જુનમાં સૌથી વદારે 5 ટ્રેપ અને ડિસેમ્બર તથા ઓગસ્ટમાં 2-2 ટ્રેપ મળી કુલ 26 ટ્રેપ સફળતાથી પાર પાડવામાં આવી હતી. આ તરફ આ ટ્રેપની કુલ રકમ 13,12,300 હતી. આમ સફળ ટ્રેપની વિગતો માત્ર આંગળીના વેઢે ગણી શકાય તેવું છે.
‘રાત્રે રિચાર્જ કરી મહિલાઓ સાથે વાતો કરતા’ જુનાગઢ મહંત રાજભારતી બાપુના આપઘાત પછી ગંભીર આરોપો
કયા વર્ષે કેટલા કેસ નોંધાયા
એસીબી દ્વારા તમામ પ્રકારે નોંધાયેલા કેસમાં આંકડા સામે નજર કરીએ તો વર્ષ 2021માં કુલ 173 કેસ નોંધાયા હતા. 2022ના વર્ષમાં આ પ્રમાણે કુલ કેસ 176 કેસ નોંધાયા હતા. 2022ની વાત કરીએ તો તે એક વર્ષમાં ક્લાસ વન અધિકારીઓ સામે 9, ક્લાસ ટૂ અધિકારીઓ સામે 30, વર્ગ 3ના કર્મચારીઓ સામે 114, વર્ગ 4ના કર્મચારીઓ સામે 5, ખાનગી મળતિયાઓ સામે 94 કેસ નોંધાયા હતા. આમ કુલ 252 આરોપીઓ હાથમાં આવ્યા હતા. જ્યારે અપ્રમાણ સરની મિલકત ધરાવતા માત્ર 5 કેસ નોંધાયા હતા જોકે તેમની મિલકતની કુલ રકમ અધધધ હતી. જે કુલ રૂપિયા 4,52,34,619 થવા જઈ રહી છે.
કયા વિભાગમાં કેટલા લાંચિયા સૌથી વધારે પકડાયા
લાંચિયાઓની સંખ્યા પર નજર કરીએ તો ટોપ થ્રીમાં ગૃહ વિભાગમાં વર્ગ ત્રણના જ કર્મચારીઓ ઝડપાયા છે જેમાં કુલ 61 લાંચિયાઓનો સમાવેશ થાય છે. તે પછી બીજા નંબર પર 46 લાંચિયાઓ પંચાયત, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસમાંથી ઝડપાયા છે. તે પછી 35 લાંચિયાઓ મહેસુલ વિભાગમાંથી ઝડપાયા છે.
ADVERTISEMENT