અમદાવાદઃ ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીની જાહેરાત થઈ ચૂકી છે. 2 તબક્કામાં 1 અને 5 ડિસેમ્બરે મતદાન યોજાશે. તેવામાં 2017ની ચૂંટણી પછી પક્ષપલટા સહિતના વિવિધ કારણોસર રાજકારણ સતત ગરમાયેલું રહ્યું છે. રિપોર્ટ્સ અને આંકડાઓ પર નજર કરીએ તો પેટા ચૂંટણીઓના દોર લગભગ ત્યારથી દર વર્ષે રાજકારણના કોયડા ગુંચવતા જોવા મળ્યા હતા. તો ચલો આપણે આના સમીકરણો પર નજર કરીએ…
ADVERTISEMENT
2017માં કોંગ્રેસે ભાજપને હંફાવી દીધી…
ગુજરાત વિધાનસભા ચૂંટણી 2017 દરમિયાન ભાજપે 99 બેઠક જીતી હતી, આ સમયે કોંગ્રેસે 77 બેઠક જીતીને ભાજપને કાંટાની ટક્કર આપી દીધી હતી. આ દરમિયાન બીટીપીને 2, એનસીપીને 1 અને અપક્ષને 1 બેઠક મળી હતી. જોકે પક્ષપલટાના કારણે લગભગ દર વર્ષે પેટા ચૂંટણીઓ યોજવી પડી હતી અને રાજકારણના જે સમીકરણો હતા તે બદલાતા જોવા મળ્યા હતા.
2018ની વાત કરીએ તો જસદણ બેઠક પર કોંગ્રેસના MLA કુંવરજી બાવળીયાએ રાજીનામું સોંપી દીધું હતું. આનાથી રાજકીય ખળભળાટ સર્જાયો હતો અને ટૂંક સમયમાં ભાજપમાં જોડાઈ જતા જોવાજેવી થઈ હતી. ત્યારપછી પેટાચૂંટણીમાં કુંવરજી બાવળિયાએ જીત મેળવી અને રૂપાણી સરકારમાં મંત્રીપદ મેળવ્યું હતું.
2019માં કોંગ્રેસને 6 ઝાટકા લાગ્યા
કોંગ્રેસ માટે જોવા જઈએ તો 2019નું વર્ષ ઘણું ભારે રહ્યું હતું. આ દરમિયાન 6 MLAએ રાજીનામા ધરી દેતા કોંગ્રેસને પડ્યા પર પાટુ વાગ્યું હતું.
કોંગ્રેસના ધારાસભ્ય આશા પટેલ (ઊંઝા બેઠક), ધ્રાંગધ્રા બેઠક પરથી પુરસોત્તમ સાબરિયા, જામનગરથી વલ્લભ ઘાવરિયા, માણાવદરના જવાહર ચાવડાએ રાજીનામું ધરબી દીધું હતું. આ તમામે સમયાંતરે ભાજપનો ખેસ ધારણ કરી લીધો હતો.
બીજી બાજુ રાધનપુર બેઠક પરથી અલ્પેશ ઠાકોરે રાજીનામું આપી દેતા તેઓ ભાજપમાં જોડાયા હતા. જોકે પેટા ચૂંટણીમાં તેઓ હારી ગયા હતા. જ્યારે બાયડ બેઠક પરથી કોંગ્રેસના ધારાસભ્ય ધવલસિંહ ઝાલાએ ભાજપનો ખેસ ધારણ કરી લીધો હતો. પરંતુ પેટા ચૂંટણીમાં તેઓ હારી ગયા હતા.
કોંગ્રેસ માટે ખરાબ સપના સમાન વર્ષ
2020ની વાત કરીએ તો આ કોંગ્રેસ માટે સૌથી ખરાબ સપનું હોય તેવું વર્ષ રહ્યું છે. આ દરમિયાન બેક ટુ બેક 8 કોંગ્રેસના ધારાસભ્યોએ પાર્ટીનો સાથ છોડી દેતા પાર્ટી પર મુશ્કેલીનું આભ ફાટ્યું હતું. ધારી બેઠક પરથી જેવી કાકડિયા, કપરાડા બેઠકના જીતુ ચૌધરી, કરજનના અક્ષય પટેલ, ડાંગના મંગળ ગામીત, ગઢડાના પ્રવીણ મારુ, અબડાસાના પ્રદ્યુમનસિંહ જાડેજા અને લીંબડીના સોમા ગાંડા પટેલે રાજીનામું આપી દીધું હતું. જેમાંથી બાદમાં આ બેઠકો પર ભાજપના ઉમેદવારોએ બાજી મારી હતી.
2021માં પણ ચૂંટણી યોજાઈ
ઉલ્લેખનીય છે કે પંચમહાલના મોરવા-હડફ અપક્ષ MLA ભૂપેન્દ્ર સિંહનું સભ્યપદ રદ કરી દેવાયું હતું. ઉલ્લેખનીય છે કે મોરવા હડફ બેઠક જનજાતિ માટે અનામત છે પરંતુ તેમણે જે સર્ટિફિકેટ રજૂ કર્યું હતું એ ખોટું હતું. જેથી આ પ્રમાણે કાર્યવાહી કરાઈ હતી. જોકે ત્યારપછી ભૂપેન્દ્ર ખાંટનું નિધન થતા બેઠક ખાલી રહી હતી. ત્યારપછી ભાજપે આ ખાલી બેઠક પરથી મનીષા બેનને મેદાનમાં ઉતાર્યા હતા. જેમણે બાજી મારી લેતા ભાજપના ફાળે આ બેઠક ગઈ હતી.
હવે 2022માં દરેક વિધાનસભા બેઠક પર ચૂંટણી યોજાશે તો રાજકીય ગણિતમાં આમ આદમી પાર્ટીના આગમનથી હવે ત્રિપાંખીયો જંગ જામશે એમ લાગી રહ્યું છે.
ADVERTISEMENT