ગોંડલ વિધાનસભાની બેઠક પર જયરાજસિંહની મજબૂત પકડ છોડાવી શકશે અન્ય પક્ષ?

દિગ્વિજય પાઠક,  વડોદરા: ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી આડે હવે ગણતરીના દિવસો જ બાકી છે.  ત્યારે આ ચૂંટણી પહેલા ગુજરાતમાં રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. નારાજ…

gujarattak
follow google news

દિગ્વિજય પાઠક,  વડોદરા: ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી આડે હવે ગણતરીના દિવસો જ બાકી છે.  ત્યારે આ ચૂંટણી પહેલા ગુજરાતમાં રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. નારાજ નેતાઓ પક્ષ પલ્ટા કરવાના મૂડમાં છે તો બીજી તરફ ગુજરાતમાં આમ આદમી પાર્ટી ગુજરાતની તમામ બેઠક પર ચૂંટણી લડવા માટે તૈયાર છે. ગુજરાતની આ ચૂંટણી ત્રિ પાંખિયા જંગ સાથે રસપ્રદ બનશે. ગુજરાતમાં વિધાનસભાની કુલ 182 બેઠક છે. જેમાંથી રાજકોટ જિલ્લાની કુલ 8 વિધાનસભાની બેઠક છે. રાજકોટ જિલ્લો ગુજરાતના રાજકારણમાં ખુબ જ મહત્વનો ગણવામાં આવે છે. રાજકોટ જિલ્લાની વિધાનસભાની બેઠક પરથી ચૂંટણી લડનાર નેતા આગળ જતા વડાપ્રધાન, મુખ્યમંત્રી અને રાજ્યપાલ પણ બન્યા છે. ગોંડલ બેઠક હવે ભાજપના પક્ષમાં રહે છે. જયરાજસિંહ જાડેજાની આ બેઠક પર મજબૂત પકડ છે.

2017નું સમીકરણ
ગોંડલ બેઠક પર કુલ 228438 મતદારો છે. જેમાંથી 118218 પુરુષ મતદારો છે જયારે 110212 સ્ત્રી અને અન્ય 8 મતદારો છે. ગોંડલ બેઠકનું મતદાન પ્રથમ તબક્કામાં 9 ડિસેમ્બરના રોજ થયું હતું. આ બેઠક પાર ગોંડલ તાલુકાના મતદારોનો સમાવેશ થાય છે. આ બેઠક પર છેલ્લા 2 ટર્મથી ભાજપના ઉમેદવારો જીતે છે. પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાને વર્ષ 2017ની ચૂંટણી સમય એક હત્યા કેસમાં રાજ્ય બહાર રહેવાની શરતે જામીન મળ્યા હતા. ચૂંટણીમાં જયરાજસિંહની જગ્યાએ તેમના ધર્મ પત્ની ગીતાબેન મેદાને ઉતર્યા હતા.

જ્ઞાતિ ગત સમીકરણ
લેઉવા પટેલો, કોળીઓ, કડવા પટેલો, આહીરો, ક્ષત્રિયો, માલધારીઓ, દલિત અને લધુમતી સમુદાયો પ્રભુત્વ ધરાવે છે. કોળીઓ 5 ટકા, લેઉવા પટેલ 40 ટકા, દલિત 10 ટકા, લધુમતી 10 ટકા, કડવા પટેલ 5 ટકા, ક્ષત્રિય 10 ટકા અને અન્ય 20 ટકા છે.

ભાજપનું વર્ચસ્વ
1980ની ચૂંટણીમાં કેશુભાઈ પટેલ ભાજપ તરફથી ગોંડલ વિધાનસભા બેઠક પરથી ચૂંટણી લડ્યા હતા, જેમાં તેઓ જંગી માર્જિનથી જીત્યા હતા. આ બેઠક પર 1990થી ભાજપનું વર્ચસ્વ છે. જો કે વર્ષ 2007માં આ બેઠક પરથી એનસીપીના ઉમેદવાર ચંદુભાઈ વઘાસિયાનો વિજય થયો હતો.

આ કારણે બેઠક છે ચર્ચામાં
પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલ આ બેઠક પરથી ચૂંટણી લડી ચુક્યા છે. વર્ષ 1980માં આ બેઠક પરથી ચૂંટણી લડ્યા અને તેમને બાબુ જસભાઈ પટેલની સરકારમાં કેબિનેટમાં સ્થાન મળ્યું હતું અને કૃષિ વિભાગ સોંપવામાં આવ્યો હતો. આ બેઠકના ધારાસભ્ય પોપટ લાખા સોરઠીયાની 15 ઓગસ્ટ 1988ના રોજ ધ્વજવંદન કાર્યક્રમ દરમિયાન હત્યા થઈ હતી. 2017ની ચૂંટણીમાં જયરાજસિંહની જગ્યાએ તેમના પત્ની ચૂંટણી લડ્યા હતા અને વિજેતા થયા હતા. ગુનાહિત અને ચર્ચિત આ સીટની ચૂંટણી રસપ્રદ રહેશે.

આ બેઠક પર કોનું પલડું રહ્યું ભારે?
1962- કોંગ્રેસના ઉમેદવાર વજુભાઇ શાહ વિજેતા થયા.
1967-કોંગ્રેસ પક્ષના ઉમેદવાર બી.એચ. પટેલ વિજેતા થયા.
1972- કોંગ્રેસના ઉમેદવાર સોરઠીયા પોપટભાઈ વિજેતા થયા.
1975- કિમલોપ પક્ષના ઉમેદવાર સોરઠીયા પોપટભાઈ વિજેતા થયા.
1980- ભાજપના ઉમેદવાર કેશુભાઈ પટેલ વિજેતા થયા.
1985- કોંગ્રેસના ઉમેદવાર સોરઠીયા પોપટભાઈ વિજેતા થયા.
1990- અપક્ષ ઉમેદવાર મહિપતસિંહ જાડેજા વિજેતા થયા.
1995- અપક્ષ ઉમેદવાર મહિપતસિંહ જાડેજા વિજેતા થયા.
1998- ભાજપના ઉમેદવાર જયરાજસિંહ જાડેજા વિજેતા થયા.
2002- ભાજપના ઉમેદવાર જયરાજસિંહ જાડેજા વિજેતા થયા.
2007- એનસીપીના ઉમેદવાર ચંદુભાઈ વઘાસીયા વિજેતા થયા.
2012- ભાજપના ઉમેદવાર જયરાજસિંહ જાડેજા વિજેતા થયા.
2017- ભાજપના ઉમેદવાર ગીતાબેન જયરાજસિંહ જાડેજા વિજેતા થયા.

    follow whatsapp