અમદાવાદ: ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં પહેલા ચરણમાં 19 જિલ્લાની 89 બેઠકો પર મતદાન થયું. તેમાં 788 ઉમેદવારનું ભાવી EVMમાં કેદ થઈ ગયું છે. ગુરુવારે પહેલા ચરણના મતદાનમાં આ વખતે ગત વખત કરતા મતદારોમાં ઉત્સાહ ઓછો જોવા મળ્યો. ચૂંટણી પંચના આંકડા મુજબ, પ્રથમ ચરણમાં 63.14 ટકા મતદાન થયું છે. જે ગત વર્ષ કરતા 5 ટકા ઓછું છે.
ADVERTISEMENT
પહેલા ચરણના વોટિંગનો ટ્રેન્ડ
ગુજરાતની ચૂંટણીમાં પહેલા ચરણમાં સૌરાષ્ટ્ર-કચ્છ અને દક્ષિણ ગુજરાતના 19 જિલ્લામાં વોટિંગનો ટ્રેન્ડ જોઈએ તો પાછલી વખત કરતા આ વખતે 5 ટકા ઓછું મતદાન થયું છે. જ્યારે 2012માં પ્રથમ ચરણમાં 70.75 ટકા મતદાન થયું હતું. આમ પાછલા 10 વર્ષની તુલનામાં આ વખતે વોટિંગની ટકાવારી ઘટી છે, જેના કારણે રાજકિય પક્ષોની ચિંતા વધી ગઈ છે. આ વખતે કોંગ્રેસ, ભાજપ અને આમ આદમી પાર્ટી ચૂંટણીમાં મેદાનમાં હોવાથી ત્રિકોણીય મુકાબલો માનવામાં આવી રહ્યો હતો.
ઓછા મતદાનનો શું છે સંકેત?
ચૂંટણીમાં આમ તો એવું માનવામાં આવે છે કે ઓછા મતદાનથી સત્તામાં રહેલા પક્ષને ફાયદો થાય છે. રાજકીય વિશ્લેષકોના મત મુજબત ઘણી વખત જ્યારે મતદારો સરકારની કામગીરીથી સંતુષ્ટ હોય અથવા સત્તા પરિવર્તનની તરફેણમાં ન હોય ત્યારે ઓછા મતદારો બુથ પર વોટ આપવા માટે જતા હોય છે. જ્યારે મતદાનની ટકાવારીમાં વધારો એ સત્તા પરિવર્તનના સંકેત તરીકે જોવામાં આવે છે. જોકે ગુજરાતમાં આ વખતે AAP પણ ચૂંટણીના મેદાનમાં હોવાથી આ ઓછું મતદાન કોની તરફેણ જશે તે હાલ ચોક્કસપણે કહી શકાય તેમ નથી. એવામાં ત્રણેય પાર્ટીના નેતાઓના ધબકારા હાલ તો વધી ગયા છે. ત્યારે હવે 8મી ડિસેમ્બરે મતગણતરી બાદ જ ચોક્કસ ચિત્ર સ્પષ્ટ થશે.
કયા જિલ્લામાં કેટલું મતદાન થયું?
ગુજરાતમાં પ્રથમ ચરણમાં નર્મદા જિલ્લામાં સૌથી વધુ 78.24 ટકા મતદાન થયું. જ્યારે બોટાદમાં સૌથી ઓછું 57.58 ટકા મતદાન થયું. સુરતમાં 62.27, નવસારીમાં 71.06, વલસાડમાં 63.14, તાપીમાં 76.91, કચ્છમાં 59.80, મોરબીમાં 69.95 ટકા, જામનગરમાં 58.42, પોરબંદરમાં 59.51 ટકા, ગીર સોમનાથમાં 65.93 ટકા, અમરેલીમાં 57.59 ટકા મતદાન થયું હતું.
ભાજપે જીતેલી 50 બેઠકો પર વોટિંગ ઘટ્યું
વર્ષ 2017ના ચૂંટણી પરિણામ પર નજર કરીએ તો કુલ 89 પૈકી 50 બેઠકો ભાજપને મળી હતી અને તેમાં આ વખતે 8 ટકા જેટલું મતદાન ઓછું થયું છે અને કુલ સરેરાશ 60 ટકા જેટલું મતદાન નોંધાયું છે. તેની સામે કોંગ્રેસે જીતેલી કુલ 36 બેઠકો પર 6.50 ટકા જેટલું મતદાન નીચું ગયું છે અને આ બેઠકો પર કુલ મતદાન 61 ટકા જેટલું રહ્યું છે.
પાટીદાર બેઠકો પર મતદાન ઘટ્યું
વર્ષ 2017માં 23 પાટીદાર બેઠકો પર 64.43 ટકા સરેરાશ મતદાન થયું હતું જ્યારે આ વખતે મતદાન ઘટીને 58.59 ટકા થયું હતું. 2017માં આ 23 બેઠકોમાંથી ભાજપને 11, કોંગ્રેસને 12 બેઠકો મળી હતી. બીજી તરફ 14 આદિવાસી બેઠકો પર પણ મતદાન ઘટ્યું છે. વર્ષ 2017માં આ વિસ્તારોમાં 77.83 ટકા મતદાન થયું હતું, તેની સામે આ વખતે 69.86 ટકા મતદાન થયું છે. 2017માં આ 14 બેઠકોમાંથી ભાજપને 5, કોંગ્રેસને 7 અને બે બેઠકો અન્યના ફાળે રહી હતી.
કોંગ્રેસના ગઢમાં સૌથી વધુ મતદાન
2022ની ચૂંટણીમાં કોંગ્રેસનો ગઢ ગણાતા તાપી જિલ્લામાં સૌથી વધુ મતદાન થયું છે. તાપીની વ્યારા બેઠકો પર 65.97 અને નિઝરમાં 77.87 ટકા મતદાન થયું છે. PM મોદીએ આ વખતે આદિવાસી વિસ્તારમાં વધુ સભાઓ અને રેલીઓ કરીને મતદારોને રીઝવવાનો પ્રયાસ કર્યો હતો. ત્યારે આ મતદાનના વધેલા આંકડા કઈ પાર્ટીને ફળતે તે તો 8મી તારીખે જ જાણી શકાશે.
ADVERTISEMENT