વનકર્મીઓની હડતાળથી વન વ્યવસ્થા ખોરવાઈ, સિંહોને સાચવવા સરકારે હવે પોલીસ તૈનાત કરી

ભાર્ગવી જોશી/જુનાગઢ: રાજ્યભરના વન કર્મચારીઓ હડતાળ પર ઉતરી જવાના કારણે હાલ ગુજરાતના અને ખાસ કરીને વન્ય વિસ્તારોમાં વન વ્યવસ્થા ખોરવાઈ છે. છેલ્લા બે દિવસથી વન કર્મીઓ…

gujarattak
follow google news

ભાર્ગવી જોશી/જુનાગઢ: રાજ્યભરના વન કર્મચારીઓ હડતાળ પર ઉતરી જવાના કારણે હાલ ગુજરાતના અને ખાસ કરીને વન્ય વિસ્તારોમાં વન વ્યવસ્થા ખોરવાઈ છે. છેલ્લા બે દિવસથી વન કર્મીઓ પડતર માગણીઓને લઈને હડતાળ પર છે. એવામાં હવે સૌરાષ્ટ્રમાં સિંહોની સુરક્ષા માટે સરકારે પોલીસને તૈનાત કરવાની ફરજ પડી છે.

બે દિવસથી હજારો વનકર્મીઓ હડતાળ પર
ગ્રેડ-પે, બઢતી સહિતની પડતર માગણીઓ મુદ્દે સરકાર સમક્ષ વારંવાર રજૂઆત બાદ પણ કોઈ ઉકેલ ન આવતા મંગળવારથી વનકર્મીઓ હડતાળ પર ઉતર્યા છે. એવામાં વન્ય પ્રાણીઓ સંબંધિત વ્યવસ્થાઓનું સંચાલન, દેખરેખ માટે અધિક પોલીસ મહાનિર્દેશક-એડિશનલ DGPએ રાજ્ય પોલીસ તંત્રને આદેશ કર્યો છે.

પોલીસને સોંપાઈ ત્રણ જિલ્લામાં સિંહોની દેખરેખની જવાબદારી
પડતર માગણીઓને લઈને 75 ટકા જેટલા વનરક્ષક અને વનપાલ સંવર્ગના કર્મચારીઓ ફરજ પર જોડાયા નહોતા. એવામાં ફોરેસ્ટ ફોર્સના ચીફ અને પ્રિન્સિપાલ ચીફ કન્ઝર્વેટર ઓફ ફોરેસ્ટએ રાજ્યના પોલીસ વડાને પત્ર લખ્યો હતો. જેમાં પોલીસને જૂનાગઢ, અમરેલી તથા ભાવનગરમાં વસતા સિંહોના સંરક્ષણમાટે સ્થાનિક અધિકારીના સંકલનમાં રહીને કામગીરી કરવા માટે સૂચના આપવા વિનંતી કરાઈ હતી. એવામાં વનકર્મીઓની હડતાળના કારણે હવે પોલીસ સિંહોની પણ સુરક્ષા કરશે.

વન કર્મીઓની આ ચાર મુખ્ય માગણીઓ
હડતાળ પર ઉતરેલા વનકર્મીઓની મુખ્ય ચાર માગણીઓ છો. જેમાં ગ્રેડ-પે, રજાઓની સમસ્યાનું સમાધાન કરવાની માગણી, બઢતીનો રેશિયો 1:3 કરવાની માગણી અને પોલીસને મળી રહેલી તમામ સુવિધાઓનો લાભ તમામ વનકર્મીઓને પણ મળે વગેરે છે. નોંધનીય છે કે હાલમાં ફોરેસ્ટરોને 1800 ગ્રેડ પે મળી રહ્યો છે, જે ખૂબ ઓછો હોવાનું કહેવાય છે.

    follow whatsapp