યુવતીએ વાત ન કરતા યુવક ધારિયું લઈને પાછળ દોડ્યો, રાહદારીઓ હુમલાખોર સામે બાથ ભીડીને યુવતીને બચાવી

પુણે: મહારાષ્ટ્રના પુણે શહેરમાં એક યુવતી પર તેના મિત્ર દ્વારા ધોળા દિવસે જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. જો કે, ત્યાંથી પસાર થતા લોકોએ ચપળતા બતાવી…

gujarattak
follow google news

પુણે: મહારાષ્ટ્રના પુણે શહેરમાં એક યુવતી પર તેના મિત્ર દ્વારા ધોળા દિવસે જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. જો કે, ત્યાંથી પસાર થતા લોકોએ ચપળતા બતાવી અને હુમલાખોરથી છોકરીનો જીવ બચાવ્યો. આ ભયાનક ઘટનાનો વીડિયો પણ સામે આવ્યો છે. પુણેના લોકોએ જે રીતે સક્રિયતા બતાવીને યુવતીને હુમલાખોરથી બચાવી, તેના વખાણ થઈ રહ્યા છે. ગયા મહિને આવો જ એક કિસ્સો દિલ્હીના શાહબાદ ડેરી વિસ્તારમાંથી સામે આવ્યો હતો જ્યાં એક સગીરાની નિર્દયતાથી હત્યા કરવામાં આવી હતી. તે ઘટનામાં યુવક યુવતી પર હુમલો કરતો રહ્યો પરંતુ ત્યાંથી પસાર થતા કોઈએ તેને બચાવવાનો પ્રયાસ ન કર્યો.

પોલીસના એક અધિકારીએ જણાવ્યું કે, આ ઘટના સવારે 10 વાગ્યાની આસપાસ સદાશિવ પેઠના પેરુગેટ વિસ્તારમાં બની હતી. આરોપી અને પીડિતા બંને એક કોલેજમાં ભણતા હતા અને યુવતીએ તાજેતરમાં તેની સાથે વાત કરવાનું બંધ કરી દીધું હતું. ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ (ઝોન I) સંદીપ સિંહ ગિલે જણાવ્યું હતું કે, ‘આજે સવારે યુવકે યુવતીનો સંપર્ક કર્યો હતો જ્યારે તે અન્ય મિત્ર સાથે ટુ-વ્હીલર પર સવાર થઈને જઈ રહી હતી. યુવકે યુવતી સાથે વાત કરવાનો પ્રયાસ કર્યો પરંતુ યુવતીએ તેની સાથે વાત કરવાની ના પાડી. જેનાથી નારાજ થઈને આરોપીએ તિક્ષ્ણ હથિયાર કાઢીને યુવતી પર હુમલો કર્યો હતો.

યુવતીના મિત્ર પર પણ હુમલો કરવામાં આવ્યો
તેમણે કહ્યું, પીડિતાના મિત્રએ દરમિયાનગીરી કરી અને હુમલાખોરને રોકવાનો પ્રયાસ કર્યો. આ દરમિયાન યુવતી કોઈક રીતે ત્યાંથી ભાગવામાં સફળ રહી હતી. અધિકારીએ જણાવ્યું કે, હુમલાખોરે યુવતીનો પીછો કર્યો પરંતુ ત્યાં હાજર લોકોએ તેને અટકાવ્યો. યુવતીને માથા અને હાથમાં ઈજાઓ થઈ હતી અને સારવાર બાદ તેને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી.

આ ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી જેમાં જોઈ શકાય છે કે મહિલા તેના મિત્ર સાથે ટુ-વ્હીલર પર બેઠી છે જ્યારે આરોપી તેની સાથે વાત કરી રહ્યો છે. ટુ-વ્હીલર ચલાવતો યુવક આરોપીનો સામનો કરવા માટે વાહનમાંથી નીચે ઉતરે છે પરંતુ આરોપી બેગમાંથી તીક્ષ્ણ હથિયાર કાઢે છે અને પહેલા યુવતીના મિત્ર પર હુમલો કરે છે.

લોકોએ સમય ગુમાવ્યા વિના યુવતીને બચાવી લીધી
આ ઘટનાનો અન્ય એક ફૂટેજ પણ સામે આવ્યો છે જેમાં મહિલા ભાગતી જોવા મળી રહી છે અને હુમલાખોર તેના પર પાછળથી તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરવાનો પ્રયાસ કરે છે. આ દરમિયાન યુવતી નીચે પડી અને ત્યાંથી પસાર થતા લોકોએ હુમલાખોરને રોક્યો. પોલીસ અધિકારીએ જણાવ્યું કે, આરોપીને કસ્ટડીમાં લેવામાં આવ્યો છે અને કેસ નોંધવાની પ્રક્રિયા ચાલી રહી છે.

    follow whatsapp