Analysis: ‘હમ તો ડૂબે સનમ, તૂજે ભી લે ડૂબેંગે’, AAPએ કોંગ્રેસના વોટ કાપ્યા, અને ભાજપ ફાવી ગયું

અમદાવાદ: ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીમાં ભાજપની પ્રચંડ 156 સીટથી જીત થઈ. ગુજરાતમાં પહેલીવાર કોઈ પાર્ટીને 150થી વધુ સીટ મળી છે. ત્યારે કોંગ્રેસને પણ સૌથી ભૂંડી હારનો…

gujarattak
follow google news

અમદાવાદ: ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીમાં ભાજપની પ્રચંડ 156 સીટથી જીત થઈ. ગુજરાતમાં પહેલીવાર કોઈ પાર્ટીને 150થી વધુ સીટ મળી છે. ત્યારે કોંગ્રેસને પણ સૌથી ભૂંડી હારનો સામનો કરવો પડ્યો છે. જોકે કોંગ્રેસની શરમજનક હારમાં AAPની ભૂમિકા મોટી સાબિત થઈ છે. 2017ની ચૂંટણીમાં ભાજપને 49 ટકા વોટ મળ્યા હતા, જે આ વખતે વધીને 52.5 ટકા થયા છે, જ્યારે કોંગ્રેસનો વોટશેર 41.4 ટકાથી ઘટીને સીધો 27.28 ટકા થઈ ગયો છે. જ્યારે AAPને 12.92 ટકા વોટ મળ્યા છે. આ જોતા કોંગ્રેસના વોટમાં AAPએ મોટું ગાબડું પાડ્યું છે. ત્યારે અહીં ગુજરાતમાં બહુમતીથી સરકાર બનાવવાનો દાવો કરતી કેજરીવાલની AAPએ કાઈ ખાસ ઉકાળ્યું નથી, પરંતુ તેણે કોંગ્રેસનો પણ ખેલ બગાડતા ગુજરાતની રાજનીતિમાં ‘હમ તો ડૂબે હૈ સનમ, તુઝે ભી લે ડૂબેંગે’ જેવો ઘાટ સર્જાયો છે.

કોંગ્રેસના 14.12 ટકા વોટ શેર ઘટ્યા, AAPના 12.92 ટકા વધ્યા
ગુજરાતની 182 બેઠકોમાંથી બે બેઠકો પર ભાજપ અને કોંગ્રેસનું જીતનું માર્જિન 500થી 1000 મત વચ્ચે હતું. અહીં AAPએ બંને પાર્ટીના વોટ તોડ્યા છે. કોંગ્રેસના 14.12 ટકા વોટશેર ઘટતા જ સીધી 60 બેઠકો ઘટી ગઈ, જ્યારે ભાજપને 3.4 ટકા વોટશેર વધ્યા અને બેઠકોમાં 57 સીટનો ફાયદો થયો. જ્યારે સોશિયલ મીડિયામાં હવા ઊભી કરનારી આમ આદમી પાર્ટીએ 12.92 ટકા વોટશેર મેળવ્યો અને 5 સીટ જીતી.

GPP જેવું કામ કેજરીવાલની પાર્ટીએ કર્યું
આ પરિણામને જોતા ગુજરાતમાં કેજરીવાલની AAPએ પણ 2012ની GPP જેવું જ કામ કર્યું હોય તેમ સ્પષ્ય જણાય છે. તે વખતે કેશુભાઈ પટેલ અને ગોરધન ઝડફિયાની ગુજરાત પરિવર્તન પાર્ટીએ ભાજપ વિરોધી મત પોતાના તરફ ખેંચીને ભાજપની જીતમાં મોટી ભૂમિકા ભજવી હતી. ત્યારે આ ચૂંટણીમાં કેજરીવાલની પાર્ટીએ ભાજપ વિરોધના મતો પોતાની તરફ ખેંચીને ભાજપને જ ફાયદો કરાવ્યો હોય તેવું સ્પષ્ય થઈ રહ્યું છે.

કોંગ્રેસને વિધાનસભામાં વિપક્ષનું સ્થાન પણ નહીં મળે?
ગુજરાતમાં ભાજપના વાવાઝોડામાં કોંગ્રેસના હાલ બેહાલ થઈ ગયા છે. એવામાં હવે તેને વિધાનસભામાં વિરોધ પક્ષનું પણ પદ ન મળે તેવી સ્થિતિ સર્જાઈ છે. વિધાનસભામાં વિપક્ષમાં બેસવા માટે કોંગ્રેસને આછોમાં ઓછી 19 બેઠકો જીતવી જરૂરી હતી, પરંતુ તે 17 બેઠકો જ જીતી શકી છે. એવામાં વિધાનસભામાં પણ કોંગ્રેસનું સ્થાન હાંસિયામાં ધકેલાઈ શકે છે.

કઈ પાર્ટીને કેટલા મત મળ્યો?
ગુજરાતની ચૂંટણીમાં 156 સીટો જીતનારી ભાજપને 1.67 કરોડ વોટ અને 52.50 ટકા વોટ શેર મળ્યો છે. જ્યારે કોંગ્રેસને 86.83 લાખ વોટ, આમ આદમી પાર્ટીને 41.12 લાખ વોટ, નોટાને 5.01 લાખ વોટ જ્યારે અન્યને 13.81 લાખ વોટ મળ્યા હતા.

    follow whatsapp