ગાંધીનગર: રાજ્યમાં રખડતા ઢોર મુદ્દે સરકારે લાગુ કરેલા ઢોર નિયંત્રણ કાયદાનો લાંબા સમયથી માલધારી સમાજ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. એવામાં રાજ્ય સરકાર દ્વારા આ કાયદો હવે પાછો ખેંચવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આગામી વિધાનસભા સત્ર દરમિયાન આ બિલ પાછું લેવાઈ શકે છે. આ સાથે જ સરકાર દ્વારા રખડતા ઢોર મુદ્દે પણ કાયમી ઉકેલ આવે તે પ્રકારનું આયોજન કરવામાં આવશે.
ADVERTISEMENT
આગામી વિધાનસભા સત્રમાં જ કાયદો પાછો ખેંચાઈ શકે
રાજ્ય સરકાર દ્વારા માલધારીઓના લાંબા સમયની માંગને ઉકેલ લાવતા તેમને હાલાકી ન પડે તે માટે ઢોર નિયંત્રણ બિલને પાછું લેવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. માહિતી મુજબ, આગામી 21 અને 22 સપ્ટેમ્બરના રોજ મળનારા વિધાનસભા સત્રમાં જ આ કાયદો પાછો ખેંચવામાં આવશે. આ સાથે રખડતા ઢોરના કારણે લોકોને હાલાકી ન પડે તે માટે પણ સરકાર દ્વારા ખાસ નિર્ણય લઈને માલધારી વસાહતો બનાવવામાં આવશે. જેમાં પશુધન સચવાય તે પ્રકારની વ્યવસ્થા હશે.
રખડતા ઢોરની કાયમી સમસ્યાનો ઉકેલ લાવશે સરકાર
પ્રદેશ સંયોજક માલધારી સેલ સંજય દેસાઈએ Gujarat Tak સાથે ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે, સરકાર રખડતા ઢોરની સમસ્યા માટે માલધારી વસાહતો બનાવશે. આ વસાહતો પશુધન સચવાય એ રીતે બનાવી આપવાની ગણતરીમાં છે. માલધારીઓને આ નિર્ણયથી પૂરે પૂરો ન્યાય મળશે અને માલધારી સમાજના આ બાબતને લઈને તમામ પ્રશ્નનોનું સમાધાન આવી જશે અને તેનો કાયમી ઉકેલ આવી જશે. કાયદો લગભગ આ જ સત્રમાં પાછો ખેંચી લેવામાં આવશે.
ADVERTISEMENT