અમદાવાદઃ ગુજરાત ATS દ્વારા રાજ્યની બહાર પણ ડ્રગ્સ વિરોધી મોટા રેકેટનો પર્દાફાશ કરી દીધો છે. ATSની ટીમે ડ્રગ્સ પકડવા મુદ્દે નવી દિલ્હીમાંથી અફઘાની શખસ પાસેથી 4 કિલો હેરોઈનનો જથ્થો પકડી પાડ્યો છે. એટલું જ નહીં દિલ્હીના વસંતકુંજથી પકડાયેલા આ શખસ પાસેથી અંદાજીત 20 કરોડ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરી લીધો છે. તેવામાં ગુજરાતના દરિયાઈ સીમા બાદ હવે રાજ્ય બહાર પણ ATSની ટીમે મોટી સફળતા પાર પાડી છે.
ADVERTISEMENT
અફઘાનિસ્તાનથી ડ્રગ્સ સપ્લાય વિશ્વભર માટે ચિંતાજનક
ગુજરાતની વાત કરીએ તો અમદાવાદમાંથી જ લગભગ 100થી વધુ ડ્રગ્સ પેડલરોની ધરપકડ કરવામાં આવી છે. તેવામાં ગુજરાતમાં જે પ્રમાણે કથિત એન્ટી ડ્રગ્સ મિશન ચાલી રહ્યું છે એ અંતર્ગત હવે વિવિધ એજન્સીઓ ડ્રગ ડિલરને પકડી રહી છે. નોંધનીય છે કે અત્યારનો યુવા વર્ગ ડ્રગ્સનો બંધાણી થતો જઈ રહ્યો છે. અહીં ચરસ, એમ.ડી.ડ્રગ્સ લેવાનું પ્રમાણ સતત વધી રહ્યું છે. તેવામાં માત્ર અમદાવાદ શહેરની વાત કરીએ તો અહીં આ વર્ષે 24 કેસ નોંધી 70થી વધુ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.
ગુજરાત પોલીસે મોટાભાગનાં ડ્રગ્સ નેટવર્કને તોડી નાખ્યું
ગુજરાત પોલીસ સતત મધદરિયે ડ્રગ્સની હેરાફેરી કરતી બોટ પર ચાપતી નજર રાખે છે. આ દરમિયાન જો ભૂલથી પણ કોઈ ઈરાની તથા પાકિસ્તાની બોટ ડ્રગ્સ સાથે ગુજરાત-ભારતની મરિન સીમામાં પહોંચે તો જોઈન્ટ ઓપરેશન અંતર્ગત ગુજરાત પોલીસ તેમને ઝડપી પાડે છે. હ્યુમન ઈન્ટેલિજેન્સ અને ટેક્નિકલ સર્વિલાન્સના કારણે આ તમામ ડ્રગ્સ રેકેટનો પર્દાફાશ થાય છે.
નાર્કો રિવોર્ડ પોલીસી ગેમ ચેન્જર રહી…
ગુજરાત એવું પહેલું રાજ્ય છે જ્યાં નાર્કો રિવોર્ડ પોલીસી છે, એટલે કે આ અંતર્ગત જે ડ્રગ્સ અંગે માહિતી આપે છે એને મોટી રકમ ભેટ આપવામાં આવે છે અને નામ પણ ગુપ્ત રખાય છે. અત્યારે જે ડ્રગ્સ માફિયાઓ સાથે કામ કરે છે તે લોકો જ ગુજરાત ATSને જાણકારી આપી દેતા હોય છે.
ડ્રગ્સ માફિયા માટે ગુજરાત ટ્રાન્ઝિટ પોઈન્ટ કેમ છે…
ગુજરાતના 1600 કિલોમીટરનાં દરિયાકાંઠ પર 17 નોન મેજર પોર્ટ આવ્યા છે જે કાર્ગોને હેન્ડલ કરે છે. આના પર અરેબિયન દેશો વિવિધ વસ્તુઓ પોર્ટ કરવાની સાથે હેરોઈન અને ડ્રગ્સ પણ અહીં મોકલી દેતા હોય છે. ગુજરાત મારફતે સૌથી સરળતાથી ડ્રગ્સને દેશમાં સપ્લાય કરાતો હતો. અહીં કન્ટેનર મારફતે દેશના દક્ષિણ કે પૂર્વ કોઈ પણ રાજ્યમાં એક્સપોર્ટ કરી દેવાય છે. એટલું જ નહીં ગુજરાતના પોર્ટ પરથી અન્ય કોઈ દેશ માટે પણ ડ્રગ્સના જથ્થા પહોંચાડવા વધુ સરળ રહે છે. જેથી આ તમામ ફેક્ટરને ધ્યાનમાં રાખતા ડ્રગ્સ માફિયા માટે ગુજરાત ફેવરિટ પોઈન્ટ બની રહ્યો હતો. જોકે ડ્રગ્સ સામે અત્યારે જે કડક પગલાં ભરાય છે એનાથી પાકિસ્તાન અને અન્ય દેશના ડ્રગ્સ માફિયાઓમાં ભય ફેલાઈ ગયો છે.
ADVERTISEMENT