ઈન્સ્ટાગ્રામથી વિધર્મી યુવકના પ્રેમમાં પડેલી યુવતી મા-બાપને ઘેનની ગોળી ખવડાવી જૂનાગઢથી UP પહોંચી

ભાર્ગવી જોશી/જૂનાગઢ: જૂનાગઢમાં ગત 3 ડિસેમ્બરના રોજ એક 21 વર્ષની યુવતી ભર બપોરે પોતાના મા-બાપને ખાવામાં ઘેનની ગોળી આપીને ઘરેથી તમામ મોબાઈલ, એટીએમ કાર્ડ, ક્રેડિટ…

gujarattak
follow google news

ભાર્ગવી જોશી/જૂનાગઢ: જૂનાગઢમાં ગત 3 ડિસેમ્બરના રોજ એક 21 વર્ષની યુવતી ભર બપોરે પોતાના મા-બાપને ખાવામાં ઘેનની ગોળી આપીને ઘરેથી તમામ મોબાઈલ, એટીએમ કાર્ડ, ક્રેડિટ કાર્ડ અને ડેબિટ કાર્ડ, પાસવર્ડની ડાયરી, પર્સનલ ડોક્યુમેન્ટ્સ લઈને ભાગી ગઈ હતી. મોડી રાત્રે ઊંઘથી જાગેલા પિતાએ દીકરીની શોધખોળ શરૂ કરી, પરંતુ રાત દીકરી ન દેખાતા તેમણે પોલીસમાં ફરિયાદ નોંધાવી. દીકરી કોના સાથે ગઈ તેની કંઈ જ મા-બાપને ખબર નહોતી.

જૂનાગઢથી ભાગેલી યુવતી બરેલીથી મળી
જૂનાગઢ એસ.પી વાસમ તેજા શેટ્ટીની સૂચનાથી સી ડિવિઝને તપાસ શરૂ કરી. તો દીકરી રાજકોટ એરપોર્ટથી દિલ્હી ગઈ હોવાની બાતમી પર તપાસ કરવામાં આવી. આખરે યુવતી બરેલીમાં હોવાની માહિતી મળતા જ પોલીસ ત્યાં પહોંચી અને યુવતીને ભગાડનારા રાહત અમહત નફીસ નામના યુવકની ધરપકડ કરી લીધી.

યુવકે દુબઈમાં હોટલ-ગાડીઓ હોવાનું કહ્યું હતું
યુવતીએ પોલીસને જે કહ્યું તે ચોંકાવનારું હતું. 2017 અને 2018માં ઈન્સ્ટાગ્રામમાં મિત્ર બનીને અહમદે તેને ફસાવી અને કહ્યું કે, મારા પિતાની દુબઈમાં બે હોટલ અને રેસ્ટોરાં, બે મોલ, ઘરમાં ઓડી અને બીએમડબલ્યૂ કાર છે. 15 દિવસ પહેલા તેણે કહ્યું કે દુબઈમાં બધુ વેચીને બરેલીમાં શિફ્ટ થઈ ગયા છીએ અને બરેલીમાં હોટલ અને રેસ્ટોરાંનો બિઝનેસ શરૂ કર્યો છે, યુવતીને પણ ત્યાં આવી જવા માટે કહ્યું. બાદમાં નફીસે કુરિયરમાં ઘેનની દવા મોકલી, જેને યુવતીએ ભોજપમાં ભેળવીને મા-બાપને ખવડાવી દીધી.

બરેલી બોલાવી 2.35 લાખ રૂપિયા પડાવી લીધા
રાહત અમહદે જ દિલ્હીથી રાજકોટની ફ્લાઈટ બુક કરી હતી અને આ માટે QR કોડ દ્વારા યુવતી પાસેથી 24,000 રૂપિયાનું પેમેન્ટ કરાવ્યું હતું. દિલ્હીથી તે યુવતીને પિક કરીને બરેલી લઈ ગયો, પરંતુ ત્યાં પહોંચતા જ યુવતીના પગ-નીચેથી જમીન સરકી ગઈ. પૂછપરછમાં રાહત અહમદે જણાવ્યું કે, તે દસમુ ધોરણ ફેલ હતો અને ડ્રાઈવિંગનું કામ કરતો હતો, પિતા બંને પગે અપંગ છે, ભાઈનું બાઈક ગેરેજ છે અને એક બહેન છે. તેણે યુવતીના એટીએમ કાર્ડથી પેટ્રોલ પંપે જઈને પહેલા રૂ.60000 અને પછી 1.75 લાખ ઉપાડ્યા હતા.

માતા-પિતા માટે આંખ ઉઘાડનારો કિસ્સો
હાલમાં પોલીસે રાહત અહમદને પકડી લીધો છે, જે માસુમ યુવતીઓને ફસાવીને તેની પાસેથી રૂપિયા લૂંટતો હતો. પોલીસે યુવતીને તેને ઘરે પહોંચાડી દીધી છે. જોકે સોશિયલ મીડિયાના ઉપયોગથી આવી ઘટના માતા-પિતા માટે લાલબત્તી સમાન છે. સંતાનોને મોબાઈલ આપો પરંતુ તેઓ તેના પર શું કરી રહ્યા છે તેની પણ નજર રાખવી જોઈએ જેથી કોઈ સંતાન આ રીતે માતા-પિતાની આંખમાં ધૂળ ન નાખે અને પોતાની જિંદગી દાવ પર ન લગાવી દે.

    follow whatsapp