શાર્દુલ ગજ્જર/ગોધરા: ગોધરા નગરપાલિકાની ગંભીર બેદરકારી સામે આવી રહી છે. પાલિકાએ રોડ બનાવવાનું કામ અધૂરું છોડી દેતા જીવલેણ અકસ્માતનું સ્પોટ બની ગયું છે. રોડ પર જ અધવચ્ચે ખાડા અને સળિયા બહાર નીકળતા ઘણા વાહન ચાલકો ગંભીર અકસ્માતનો ભોગ બનવું પડી રહ્યું છે. છતાં નગરપાલિકાના અધિકારીઓ આંધળા-બેરા બનીને જોતા હોય તેમ લાગી રહ્યું છે.
ADVERTISEMENT
રોડ અધવચ્ચે જ પુરો થઈ ગયો
હાલમાં જ ગોધરામાં નગરપાલિકાની બેદરકારીના લીધે થયેલા અકસ્માતની ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ છે. નગરપાલિકા બે વર્ષથી રોડની કામગીરી કરી રહી છે. જોકે અડધો રોડ બનાવ્યો અને અડધા રોડની કામગીરી બાકી રાખવામાં આવી છે. મુખ્ય રોડ પર બાઈક સવાર પોતાની સ્પીડ પર આવતો હતો અને અધ વચ્ચે જ રસ્તો નહીં હોવાને કારણે બાઇક સવાર ખાડા અને સળિયા બહાર નીકળેલા હોવાના કારણે પડી ગયો હતો. જોકે સદનસીબે તેને કોઈ મોટી ગંભીર ઈજા નહોતી પહોંચી.
જીવલેણ અકસ્માત સર્જી શકે અધૂરો રોડ
પરંતુ નગરપાલિકાના પાપે ગંભીર ઈજા કે કોઈનું મૃત્યુ થયું હોત તો? ગોધરા નગરપાલિકા કુંભકરણની ઊંઘ માંથી ક્યારે જાગશે? શું સમય મર્યાદામાં કામ પૂરું ન કરનારા કોન્ટ્રાક્ટરો સામે પગલાં ભરાશે? આ રોડ પર એશિયાનું સૌથી મોટું કબ્રસ્તાન આવેલું છે. અભ્યાસ માટેની ત્રણ સ્કૂલો આવેલી છે. એવામાં રોજ મોટી સંખ્યામાં અહીંથી વાહનો પસાર થયા હોય છે. ત્યારે આ ગંભીર બેદરકારી જીવલેણ સાબિત થઈ શકે છે.
ADVERTISEMENT