સુરત: ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી પહેલા જ રાજકારણ ભારે ગરમાયું છે. રાજકીય પક્ષો દ્વારા એકબીજા પર આક્ષેપ-પ્રત્યાક્ષેપ કરવામાં આવી રહ્યા છે. આ વચ્ચે ગોપાલ ઈટાલિયાના એક ટ્વીટથી ભારે ખળભળાટ મચ્યો છે. ગોપાલ ઈટાલિયાએ એક ટ્વીટ કર્યું છે, જેમાં એક ચિઠ્ઠી છે. આ ચિઠ્ઠીમાં કહેવામાં આવ્યું છે કે, સુરતમાં SMCનો એક અધિકારી વર્ષનો તેમની પાસે આવીને રૂ.3000નો હપ્તો ઉઘરાવી જાય છે.
ADVERTISEMENT
દુકાનદારે ચિઠ્ઠી આપી હોવાનો ગોપાલ ઈટાલિયાનો દાવો
ગોપાલ ઈટાલિયાએ ટ્વીટમાં લખ્યું છે કે, ડોર-ટુ-ડોર પ્રચાર દરમિયાન એક દુકાનવાળાએ મને આ ચિઠ્ઠી આપી છે. આ ચિઠ્ઠીમાં લખ્યું છે કે, ‘ગોપાલભાઈ SMCમાં ફૂડ ઈન્સ્પેક્શન વિભાગમાંથી એક તોડબાજી કરતો વ્યક્તિ આવે છે અને આખા કતારગામની 350થી વધુ દુકાનોમાંથી દુકાનમાંથી દુકાન દીઠ રૂ.3000નો હપ્તો વર્ષ દીઠ ઉઘરાવીને જાય છે. પત્રમાં આગળ લખ્યું છે, દુકાનદારે મજબૂરમાં હપ્તો આપવો પડે છે, નહીંતર દુકાનને સીલ મારી, ડરાવી અને તોડબાજી કરી જાય છે.’ આ પત્રમાં અધિકારીનું નામ પણ લખવામાં આવ્યું છે.
અન્ય તોડકાંડની માહિતી આપવા કરી માંગ
ત્યારે આ બાબતને લઈને હવે AAP દ્વારા મુદ્દો બનાવવામાં આવી રહ્યો છે. ગોપાલ ઈટાલિયાએ ટ્વીટમાં કહ્યું છે કે, ‘કતારગામમાં ભાજપના ધારાસભ્ય અને તેમના મળતીયાના તોડકાંડની માહિતી આપવી હોય તો રાત્રે વડલા સર્કલ કાર્યાલય પર આવીને બંધ કવરમાં તમારી વિગતો મને આપજો.’
ADVERTISEMENT