વડોદરા: દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ (Arvind Kejriwal) આજે ગુજરાતની મુલાકાતે છે. વડોદરામાં તેઓ શિક્ષકો અને વાલીઓ સાથે સંવાદ કરવાના છે. આજે બપોરે તેઓ વડોદરા પહોંચ્યા હતા, જ્યાં તેમણે એક પ્રેસ કોન્ફરન્સને સંબોધી હતી. આ દરમિયાન તેમણે ભાજપનો ગઢ ગણાતી 66 જેટલી સીટોમાંથી તમામ નહીં જીતે તેવો દાવો કર્યો હતો.
ADVERTISEMENT
‘ભાજપ શહેરી વિસ્તારમાં 66માંથી તમામ સીટો નહીં જીતે’
અરવિંદ કેજરીવાલે કહ્યું કે, ગુજરાતમાં એવો માહોલ બની ગયો છે કે ભાજપને તકલીફ થવાની છે. કહેવાય છે કે શહેરી વિસ્તારમાં આ લોકોની 66 સીટો એવી છે જેના પર ભાજપ ક્યારેય હારી નથી. આ વખતે આ 66 સીટો પર પણ આ લોકોને ખૂબ તકલીફ પડશે, બધી સીટો નથી જીતી રહ્યા. એટલે સ્પષ્ટ છે કે આ લોકો મારી વિરુદ્ધ નારા તો લગાવડાવશે જ. રાહુલ ગાંધી આવ્યા ત્યારે તેમની સામે નારા ન લગાવ્યા. બંને એક થઈને કેજરીવાલ સામે લડી રહ્યા છે.
કાર્યક્રમ માટે 3 દિવસમાં 13 જગ્યાઓ બદલવી પડી
આ સાથે જ તેમણે પોતાના કાર્યક્રમ માટે જગ્યાઓ બદલવા અંગે નિવેદન આપતા કહ્યું કે, 3 દિવસમાં 13 જગ્યાઓ અમારે બદલવી પડી. આ લોકોએ ફોન કરીને લોકોને ધમકાવ્યા. અમે એકબીજાના દુશ્મન નથી આપણે પક્ષ અને વિપક્ષ છીએ. આ લોકો ગુંડાગર્દી કરે છે. ગુજરાતની જનતા પણ ગુંડાગર્દીથી પરેશાન છે.
શ્રી શ્રી રવિશંકરના સમર્થકોએ લગાવ્યા મોદી-મોદીના નારા
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ આજે વડોદરામાં સમા-સાવલી રોડ પર આવેલા પ્રીત પાર્ટી પ્લોટમાં વાલીઓ અને શિક્ષકો સાથે સંવાદ કરશે. આ માટે તેઓ આજે બપોરે દિલ્હીથી વડોદરા પહોંચ્યા હતા. શ્રી શ્રી રવિશંકર પણ આજે વડોદરા આવી રહ્યા છે એવામાં તેમના સમર્થકો પણ ત્યાં ઉપસ્થિત હતા. જેવા કેજરીવાલ એરપોર્ટથી બહાર નીકળે છે શ્રી શ્રી રવિશંકરના અનુયાયીઓએ ત્યાં જ મોદી-મોદીના નારા લગાવી અરવિંદ કેજરીવાલનો વિરોધ કર્યો હતો.
ADVERTISEMENT