ગાંધીનગર: ગુજરાત વિધાનસભામાં ગુરુવારે અદાણીનો મુદ્દો ચર્ચામાં આવ્યો હતો. રાજ્યના અનુસૂચિત જાતિના યુવાન અને યુવતીઓને સ્કીલ ડેવલપમેન્ટની તાલીમ માટે સરકારે અદાણી સાથે કરાર કર્યા હતા. ખાસ વાત એ છે કે વગર ટેન્ડરે સરકારે રૂ.14 કરોડથી વધુની રકમના કરાર કર્યા છે. આટલું જ નહીં 2019માં કરેલા આ કરાર બાદ આજ સુધી એકપણ યુવાન કે યુવતીને તાલીમ અપાઈ નથી તેમ છતાં રૂ.8 લાખની રકમ ચૂકવી દેવામાં આવી છે.
ADVERTISEMENT
વિધાનસભામાં બહાર આવી વિગત
વિધાનસભામાં સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રીએ આ હકીકતનો સ્વીકાર કરતા કબૂલ્યું હતું કે વિભાગ અને તેના તાબા હેઠળના અનુસૂચિત જાતિ કલ્યાણ નિયામકની કચેરી દ્વારા અદાણી સ્કીલ ડેવલપમેન્ટ સાથે તાલીમ માટે 2019માં કરાર કરવામાં આવ્યા હતા.
AAPના MLAએ સવાલ પૂછ્યો હતો
ગૃહમાં AAPના જામજોધપુરના ધારાસભ્ય હેમંત ખાવાએ પૂછેલા એક પ્રશ્નના જવાબમાં મંત્રીએ લેખિતમાં જણાવ્યું હતું કે, અદાણી સાથે રૂ.13.98 કરોડના કરાર થયા હતા. જે પૈકી સરકારે બે વર્ષમાં 7.87 લાખ રૂપિયા ચૂકવી દીધા છે, તેમ છતાં હજુ સુધી કોઈને તાલીમ આપવામાં આવી નથી.
ટેન્ડર વિના જ સીધો અદાણીને 14 કરોડનો કોન્ટ્રાક્ટ
આ કરાર કે હુકમ માટે કોઈ ટેન્ડર પ્રક્રિયા કરવામાં આવી હતી કે કેમ? તેવા પ્રશ્નના જવાબમાં મંત્રીએ લેખિતમાં ઈનકાર કર્યો હતો. જ્યારે આટલા રૂપિયા ખર્ચ કર્યા બાદ કેટલા લોકોને તાલીમ આપવામાં આવી છે તે પ્રશ્નના જવામાં 2021માં શૂન્ય અને 2022માં શૂન્ય યુવાન-યુવતીઓને તાલીમ અપાઈ છે.
બે વર્ષમાં કોઈ યુવક-યુવતીને નથી મળી તાલીમ
ખાસ વાત એ છે કે રૂ.5 લાખથી વધુની રકમના કોન્ટ્રાક્ટની સોંપણી વગર ટેન્ડરે થઈ શકતી નથી. ત્યારે રૂ.14 કરોડનું કામ અદાણીને કેવી રીતે સોંપાયું? ઉપરાંત જો એકપણ યુવાન કે યુવતીને તાલીમ આપવામાં નથી આવી તો પછી 8 લાખ રૂપિયાની ચૂકવણી શેના માટે કરાઈ તે પણ મોટો પ્રશ્ન થાય છે.
ADVERTISEMENT