મોરબી દુર્ઘટના મામલે હાઇકોર્ટની ગુજરાત સરકારને નોટિસ, અઠવાડિયામાં રિપોર્ટ માગ્યો

અમદાવાદ: મોરબીમાં તાજેતરમાં બનેલી બ્રિજ તૂટી પડવાની ઘટનામાં મોટા સમચાર સામે આવી રહ્યા છે. ગુજરાત હાઈકોર્ટે મોરબીની દુર્ઘટનામાં સ્વયં સંજ્ઞાન લીધું છે. ચીફ જસ્ટીસના નિર્ણય…

gujarattak
follow google news

અમદાવાદ: મોરબીમાં તાજેતરમાં બનેલી બ્રિજ તૂટી પડવાની ઘટનામાં મોટા સમચાર સામે આવી રહ્યા છે. ગુજરાત હાઈકોર્ટે મોરબીની દુર્ઘટનામાં સ્વયં સંજ્ઞાન લીધું છે. ચીફ જસ્ટીસના નિર્ણય બાદ મોરબી દુર્ઘટનામાં સુઓ મોટો અરજી દાખલ કરવામાં આવી છે. જે મામલે હાઇકોર્ટે ગૃહ વિભાગ સહિત રાજ્ય સરકાર, ચીફ સેક્રેટરી, મોરબી નગર પાલિકા, મ્યુનિસિપલ કમિશનર અને માનવ અધિકાર પંચને નોટિસ પાઠવી છે. આ સુઓ મોટો અરજીમાં રાજ્ય સરકાર પાસેથી મોરબીની દુર્ઘટના પર અઠવાડિયામાં રિપોર્ટ માગવામાં આવ્યો છે. આ મામલે વધુ સુનાવણી આગામી 14મી નવેમ્બર થશે.

સુપ્રીમ કોર્ટમાં પણ મોરબી દુર્ઘટના મામલે અરજી થઈ
બીજી તરફ સુપ્રીમ કોર્ટમાં પણ મોરબી દુર્ઘટના પર PIL કરવામાં આવેલી છે. જેમાં સમગ્ર મામલે સુપ્રીમ કોર્ટના નિવૃત્ત જજની અધ્યક્ષતામાં બ્રિજ તુટવાની દુર્ઘટનાની તપાસ કરવાની માગણી કરવામાં આવી છે.સુપ્રીમ કોર્ટે આ અરજી સ્વીકારી લીધી છે અને તેના પર પણ 14મી નવેમ્બરે જ સુનાવણી થવાની છે. બીજી તરફ અમદાવાદમાં મોરબી દુર્ઘટનામાં સ્વજન ગુમાવનાર પરિજન દ્વારા પણ સુપ્રીમ કોર્ટમાં અરજી કરવામાં આવી હતી અને વળતરની રકમને વધારવા તથા કેસની તપાસ CBI દ્વારા કરાવવામાં આવે તેવી માગણી કરવામાં આવી હતી.

રિનોવેશન કરેલો બ્રિજ 5 દિવસમાં તૂટી જતા 135ના મોત
મોરબીમાં તાજેતરમાં જ 140 વર્ષ જૂનો ઐતિહાસિક ઝુલતો બ્રિજ તૂટી જતા 135 લોકોના કરુણ મોત નિપજ્યા હતા. મચ્છુ નદીમાં થયેલી આ ભયાનક દુર્ઘટનાથી આજે પણ મોરબીના બજારોમાં આજે પણ સન્નાટો જોવા મળી રહ્યો છે. આ બ્રિજને રિનોવેશન બાદ OREVA ગ્રુપ દ્વારા જ 5 દિવસ પહેલા ખુલ્લો મુકવામાં આવ્યો હતો. દુર્ઘટનામાં FSLની તપાસમાં કેટલાક ચોંકાવનારા ખુલાસાઓ થયા હતા, જેમાં બ્રિજના રિનોવેશનમાં કેબલ બદલવામાં જ ન આવ્યા હોવાનું સામે આવ્યું હતું. માત્ર જાળી પર રંગ કરી દીધો હતો. બીજી તરફ બ્રિજના ફ્લોર પર પતરા પાથરી લેવાતા તેનું વજન વધી ગયું હતું. આમ બ્રિજના રિનોવેશનમાં ગંભીર બેદરકારી સામે આવી હતી.

    follow whatsapp