હિતેશ સુતરીયા/ અરવલ્લી: રાજ્યમાં પડી રહેલી કાતિલ ઠંડીમાં રાત્રે ખેતરમાં પાણી વાળવા જતા ખેડૂતોના મોતની એક બાદ એક ખબર સામે આવી રહી છે. ત્યારે અરવલ્લી જિલ્લામાં સતત બીજા દિવસે વધુ એક ખેડૂતનું ઠંડીમાં ઠુંઠવાઈને મોત નિપજ્યું છે. અરવલ્લી જિલ્લામાં આવેલા માલપુર તાલુકાના વીરણીયા ગામમાં રાત્રે ખેતરમાં પાણી વાળવા ગયેલા ખેડૂતનો સવારે મૃતદેહ ઘરે આવ્યો. મૃતક ખેડૂતની પત્નીએ આક્ષેપ કર્યો છે કે ઠંડીના કારણે તેમના પતિનું મોત થયું છે. ત્યારે સ્થાનિકોમાં આ મુદ્દે તંત્ર સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે.
ADVERTISEMENT
પરિવારનો ઠંડીથી મોત થયાનો આક્ષેપ
અરવલ્લીના વીરણીયા ગામમાં 62 વર્ષના લક્ષ્મણજી પગી રાત્રે ખેતરમાં પાણી વાળવા માટે ગયા હતા. જોકે તેમનું અકાળે મોત નિપજ્યું હતું અને ખેતરથી ઘરે મૃત હાલતમાં લાવવામાં આવ્યા હતા. મૃતક ખેડૂતના પત્ની અને અન્ય સગાઓ દ્વારા આક્ષેપ કર્યો છે કે, કડકડતી ઠંડીના કારણે તેમનું મોત થઈ ગયું. ખેડૂતના અકાળે મોતથી ગ્રામજનો અને આસપાસના વિસ્તારના ખેડૂતોમાં ગમગીની ફેલાઈ ગઈ છે, સાથે જ સિંચાઈ માટેની વીજળી દિવસે આપવાની માંગ સાથે આગામી દિવસોમાં આંદોલન કરવાની તૈયારી દર્શાવી છે.
આ પણ વાંચો: ભર શિયાળે વરસાદ: વડોદરા, આણંદ, અરવલ્લી સહિતના જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદ, ખેડૂતો ચિંતિત
ગઈકાલે મોડાસામાં ખેડૂતનું મોત થયું હતું
ખાસ વાત છે કે, ગઈકાલે જ અરવલ્લીના મોડાસા તાલુકાના ટીંટોઈ ગામના લવજીભાઈ વિરસંગભાઈ પટેલ નામના ખેડૂત ગુરુવારે રાત્રે ખેતરમાં પાણી વાળવા ગયા હતા ત્યારે ઠંડીના કારણે ઠુંઠવાઇ જતા ખેતરમાં જ થીજી જતા પ્રાણ પંખેરું ઉડી ગયું હતું. ઘઉંના પાકને પિયત કરવા ગયેલ ખેડૂત સવારે ઘરે પરત ન ફરતા પરિવારજનો ખેતરમાં તપાસ કરતા લવજીભાઈ પટેલ મૃત હાલતમાં મળી આવતા પરિવારજનો ચોકી ઉઠ્યા હતા. ખેડૂત પરિવારે આક્રંદ કરી મુકતા આજુબાજુથી ખેડૂતો અને ગામલોકો દોડી આવ્યા હતા. પરિવારે ઘરનો મોભી ગુમાવતા પરિવારજનોમાં શોકનું મોજું ફળી વળ્યું હતું.
ખેડૂતોની દિવસે વીજળી આપવાની માંગ
નોંધનીય છે કે, રાજ્ય સરકારે ઓક્ટોબર 2020માં કિસાન સૂર્યોદય યોજના અમલમાં મૂકી હતી. જે મુજબ ખેડૂતોને દિવસે પીયત માટે વીજળી આપવાનું વચન અપાયું હતું. જોકે યોજાનાના 2 વર્ષ થયા બાદ પણ આજે ખેડૂતોને રાત્રે વીજળી મળતા ઠંડી સહન કરીને પિયતના પાણી ગાળવા જવું પડે છે. આ મુદ્દે ખેડૂતો ઉપરાંત કોંગ્રેસ તથા આમ આદમી પાર્ટીએ પણ સરકારને રજૂઆત કરી છે અને દિવસે વીજળી આપવાની માગણી કરી છે. ત્યારે હવે જોવાનું રહેશે કે ખેડૂતોની આ સમસ્યા બહેરી સરકારને કાનમાં ક્યારે પડે છે.
તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…
ADVERTISEMENT