શાર્દુલ ગજ્જર/દાહોદ: ગુજરાતમાં ચૂંટણીની મોસમ ચાલી રહી છે, ત્યારે એક બાદ એક રાજકીય પાર્ટીઓ ચૂંટણીમાં મેદાનમાં જંપ લાવવાની જાહેરાત કરી રહી છે. એવામાં હવે ગુજરાતના રાજકારણમાં વધુ એક પાર્ટીની એન્ટ્રી થવા જઈ રહી છે. ગુજરાત નવનિર્માણ સેના દ્વારા ચૂંટણીમાં ઉતરવાની જાહેરાત કરવામાં આવી છે. રાજ્યની 182માંથી 91 સીટો પર સંતોને ચૂંટણી લડવાની જાહેરાત કરી છે.
ADVERTISEMENT
કેમ ચૂંટણીમાં રણ મેદાનમાં ઉતરશે સંતો?
સંતોએ જણાવ્યું હતું કે, ગુજરાત અને દેશમાં છેલ્લા કેટલાક સમયથી મંદિરોની અને આશ્રમોની જમીનો ખાલી કરાવવા, દબાણ ઉભું કરવા તેમજ રાજકીય કારણોસર અનેક સંતો વિરુદ્ધ વિવિધ પ્રકારના કેસો કરાવવામાં આવી રહ્યાં છે. જેમાં ઘણાં કેસો પ્રથમ દ્રષ્ટિએ જોતાં જ શંકાસ્પદ લાગે છે. છતાં ગુનો દાખલ થઈ જાય પછી જેમનાં વિરુદ્ધ ગુનો દાખલ થયો છે એમને ન્યાયિક પ્રક્રિયા મુજબ પોતાનો બચાવ કરવાનો રહે છે. અમારું સ્પષ્ટ માનવું છે કે જે તે રાજ્ય સરકારોએ આવાં તમામ શંકાસ્પદ કેસોમાં ફેરતપાસ કરાવી ઉપજાવી કાઢેલા કેસો પરત ખેંચવા માટે કાયદાકીય કાર્યવાહી હાથ ધરવી જોઈએ.
આશારામ બાપુને મુક્ત કરવા માંગ
ગુજરાત નવનિર્માણ સેના દ્વારા આ માંગણીને ટેકો આપતા ગુજરાત નવ નિર્માણ પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અતુભાઈ દવેએ જણાવ્યું હતું કે, મને ભાજપનો કોઈ વિરોધ નથી અમે પણ સનાતન ધર્મના સમર્થક છીએ. પરંતુ સંત આશારામ બાપુ વિરુદ્ધ કરવામાં આવેલા કેસો પણ શંકા ઉપજાવે તેવા છે અને હાલમાં આ કેસોમાં ન્યાયિક પ્રક્રિયા ચાલુ છે. નામદાર સેશન્સ કોર્ટથી લઈને નામદાર સુપ્રીમ કોર્ટ સુધી ન્યાય માટે લડવાનો જેમ દરેક નાગરિકને અધિકાર છે અને એ અધિકાર પૂજ્ય બાપુજીને પણ છે અને ન્યાયિક પ્રક્રિયા મુજબ પોતાને નિર્દોષ સાબિત કરવા માટે પૂજ્ય બાપુજી નામદાર સુપ્રીમ કોર્ટ સુધી લડત આપશે.
સંતોએ કહ્યું હતું કે, બાપુ હતા ત્યારે તેઓ સનાતન ધર્મની સતત ચિંતા કરતા હતા અને એ હતા ત્યારે મિશનરીઓ એટલી એક્ટિવ નહોતી. એમના જેલમાં ગયા બાદ ગ્રામ્ય વિસ્તારમાં મિશનરીઓ દ્વારા તેમનો પ્રચાર કરી સંતો મહંતોને અંતરિયાળ વિસ્તારમાંથી ભગાડી અને ધર્મ પરિવર્તન કરી મોટાપાયે શરૂ કરવામાં આવ્યું છે અને આ બધી તકલીફો અશારામજી બાપુ હતા ત્યારે આવા ધર્માંતરણના મુદ્દાઓ નહોતા થતા તેવું મહંત કાલિદાસ મહારાજ દેકાવડા એ જણાવ્યું હતું,
આ મામલે દાહોદની એક હોટલમાં ‘ગુજરાત નવનિર્માણ સેના’ના અધ્યક્ષ અતુલ દવે દ્વારા એક પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કાલિદાસ મહારાજ, શિવાનંદ સરસ્વતિ મહારાજ, દાન બાપુ તેમજ મહેશભાઈ કટારા, અને બાપુના ભક્તો ઉપસ્થિત રહ્યા હતા.
ADVERTISEMENT