અમદાવાદઃ ગોપાલ ઈટાલિયાએ વાઈરલ વીડિયો અંગે મીડિયા સાથેની વાતચીતમાં પોતાનુ નિવેદન આપ્યું હતું. આ દરમિયાન તેણે કહ્યું કે ભાજપ મુદ્દાઓથી દૂર કરવા માટે આવા જૂના વીડિયો લઈને મેદાનમાં આવી જાય છે. ભાજપ 27 વર્ષનો હિસાબ આપવા નથી માગતી એટલે આવા વીડિયોના સહારે લોકોને ગુમરાહ કરવા પ્રયત્ન કરી રહ્યા છે. વળી જો મારી ભાષા ખરાબ હોય તો મને ફાંસીએ ચઢાવી દો. ભાજપ મોંઘવારી, રોજગારીથી ભાગવા માટે આવા વીડિયો વાઈરલ કરે છે. અત્યારે મુદ્દો વીડિયો નથી પણ ગુજરાતને યોગ્ય વિકાસ મળે એ મુદ્દો છે.
ADVERTISEMENT
ઈટાલિયાએ કહ્યું…
વાઈરલ વીડિયો મુદ્દે ગોપાલ ઈટાલિયાએ કહ્યું કે જો મારી ભાષા ખરાબ હોય તો મને ફાંસીએ ચઢાવી દો. મને જેલ ભેગો કરો પરંતુ એ જવાબ ભાજપે જરૂર આપવો પડશે કે જનતાના કલ્યાણનું શું થશે. ભાજપ રોજગારી, શિક્ષણ અને લઠ્ઠાકાંડ મુદ્દે કોઈપણ પગલા ભરી રહી નથી. તેવામાં હવે મુદ્દા પરથી ભટકાવવામાં આવી રહ્યા છે. અત્યારે ચૂંટણી દરમિયાન વિકાસનો મુદ્દો હોવો જોઈએ આ જૂના અથવા ફેક વીડિયોના મુદ્દાથી ભાજપ ભટકાવવા પ્રયત્ન કરી રહી છે.
દોષી હોય તો ગોપાલને કડક સજા થવી જોઈએ- રાઘવ ચઢ્ઢા
રાઘવ ચઢ્ઢાએ ગોપાલ ઈટાલિયાના વાઈરલ વીડિયો અંગે નિવેદન આપતા કહ્યું કે ભાજપ હવે જૂના વીડિયો વાઈરલ કરીને અમને ટાર્ગેટ કરી રહી છે. ગોપાલ ઈટાલિયાએ બેરોજગારી, શિક્ષણ સહિતના વિકાસના મુદ્દા ઉઠાવ્યા એટલે એમના જૂના વીડિયો વાઈરલ કરી ટાર્ગેટ કરાઈ રહ્યા છે. પરંતુ જો ગોપાલ ઈટાલિયા દોષી હોય તો તેમને કડક સજા થવી જોઈએ.
વડાપ્રધાન અંગે વિવાદિત શબ્દોચ્ચાર
ગોપાલ ઈટાલિયાનો એક વિવાદિત વાણીવિલાસ કરતો વીડિયો અત્યારે સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ રહ્યો છે. જેને તેજેન્દ્રપાલ સિંહ બગ્ગાએ શેર કર્યો હતો અને હર્ષ સંઘવીએ રીટ્વિટ કર્યો. જેમાં પ્રાથમિક માહિતી પ્રમાણે આ વીડિયો ઘણો જૂનો છે. તેમાં ગોપાલ ઈટાલિયા ઝાડીઝાંખરાવાળા વિસ્તારમાં જોવા મળ્યા છે. આ દરમિયાન તેઓ ઉચ્ચ હોદ્દા પર બેઠા અને દેશના વડાપ્રધાન વિશે વિવાદત શબ્દોચ્ચાર કરતા સાંભળવા મળ્યા હતા.
ADVERTISEMENT