ગુજરાત બન્યું રાજનીતિનો અખાડો, કેજરીવાલ પછી PM મોદી, અમિત શાહ અને રાહુલ ગાંધી પણ રાજ્યનાં પ્રવાસે…

અમદાવાદઃ ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022નો રોમાંચ અત્યારે દિવસેને દિવસે વધતો જઈ રહ્યો છે. ગુજરાતનો ગઢ ભાજપનો છે એને જીતવા માટે અત્યારે કોંગ્રેસ સિવાય આમ આદમી…

gujarattak
follow google news

અમદાવાદઃ ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022નો રોમાંચ અત્યારે દિવસેને દિવસે વધતો જઈ રહ્યો છે. ગુજરાતનો ગઢ ભાજપનો છે એને જીતવા માટે અત્યારે કોંગ્રેસ સિવાય આમ આદમી પાર્ટી પણ પોતાનું એડી ચોટીનું જોર લગાવી રહી છે. તેવામાં અરવિંદ કેજરીવાલે આક્રમક રણનીતિ અપનાવી રોજગારી, મોંઘવારી તથા હોસ્પિટલ અને ખેડૂતોના મુદ્દા ઉઠાવીને વિવિધ ગેરન્ટીઓ આપી છે. હવે કેજરીવાલના આ પ્રવાસ પછી ગુજરાતની જનતાની મુલાકાત કરવા માટે વિવિધ પાર્ટીઓના દિગ્ગજ નેતાઓ પણ ગુજરાત પ્રવાસે આવશે. જેમાં PM નરેન્દ્ર મોદી, અમિત શાહ અને રાહુલ ગાંધી ગુજરાત પ્રવાસે આવી પોતાની પાર્ટીની રણનીતિ ઘડશે. જાણો વિગતવાર માહિતી….

અમિત શાહ ગુજરાત પ્રવાસે આવશે…
અમિત શાહ છઠ્ઠી ઓલ ઈન્ડિયા પ્રિઝન ડ્યૂટી મીટનું ઉદ્ઘાટન કરવાની સાથે ચૂંટણીલક્ષી કાર્યની સમીક્ષા કરવા માટે અમદાવાદ પ્રવાસે આવશે. પ્રાથમિક માહિતી પ્રમાણે ભાજપના દિગ્ગજ નેતા અમિત શાહ 4 સપ્ટેમ્બરે ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે. નોંધનીય છે કે અગાઉ ઓગસ્ટમાં પણ તેઓ ગુજરાતમાં આવ્યા હતા. આ દરમિયાન તેમણે સંસદીય વિસ્તારોમાં થયેલા વિકાસ કાર્યોની પણ ચર્ચા કરી હતી. તેવામાં હવે અમિત શાહ 4 સપ્ટેમ્બરથી આયોજિત ઈન્ડિયા પ્રિઝન ડ્યૂટી મીટમાં ભાગ લેશે. નોંધનીય છે કે આનું આયોજન 15 વર્ષ પછી ઈકા ક્લબ કાંકરીયા ખાતે થવા જઈ રહ્યું છે.

રાહુલ ગાંધી આવશે ગુજરાત પ્રવાસે, કોંગ્રેસે શરૂ કરી તડામાર તૈયારી
આમ આદમી પાર્ટીએ જેવી રીતે આક્રમક રીતે પોતાનો ચૂંટણી પ્રચાર શરૂ કરી દીધો છે. એને જોતા કોંગ્રેસની તૈયારીઓ થોડી ફિક્કી નજરે પડી રહી છે. જોકે હવે કોંગ્રેસ મોંઘવારી અને બેરોજગારીનો મુદ્દો ઉઠાવીને ભાજપ પર નિશાન સાધી રહી છે. તેવામાં 15 સપ્ટેમ્બરે કોંગ્રેસ પોતાના ઉમેદવારોની યાદી બહાર પાડશે એવી પ્રાથમિક માહિતી પણ મળી રહી છે. આ દરમિયાન 5 સપ્ટેમ્બરે રાહુલ ગાંધી ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે, તેવામાં અમદાવાદ પહોંચી તેઓ સંવાદ કાર્યક્રમમાં જોડાશે. બીજી બાજુ કોંગ્રેસની પાર્ટી પણ વધુ એક્ટિવ થઈ ગઈ છે અને ગુજરાત બંધની જાહેરાત સાથે લોકોને જાગૃત કરી ઠેર ઠેર મોંઘવારી અને બેરોજગારીના મુદ્દે કાર્યક્રમોનું આયોજન કરશે.

વડાપ્રધાન મોદી અમદાવાદ આવશે
10 સપ્ટેમ્બરે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમદાવાદ ખાતે સાયન્સસિટીની મુલાકાત લેશે. આ દરમિયાન તેઓ સાયન્સસિટી ખાતે આયોજિત વિજ્ઞાન પરિષદનું ઉદ્ઘાટન કરશે. અગાઉ નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાત આવ્યા હતા ત્યારે તેમણે કમલમ ખાતે તાત્કાલિક બેઠક બોલાવી દીધી હતી. જેમાં મોટાભાગના ભાજપના હોદ્દેદારોએ હાજરી આપી હતી. જેથી અટકળો લગાવાઈ રહી હતી કે વડાપ્રધાન મોદી ચૂંટણીલક્ષી કાર્યો અંગે કાર્યકર્તાઓ અને દિગ્ગજ નેતાઓને માર્ગદર્શન આપી રહ્યા છે.

વળી PM મોદી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ એક જ ગાડીમાં સવાર થયા હતા. આ દરમિયાન તેમના વચ્ચે ચૂંટણીલક્ષી કાર્યોની ચર્ચા થઈ હોવાનું પણ અનુમાન લગાવાઈ રહ્યું છે. વળી આની સાથે તેમણે પોતાના કાર્યક્રમમાં ફેરફાર કરીને દિલ્હી જવાના બદલે અચાનક કમલમ ખાતે મીટિંગ બોલાવી ભાજપના હોદ્દેદારોને સૂચન આપ્યું હતું. જેના કારણે અનેક અટકળોનો દોર શરૂ થઈ ગયો હતો. તેવામાં વડાપ્રધાન મોદી હવે આ ગુજરાત પ્રવાસ દરમિયાન ચૂંટણીલક્ષી કાર્યક્રમોની સમીક્ષા કરી શકે છે.

    follow whatsapp