બનાસકાંઠા: ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી નજીક આવતા જ રાજકીય પાર્ટીઓમાં ટિકિટ માટે સળવળાટ થઈ રહ્યો છે. આમ આદમી પાર્ટીએ તો અત્યાર સુધીમાં 70થી વધુ ઉમેદવારોના નામની જાહેરાત કરી દીધી છે, પરંતુ કોંગ્રેસ અને ભાજપ બંને ‘મૂરતિયાઓના’ નામ પર મંથન કરી રહ્યા છે. ત્યારે વાવના કોંગ્રેસના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરનો એક વીડિયો વાઈરલ થયો છે, જેમાં તેઓ રાધનપુર અને ડીસાથી કોંગ્રેસમાંથી કોણ લડવાનું છે તેના નામના સંકેત આપતા જોવા મળી રહ્યા છે.
ADVERTISEMENT
ગેનીબેન ઠાકોરને બે ઉમેદવારોના નામની જાહેરાત કરી!
ભાભરના વજાપુર ગામે રોડના ખાતમુહૂર્તના એક કાર્યક્રમમાં વાવના ધારસભ્ય ગેનીબેન ઠાકોર ઉપસ્થિત રહ્યા હતા. જ્યાં તેમણે રબારી સમાજના કોઈપણ ઉમેદવારને જીતાડવા મદદ કરવાની અપીલ કરી હતી. સાથે જ તેમણે કોંગ્રેસમાંથી રાધનપુરથી રઘુભાઈ રબારી અને બનાસકાંઠાના ડીસામાંથી ગોવાભાઈ દેસાઈ ચૂંટણી લડશે તેવા સંકેત આપ્યા હતા.
શું બોલ્યા ગેનીબેન ઠાકોર
ગેનીબેન ઠાકોરે કહ્યું હતું કે, હું ક્યારેય કોઈને કહેવા માટે નથી આવી. પણ છતાંય જે સમાજના આગેવાનો અને રબારી સમાજ માટે કોઈ સમાજ માટે કોઈ આગેવાનો આવે તો એમને પણ કહેજો કે અહીં ગોવાભાઈ ધારાસભ્ય કોંગ્રેસમાંથી લડે છે, અહીં બાજુમા રઘુભાઈ પણ કોંગ્રેસમાંથી લડે છે, ત્રીજા કોઈ રબારીને અહીં ટિકિટ ભાજપ કે કોંગ્રેસ આપતું હોય તો અઢારે આલમ, એ રબારીઓ માટે તૈયાર છીએ.
કોંગ્રેસમાં ઉમેદવારોની પસંદગી પ્રક્રિયા અંતિમ તબક્કામાં
નોંધનીય છે કે, કોંગ્રેસમાં ઉમેદવારોના પસંદગીની પ્રક્રિયા અંતિમ તબક્કામાં છે. આવતીકાલે કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ જગદીશ ઠાકોર અને નેતા વિપક્ષ સુખરામ રાઠવા દિલ્હી જશે. તેમની સાથે પ્રભારી રઘુ શર્મા પણ દિલ્હી જશે, જ્યાં ઉમેદવારની પસંદગી માટે સ્ક્રિનિંગ કમિટી અને સીઈસી બેઠકમાં ભાગ લેશે.
(વિથ ઈનપુટ: ધનેશ પરમાર)
ADVERTISEMENT