નરેન્દ્ર પેપરવાલા/વડોદરા: રાજ્યભરમાં હાલ નકલી PSI મયુર તડવીનો મામલો ખૂબ ગરમાયો છે. 1 મહિનાથી નકલી ડોક્યુમેન્ટ્સના આધારે મયુર તડવી કરાઈ પોલીસ એકેડમીમાં ટ્રેનિંગ લઈ રહ્યો હતો. જોકે યુવરાજસિંહ જાડેજાની પ્રેસ કોન્ફરન્સ બાદ સમગ્ર મામલો સામે આવ્યો હતો. મયુર તડવી પર આક્ષેપ પણ થયો હતો કે તેણે રૂ.40 લાખ ચૂકવીને PSIની નોકરી ખોટી રીતે મેળવી છે. ત્યારે ગુજરાત Takની ટીમ વડોદરાના ધર્માપુર ગામે મયુર તડવી કેવા ઘરમાં રહેતો હતો અને ખરેખર તેના પરિવાર પાસેથી પૈસા લઈને નોકરી મેળવી તે મામલે જાણકારી મેળવવાનો પ્રયાસ કર્યો હતો.
ADVERTISEMENT
40 રૂપિયા ન મળતા હોય તો 40 લાખ ક્યાંથી ભેગા કરીએ?
મયુરે રૂ.40 લાખ આપીને PSIની નોકરી મેળવવાના આક્ષેપ પર પિતા લાલજીભાઈ તડવીએ કહ્યું કે, અમારી આર્થિક સ્થિતિ તદ્દન થર્ડ ક્લાસ છે. ખેત મજૂર છીએ. ખેતી સિવાય અમારી કોઈ આવક નથી. 12 મહિનાનું સરવૈયું કરીએ અમે. 12 મહિને જે મળે એ જ, બાકી કોઈ નહીં. 40 રૂપિયા ન મળી શકતા હોય તો 40 લાખ તો અમે ક્યાંથી ભેગા કરી શકીએ. પૈસાની વાત તદ્દન ખોટી છે. જે કોઈ આવું કહેતું હોય એની સામે આપણી ગીતાજી ઉચકવાની તૈયારી.
નોકરી મળી ત્યારે શું કહ્યું?
આ વિશે વાત કરતા મયુરના પિતા લાલજીભાઈએ કહ્યું કે, એ 3 વર્ષથી વડોદરા રહેતો, ત્યાં જ ભણતો અને નોકરી કરતો. ત્યાંથી ફોન કરીને કહેતો હતો કે, ગ્રાઉન્ડની પરીક્ષા પાસ કરી છે, પછી પરીક્ષા પાસ કરી. પછી કહ્યું ઓર્ડર નીકળ્યો છે. આ સિવાય બીજી કોઈ વાત નથી કરી. મને કરાઈ સેન્ટર જવાનું કહેતા હું 22મી તારીખે તેને મૂકવા ગયો હતો. તે ખોટી રીતે ગયો તે બાબતની અમને કોઈ ખબર નહોતી.
નકલી PSI કેસમાં 6 પોલીસકર્મી સસ્પેન્ડ
નોંધનીય છે કે, નકલી PSI કેસમાં ગઈકાલે જ સરકાર દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી હતી. જેમાં નકલી PSI વિવાદમાં હવે 2 પોલીસ ઈન્સ્પેક્ટર અને 4 ADIને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. ત્યારે સૂત્રો મુજબ આગામી સમયમાં હજુ પણ વધુ ઉચ્ચ અધિકારીઓ પર તવાઈ આવી શકે છે.
8 દિવસના રિમાન્ડ પર છે મયુર તડવી
ગત 1લી માર્ચના રોજ કરાઇ પોલીસ એકેડેમીમાંથી નકલી PSI મયુર તડવીની ધરપકડ કરવામાં આવી હતી. જે બાદ તેને ગાંધીનગર કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. પોલીસે 14 દિવસના રિમાન્ડની માગણી કરી હતી, જેની સામે કોર્ટે 8 દિવસના રિમાન્ડને મંજૂરી આપી છે. આમ 10 માર્ચ સુધી આરોપી મયુર તડવી પોલીસની રિમાન્ડમાં છે.
નકલી PSI બનવા માટે તમામ પ્રકારના ડોક્યુમેન્ટ્સ ઉભા કર્યા
અત્રે ઉલ્લેખનીય છે કે, મયુર તડવીએ કરાઇ પોલીસ એકેડેમીમાં નકલી PSI બનીને પ્રવેશ મેળવ્યો હતો. સૌથી ચોંકાવનારી બાબત છે કે, મયુર તડવીએ ન માત્ર કરાઇ પોલીસ એકેડેમીમાં પ્રવેશ મેળવી લીધો હતો. એક મહિનાથી વધારે સમયની ટ્રેનિંગ પણ પુર્ણ કરી હતી અને એક સરકારી પગાર પણ મેળવી લીધો હતો. જો કે યોગ્ય સમયે યુવરાજસિંહે આ સમગ્ર મામલે ઘટસ્ફોટ કર્યો હતો. જેના કારણે આ કૌભાંડનો પર્દાફાશ થયો હતો. જો આવું ન થયું ન હોત તો કદાચ તે સફળતા પુર્વક પોતાની ટ્રેનિંગ પુર્ણ કરીને કોઇ જિલ્લામાં નોકરી પણ મેળવી લેત. જો કે અગાઉ પણ આવા અનેક PSI પણ પાસ થઇ ગયા હોય તો નવાઇ નહી.
ADVERTISEMENT