GETCO Exam : ગુજરાત એનર્જી ટ્રાન્સમિશન કોર્પોરેશ લિ. દ્વારા ઈલેક્ટ્રિક આસિસ્ટન્ટની ભરતી રદ્દ કરવાનો મુદ્દો હાલ રાજ્યમાં ગરમાય રહ્યો છે. એક તરફ 48 કલાકનો સમય પૂર્ણ થવા છતાં ભરતીને લઈને કોઈ નિરાકરણ ન આવતા આજે ફરી મોટી સંખ્યામાં ઉમેદવારો જેટકો (GETCO)ની ઓફિસે પહોંચ્યા હતા તો બીજી તરફ આ મામલે કાર્યવાહીમાં અત્યાર સુધીમાં તંત્ર દ્વારા 5 જેટલા અધિકારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. GETCOના ડેપ્યુટી એન્જિનિયર કે. એચ. પરમાર, એસ. આર યાદવ, બી. જે. ચૌધરી, એ.પી ભાભોર અને જે.જી.પટેલ એમ કુલ પાંચ અધિકારીઓને બેદરકારીના સંદર્ભમાં તબળતોડ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
ADVERTISEMENT
અધિકારીઓનો વાંક છે એમને સસ્પેન્ડ કરો : યુવરાજસિંહ
અગાઉ આ મામલે સામાજિક કાર્યકર્તા અને યુવા નેતા યુવરાજસિંહે જણાવ્યું કે, માર્ચ મહિનામાં જે પ્રેક્ટિકલ પરીક્ષા લીધી હતી, તેમાં ક્યાંકને ક્યાંક છબરડા થયાનું કહેવાય છે. એમાં છબરડા થયા જ નથી. જે ગાઈડલાઈન, જે સૂચના ઉચ્ચે અધિકારીઓ દ્વારા આપવામાં આવી તેનું પાલન અહીંયા ઊભેલા તમામ વિદ્યાર્થીઓએ કર્યું, તમામ વિદ્યાર્થીઓએ જે રીતે કહેવાયું કે તમારે પોલ ચઢવાનો છે અને ક્લેમ્પ પર હાથ અડાડવાનો છે, દરેક ઉમેદવારોએ એ જ પ્રકારે કરીને પરીક્ષા પાસ કરી છે. એમાં જરા પણ ઉમેદવારોનો વાંક નથી. આમા જે-તે સમયે ત્યાં હાજર જે તે સર્કલના ડેપ્યુટી એન્જિનિયર, જુનિયર એન્જિનિયર અને એક્ઝિક્યુટિવ એન્જિનિયર આ તમામનો વાંક છે. એટલે અધિકારીઓના વાંકે વિદ્યાર્થીઓ શા માટે ભોગવે? અચાનક જ આ લોકોને 9 મહિને બ્રહ્મજ્ઞાન થાય છે. આ વિદ્યાર્થીઓ સાથે અન્યાય છે. જે બાદ સરકાર દ્વારા ફરજમાં બેદરકારી દાખવનાર અધિકારીઓને નોકરી પરથી હટાવી દેવામાં આવ્યા છે.
અમે ગાંધીનગરમાં કરીશું આંદોલનઃ ઉમેદવાર
ઉમેદવારે જણાવ્યું કે, જેટકોના એમ.ડી આજે ગેરહાજર હોવાથી અમે જનરલ મેનેજર એચ.આર કે.ટી રાયને રજૂઆત કરી હતી. જોકે, તેઓએ અમેને કહ્યું કે, અમે જે નિર્ણય લીધો છે, તેના પર અમે તટસ્થ છીએ. જેથી હવે અમે ગાંધીનગરમાં આંદોલન કરીશું અને ઊર્જામંત્રીને ઉગ્ર રજૂઆત કરીશું.
શું છે સમગ્ર મામલો?
ગુજરાત એનર્જી ટ્રાન્સમિશન કોર્પોરેશન લિમિટેડ દ્વારા વિદ્યુક સહાયકોની ભરતી બે તબક્કામાં હાથ ધરાઈ હતી. જેમાં 6 માર્ચ 2013 થી 13 માર્ચ 2023 સુધી પોલ ક્લાઈમ્બિંગ ટેસ્ટ તથા 9 સપ્ટેમ્બર 2023ના રોજ લેખિત પરીક્ષા યોજાઈ હતી. જેમાં 1224 ઉમેદવારો પાસ થયા હતા અને તેમનું પોલીસ વેરિફિકેશન પણ થઈ ગયું હતું. જોકે બાદમાં એમ કહીને પ્રક્રિયા રદ કરાઈ કે રાજકોટ, ભરૂચ અને મહેસાણા ઝોન હેઠળની વર્તુળ કચેરી ખાતે પોલ ટેસ્ટની પ્રક્રિયામાં GUVNL તથા GETCOની માર્ગદર્શિકાને અનુસરવામાં આવી નહોતી. જે બાદ તેને રદ કરી દેવામાં આવી હતી અને ફરીથી પરીક્ષા લેવા જણાવ્યું હતું.
ADVERTISEMENT