અમદાવાદ: ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી પહેલા કોંગ્રેસ આક્રામક મૂડમાં આવી ગઈ છે. મોંઘવારી, બેરોજગારી સહિતના વિવિધ મુદ્દાઓને લઈને રાજ્યભરમાં આજે સવારે 8થી 12 વાગ્યા સુધી કોંગ્રેસ દ્વારા બંધનું એલાન આપવામાં આવ્યું છે. કોંગ્રેસ દ્વારા બંધને સફળ બનાવવા માટે પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. ત્યારે જુદા જુદા જિલ્લાઓમાં કોંગ્રેસના આગેવાનો દુકાનો, શાળા-કોલેજો બંધ કરાવવા નીકળ્યા હતા. જે બાદ પોલીસ દ્વારા તેમની અટકાયત કરવામાં આવી હતી.
ADVERTISEMENT
નવસારીમાં કોંગી કાર્યકરોની અટકાયત થતા જ વેપારીઓએ દુકાન ફરી ખોલી
નવસારીમાં જિલ્લા કોંગ્રેસ દ્વારા રેલવે સ્ટેશન વિસ્તારમાં કોંગ્રેસ અગ્રણીઓ બંધનું પાલન કરાવવા નીકળ્યા હતા. જોકે તેમની અપીલના પગલે સ્ટેશન વિસ્તારમાં કેટલાક વેપારીઓએ દુકાનો બંધ કરી દીધી હતી. એટલામાં જ શહેર પોલીસે આવીને તમામ કાર્યકરોની અટકાયત કરી લીધી હતી. પોલીસ દ્વારા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ સહિત તમામ અગ્રણીઓને ટીંગાટોળી કરી લઈ જવામાં આવ્યા હતા. કોંગ્રેસના આગેવાનો ડિટેઈન થતા જ વેપારીઓએ ફરી દુકાનના શટર ઊંચા કરી દીધા હતા.
જામનગરમાં શાળા-કોલેજો બંધ કરાવી
બીજી તરફ જામનગરમાં NSUI અને યુથ કોંગ્રેસ દ્વારા શાળા-કોલેજ બંધ કરાવાઈ હતી. ડી.કે.વી, પંચવટી અને મહિલા કોલેજ ઉપરાંત અનેક ખાનગી શાળાઓ બંધ કરાવાઈ હતી. જોકે કોલેજ બંધ કરાવતા સમયે પોલીસ અને NSUIના કાર્યકરો વચ્ચે ચકમક ઝરી હતી. જે બાદ ચાર જેટલા કાર્યકરોની પોલીસ દ્વારા અટકાયત કરાઈ હતી.
હાઈવે પર ટાયર સળગાવી વિરોધ
જ્યારે ભરુચ-દહેજ રોડ પર કોંગ્રેસ દ્વારા ટાયરો સળગાવીને વિરોધ કરવામાં આવ્યો હતો. જ્યારે વિરમગામમાં કોંગ્રેસના ધારાસભ્ય લાખાભાઇ ભરવાડ બજાર બંધ કરાવવા જતા તેમની અટકાયત કરાઈ છે.
(વિથ ઈનપુટ: રોનક જોશી/નવસારી અને દર્શન ઠક્કર/જામનગર)
ADVERTISEMENT