યુવતીને ગાડી સાથે ઢસડી, ચામડી છોલાઈ ગઈ; કપડાં પણ ફાટ્યા પરંતુ શખસોએ ગાડી ન રોકી!

દિલ્હીઃ દેશની રાજધાની દિલ્હીમાં નવા વર્ષની ઉજવણી દરમિયાન કારમાંથી ઢસડતા યુવતીના મોતના મામલામાં નવા CCTV ફૂટેજ સામે આવ્યા છે. આ વીડિયોમાં યુવતી બલેનો કારની નીચે…

gujarattak
follow google news

દિલ્હીઃ દેશની રાજધાની દિલ્હીમાં નવા વર્ષની ઉજવણી દરમિયાન કારમાંથી ઢસડતા યુવતીના મોતના મામલામાં નવા CCTV ફૂટેજ સામે આવ્યા છે. આ વીડિયોમાં યુવતી બલેનો કારની નીચે ફસાયેલી જોવા મળે છે અને કાર ચાલક તેને ખેંચીને યુ-ટર્ન લેતો જોવા મળે છે. આ વિડિયો સામે આવ્યા બાદ પોલીસે એફઆઈઆરમાં વધુ કલમો પણ જોડી દીધી છે.

આ દરમિયાન, કાંઝાવાલા વિસ્તારમાં આ ઘટનાને અંજામ આપનારા બલેનો વાહનના અન્ય CCTV ફૂટેજ સામે આવ્યા છે. સીસીટીવી 1 જાન્યુઆરીની સવારે 3:34 વાગ્યાના છે. કાંઝાવાલાના લાડપુર ગામથી થોડે આગળ, ગાડી યુ-ટર્ન લઈને તોસી ગામ તરફ પાછા જતી જોવા મળે છે, જ્યાં યુવતીનો મૃતદેહ મળી આવ્યો છે.

વાહને આગળ યુ-ટર્ન લીધો…
પ્રત્યક્ષદર્શી દીપકે જણાવ્યું હતું કે કારે આગળ જતાં યુ-ટર્ન લીધો હતો. દીપકે કહ્યું કે કાર નોર્મલ સ્પીડમાં હતી અને એવું લાગી રહ્યું હતું કે ડ્રાઈવર નોર્મલ છે. સવારે લગભગ 3:15 વાગ્યે દીપક દૂધની ડિલિવરી માટે રાહ જોઈ રહ્યો હતો, ત્યારે તેણે એક કાર આવતી જોઈ. તે સમયે કારના પાછળના પૈડામાંથી જોરદાર અવાજ આવી રહ્યો હતો.

બિનઈરાદા પૂર્વકની હત્યાની કલમ લગાવી
નવા સીસીટીવી ફૂટેજ સામે આવ્યા પછી, દિલ્હી પોલીસે એફઆઈઆરમાં બિનઈરાદા પૂર્વક હત્યાની કલમ નોંધી દેવાઈ છે. દિલ્હી આઉટરના ડીસીપી હરેન્દ્ર સિંહનું કહેવું છે કે તમામ આરોપીઓને કોર્ટમાં રજૂ કરવામાં આવશે, આરોપીઓએ દારૂ પીધો હતો કે નહીં તેની પુષ્ટિ કરવા માટે તેમના લોહીના નમૂના લેવામાં આવ્યા છે, પોસ્ટમોર્ટમ માટે બોર્ડ બનાવવાની વિનંતી કરવામાં આવી છે. ત્રણ ડોક્ટરોની ટીમ પોસ્ટમોર્ટમ કરશે.

પોલીસ ફરી ક્રાઈમ સીનનું નિરીક્ષણ કરશે
ડીસીપી હરેન્દ્ર સિંહે જણાવ્યું કે ધરપકડ કરાયેલા પાંચેય છોકરાઓએ કહ્યું કે યુવતી કારની નીચે ફસાઈ ગઈ હતી, તેથી તેમને જાણ નહોતી થઈ. હાલમાં, તે વાતની પુષ્ટિ થઈ છે કે યુવતીને 4-5 કિલોમીટર સુધી ખેંચવામાં આવી હતી, પરંતુ દિલ્હી પોલીસ ફરીથી ક્રાઈમ સીનનું નિરીક્ષણ કરશે. દિલ્હી પોલીસ તેની કાનૂની ટીમના સંપર્કમાં છે જેથી આરોપીને જામીન ન આપી શકાય.

પોલીસનો દાવો – પેટ્રોલિંગ પાર્ટીએ સ્કૂટીને જોઈ હતી
ડીસીપી હરેન્દ્ર સિંહનો દાવો છે કે દિલ્હી પોલીસની પેટ્રોલિંગ પાર્ટીએ સ્કૂટીને સૌથી પહેલા જોઈ હતી. પરંતુ પીડિતા સ્થળ પર મળી ન હતી. બીજી તરફ દિલ્હી પોલીસ પર આરોપ છે કે પીસીઆર વાનમાં હાજર પોલીસ હોશમાં ન હતી અને પોલીસે ઘટના અંગે પ્રત્યક્ષદર્શીની વાત સાંભળવામાં કોઈ રસ દાખવ્યો ન હતો.

પ્રત્યક્ષદર્શી દીપકે જણાવ્યું કે જ્યાં સુધી મૃતદેહ કારમાં ફસાઈ ગયો ત્યાં સુધી તે કારને અહીં-ત્યાં ચલાવતો રહ્યો. મૃતદેહ પડી જતાં તેઓ તેને છોડીને સ્થળ પરથી ભાગી ગયા હતા. જ્યારે સુલતાનપુરી વિસ્તારમાં, એસએચઓએ રાત્રિ પેટ્રોલિંગ દરમિયાન સ્કૂટીને અકસ્માતગ્રસ્ત હાલતમાં જોઈ હતી અને પોલીસ સ્ટેશનમાં 3.53 વાગ્યે તેની જાણ કરી હતી.

પોલીસને બે કોલ પર માહિતી મળી…
પોલીસે જણાવ્યું કે કોઈએ કોલ પર માહિતી આપી હતી કે ગ્રે રંગની કાર કુતુબગઢ તરફ જઈ રહી છે. તેમાં એક મૃતદેહ ઢસડાતો જોવા મળી રહ્યો છે. આ પછી તરત જ ચેકપોસ્ટ પર તૈનાત પોલીસકર્મીઓ એલર્ટ થઈ ગયા હતા. પોલીસે કારની શોધખોળ શરૂ કરી હતી. થોડા સમય બાદ પોલીસને પીસીઆરનો કોલ આવ્યો. કોલ પર કહેવામાં આવ્યું કે કાંઝાવાલા પોલીસ સ્ટેશનમાં એક યુવતીનો મૃતદેહ રોડ પર પડી ગયો છે.

    follow whatsapp