સુરતમાં 1 દિવસ પહેલા ખુલેલા AAPના કાર્યાલયનું મકાન તોડવા કોર્પોરેશન પહોંચ્યું, ગોપાલ ઈટાલિયાનો આક્ષેપ

સુરત: ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીને હવે ગણતરીના દિવસો જ બાકી છે. ચૂંટણીને લઈને તમામ પાર્ટીઓ પૂરજોશમાં પ્રચાર કાર્યમાં લાગી ગઈ છે. ત્યારે આક્ષેપ-પ્રત્યાક્ષેપ પણ લાગી રહ્યા…

gujarattak
follow google news

સુરત: ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીને હવે ગણતરીના દિવસો જ બાકી છે. ચૂંટણીને લઈને તમામ પાર્ટીઓ પૂરજોશમાં પ્રચાર કાર્યમાં લાગી ગઈ છે. ત્યારે આક્ષેપ-પ્રત્યાક્ષેપ પણ લાગી રહ્યા છે. આ વચ્ચે સુરતમાં આજે એક જનસભામાં ગોપાલ ઈટાલિયાએ એક દિવસ પહેલા જ ખુલ્લા મૂકેલા કાર્યાલયનું મકાન તોડવા કોર્પોરેશનની ટીમ બુલડોઝર લઈને પહોંચી હોવાનો આક્ષેપ કર્યો છે.

ચાલુ સભાએ ગોપાલ ઈટાલિયાએ શું કહ્યું?
ગોપાલ ઈટાલિયાએ કહ્યું કે, ગઈકાલે રાઘવ ચઢ્ઢાના હસ્તે 160મી વિધાનસભાનું કાર્યાલય કતારગામ ખાતે અમે ખુલ્લું મૂક્યું અને બહુ મોટી સંખ્યામાં એક રેલી કાઢી, વાજતે ગાજતે કાર્યાલય ખોલ્યું, એક નાની એવી જનસભા કરી અને તે વિધાનસભા વિસ્તારમાંથી બહુ બધા લોકો આવ્યા. જે મકાનમાં ગઈકાલે રાઘવજીના હાથે ઓપનિંગ કર્યું તે મકાન તોડવા માટે કોર્પોરેશન અત્યારે ચાલુ સભાએ ત્યાં પહોંચી ગઈ છે.

50 વર્ષ જૂનું મકાન તોડવા પહોંચ્યું કોર્પોરેશન
તેમણે વધુમાં કહ્યું કે, આ મકાન તો 50 વર્ષ જૂનું છે. અમે જ્યારે કાર્યાલય બનાવ્યું ત્યારે ભાજપવાળાને ખબર પડી કે આ તો હવે તોડવું પડે એમ છે. એટલે હવે આપણે બધાએ એ વિચારવાનું છે, એ મકાન તોડવું હોય તો તોડે, દિવાલ તોડવી હોય તો તોડે. આપણે ભેગા મળીને ભાજપનું અભિમાન તોડવાનું છે. ગઈકાલે કાર્યાલય ખોલ્યું આજે તોડવા આવી ગયા. કાલે કોઈને ઘર તોડી નાખશે, મકાન તોડી નાખશે. આટલી દાદાગીરી શા માટે?

વડોદરામાં પણ AAPના કાર્યક્રમ બાદ પાર્ટી પ્લોટમાં દબાણ હટાવાયું હતું
નોંધનીય છે કે, તાજેતરમાં જ વડોદરામાં પણ કેજરીવાલની સભાના થોડા દિવસો બાદ જે પાર્ટી પ્લોટમાં કાર્યક્રમ યોજાયો હતો ત્યાં દબાણ હટાવવા માટે કોર્પોરેશનની ટીમ પહોંચી હતી. જે બાદ આ મામલે આમ આદમી પાર્ટીએ ભાજપના ઈશારે આ કામ કરાયું હોવાનો આરોપ કર્યો હતો, ત્યારે આજે ફરીથી સુરતમાં પણ આ પ્રકારના દબાણ હટાવવાની કાર્યવાહી થતા ફરી AAP પર આક્ષેપ કરાયો છે.

    follow whatsapp