અમદાવાદ: ગુજરાતમાં આજે ચૂંટણી પંચે ચૂંટણીની તારીખો જાહેર કરી દીધી છે. જે મુજબ ગુજરાતમાં 1 ડિસેમ્બરે પ્રથમ અને 5મી ડિસેમ્બરે બીજા તબક્કાનું મતદાન યોજાશે. જ્યારે ચૂંટણીના પરિણામો 8 તારીખે જાહેર થશે. ચૂંટણી લડવા ઈચ્છતા ઉમેદવારો 14થી 17 નવેમ્બર સુધીમાં નામાંકન ભરી શકશે અને 17થી 21 નવેમ્બર વચ્ચે તેઓ નામાંકન પાછું ખેંચી શકે છે. ત્યારે ચૂંટણીની તારીખો જાહેર થતાની સાથે જ રાજ્યમાં આચારસંહિતા લાગુ થઈ ગઈ છે.
ADVERTISEMENT
રાજ્યમાં કુલ 4.90 કરોડ મતદારો
કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા તાજેતરમાં જ ખાસ મતદાર સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ યોજાયો હતો. જે બાદ 10મી ઓકટોબર, 2022ના રોજ આખરી મતદારયાદી પ્રસિધ્ધ કરવામાં આવી છે. જે મુજબ રાજ્યમાં કુલ 4,90,89,765 મતદારો નોંધાયા છે. જેમાં 1417 જેટલા ટ્રાન્સજેન્ડર મતદારોનો પણ સમાવેશ થાય છે. જેઓ આગામી વિધાનસભા ચૂંટણીમાં પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. કુલ મતદારોમાં 2,53,36,610 પુરૂષ અને 2,37,51,738 મહિલા મતદારો નોંધાયા છે. કુલ 11,62,528 જેટલા નવા મતદારો નોંધાયા છે.
આ વખતે 4.6 લાખથી વધુ યુવા મતદારો પહેલીવાર વોટ આપશે
નોંધનીય છે કે, આ વખતે રાજ્યમાં 18 થી 19 વય જૂથમાં 4.61 લાખથી વધુ યુવા મતદારોએ નોંધણી કરાવી હોવાનું સામે આવ્યું હતું. આ યુવા મતદારો પૈકી 2.68 લાખથી વધુ યુવા પુરૂષ અને 1.93 લાખથી વધુ યુવા મહિલા મતદારોનો સમાવેશ થાય છે. તેવી જ રીતે 20 થી 29 વર્ષના વય જુથમાં કુલ 4.03 લાખથી વધુ નવા મતદારો નોંધાયા છે. જેમાં પુરૂષ મતદારો 1.45 લાખથી વધુ અને 2.57 લાખથી વધુ મહિલા મતદારોનો સમાવેશ થાય છે.
ગુજરાતમાં કેમ ચૂંટણીની તારીખ મોડી જાહેર થશે?
ગુજરાતમાં દિવાળી પહેલા ઘણા સરકારી કાર્યક્રમો બાકી હતા. ગત 18થી 22 ઓક્ટોબર સુધી ગાંધીનગરમાં ડિફેન્સ ઓક્સપોનું આયોજન કરવામાં આવેલું. અગાઉ આ એક્સપો માર્ચમાં યોજાવાનો હતો, પરંતુ વિવિધ કારણોસર તેને પાછો ખસેડવામાં આવ્યો હતો. જ્યારે કેટલાક સરકારી કાર્યો પણ બાકી હતા. એવામાં ગુજરાતની ચૂંટણીની તારીખો હિમાચલ પ્રદેશની ચૂંટણીની તારીખો સાથે નહોતી કરવામાં આવી.
ADVERTISEMENT